Mon Sep 07 2026

Logo

ગાંધીધામને મળશે ટ્રાફિકથી મુક્તિ, 135 કરોડના ‘ગ્રીન રિંગ રોડ’ પ્રોજેક્ટને સરકારની લીલીઝંડી...

2026-03-13 16:12:29
Author: Vimal Prajapati
ગાંધીધામને મળશે ટ્રાફિકથી મુક્તિ, 135 કરોડના ‘ગ્રીન રિંગ રોડ’ પ્રોજેક્ટને સરકારની લીલીઝંડી...

ભુજ: કચ્છની ઔદ્યોગિક નગરી ગાંધીધામ-આદિપુરના રહેવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શહેરના વધતા જતા ટ્રાફિકના ભારણને હળવું કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રસ્તાવિત 10 કિલોમીટર લાંબા ‘ગ્રીન રિંગ રોડ’ પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ‘મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના’ હેઠળ આશરે રૂપિયા 135 કરોડના ખર્ચે તૈયાર થનારો આ માર્ગ શહેરની કનેક્ટિવિટી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી

આ રિંગ રોડ શહેરના વિવિધ મહત્વના વિસ્તારો આદિપુર ઘોડા ચોકડીથી ઓમ મંદિર અને મણીનગર, આદિપુર જીઆઇડીસી અને તોલાણી કોલેજ થઈ લીલાશાહ ફાટક, રેલવે લાઇનને સમાંતર રાજવી ફાટક અને ન્યૂ ગોપાલપુરી રેલવે સ્ટેશન અને અંતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પેટ્રોલ પંપ સુધી કનેક્ટિવિટી સાંકળશે. જેનાથી આંતરિક ટ્રાફિકનું ભારણ ઘટશે.

24.4 મીટર પહોળાઈનો મજબૂત સીસી રોડ બનાવાશે

મહાનગરપાલિકા કમિશ્નર મનિષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, 24.4 મીટર પહોળાઈનો મજબૂત સીસી રોડ બનાવવામાં આવશે. ભવિષ્યમાં રસ્તો ખોદવો ન પડે તે માટે વીજળી અને ટેલિકોમ લાઈનો માટે અલગથી ડ્રેન બનાવાશે. રસ્તાની બંને તરફ સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને પાણી સંરક્ષણ સ્ટ્રક્ચર તેમજ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ગ્રીન રિંગ રોડ તૈયાર થવાથી એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જનારા મુસાફરોનો સમય બચશે. 

આ ઉપરાંત કંડલા પોર્ટ, ભુજ, અંજાર અને મુંદ્રા તરફ જતાં ભારે વાહનો શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામ કર્યા વગર સીધા બહાર નીકળી શકશે. દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મનિષ ગુરવાણીએ ઉમેર્યું હતું.