Wed Jun 17 2026

Logo

દિલ્હી AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીની ફજેતી: ચીની રોબોટને પોતાનો ગણાવતા માફી માંગવાનો વારો આવ્યો...

2026-02-18 21:17:59
Author: Tejas
Article Image

નવી દિલ્હી: પાટનગરમાં આયોજિત એઆઈ સમિટ પર દુનિયાભરના દેશોની નજર છે ત્યારે અહીંની સમિટમાં સૌથી મોટો છબરડો હવે પ્રકાશમાં આવ્યો છે. AI સમિટમાં જાણીતી ગલગોટિયા યુનિવર્સિટી એક મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. યુનિવર્સિટીના પેવેલિયનમાં પ્રદર્શિત કરવામાં આવેલા 'ઓરાયન' (Orion) નામના રોબોટને લઈને ખોટા દાવા કરવામાં આવતા સોશિયલ મીડિયા પર તેની ભારે મજાક ઉડાડવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય ફજેતી બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટે સત્તાવાર રીતે માફી માંગવી પડી છે. યુનિવર્સિટી મેનેજમેન્ટએ સ્વીકાર્યું છે કે આ ઘટનાથી તેમની છબિને નુકસાન પહોંચ્યું છે અને તે માટે તેઓ દિલગીર છે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન. કે. ગૌર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સમગ્ર ઘટના માટે પ્રોફેસર નેહા સિંહને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. રજિસ્ટ્રારે જણાવ્યું કે, "કેમેરા સામે આવવાના ઉત્સાહમાં અમારા પ્રતિનિધિએ ટેકનિકલ વિગતો જાણ્યા વગર ખોટી માહિતી આપી હતી. તેમને મીડિયા સાથે વાત કરવાનો કોઈ અધિકાર નહોતો." યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે કે સંસ્થાનો આવો કોઈ ઈરાદો નહોતો અને આ માત્ર એક વ્યક્તિગત ભૂલ હતી. 

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પ્રોફેસર નેહા સિંહે 'ડીડી ન્યૂઝ' ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે આ રોબોટિક ડોગ (Orion) ગલગોટિયા યુનિવર્સિટીના 'સેન્ટર ઓફ એક્સલન્સ' દ્વારા બનાવવામાં આવ્યો છે. જોકે, ટેકનિકલ નિષ્ણાતોએ તુરંત જ ઓળખી કાઢ્યું કે આ રોબોટ વાસ્તવમાં ચીની કંપની 'યુનિટ્રી રોબોટિક્સ' (Unitree Robotics) દ્વારા નિર્મિત 'Unitree Go2' મોડલ છે. આ હકીકત સામે આવતા જ ઈન્ટરનેટ પર યુનિવર્સિટીને ભારે ટ્રોલ કરવામાં આવી હતી.

આ મામલે ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્રેટરી એસ. કૃષ્ણને કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સરકાર એવું બિલકુલ નથી ઈચ્છતી કે કોઈ સંસ્થા અન્ય કોઈના ઉત્પાદનોને પોતાના નામે પ્રદર્શિત કરે. આવી ઘટનાઓથી દેશના સંશોધન અને વિકાસ (R&D) ક્ષેત્રની ગરિમાને ઠેસ પહોંચે છે. આ ઘટના બાદ હવે શૈક્ષણિક સંસ્થાઓની પારદર્શિતા અને નૈતિકતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.