Tue Mar 10 2026

Logo

AIના યુગમાં માતૃભાષાનું ભવિષ્ય: સંકટનાં એંધાણ કે સંભાવનાનો સંકેત?

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી


હમણાં થોડા સમય પહેલાં, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે,આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (AI)ના જમાનામાં માતૃભાષા સાથે શું થશે તેના પર વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો હતો. કેવું કહેવાય! આપણે હજુ ગઈકાલ સુધી અંગ્રેજીના ચલણમાં માતૃભાષાનું શું થશે તેની ચિંતા કરતા હતા, ત્યાં આ અ AIની નવી ‘મોંકાણ’ આવી પડી છે.

AI, જેણે ઘણું બધું ઉપરતળે કરી નાખ્યું છે, તે આપણી જેમ જ મશીનોને બોલતાં અને વિચારતાં કરી દેશે તો આવનારી પેઢીની ભાષાનું શું થશે તે ચિંતા સમયસરની તો જ છે, કદાચ આવનારા દાયકાઓમાં તેની વધુને વધુ ચર્ચા પણ થતી રહેશે.

એક તો,AI એ તો હજુ પાશેરામાં પૂણી મૂકી છે. તે જે ઝડપે વિકસી રહી છે તે જોતાં તેના સ્વરૂપ અને પ્રભાવ વિષે કશું નિશ્ર્ચિતપણે કહી શકાય તેમ નથી.  AIની દુનિયામાં રોજેરોજ ઇનોવેશન-સંશોધન સુધારા થઇ રહ્યાં છે એટલે તે કેવી ક્ષમતાઓ વિકસાવાશે એ પણ ખબર નથી અને તેનાથી કેવા પ્રશ્નો ઉભા થશે તે પણ, છતાં ભાષાને સંબંધ છે ત્યાં સુધી એક વાત સ્પષ્ટ છે- માતૃભાષા આપણી ઈમોશનલ ઓપરેટિંગ સિસ્ટમ છે, અને  AI તેનું નવું હાર્ડવેર છે. ભવિષ્ય ત્યારે સૌથી સુંદર સ્વરૂપ ધારણ કરશે, જ્યારે બંને સાથે-સાથે ચાલશે.
કેવી રીતે? સમજીએ.

આપણે લખવા-વાંચવાનું બહુ પાછળથી શીખ્યા. સૌથી પહેલાં આપણે માતાનો અવાજ સાંભળ્યો હતો. એ પહેલી 

ભાષા હતી. આપણને હાલરડાંમાં પહેલી દુનિયા ‘દેખાઈ’ હતી. ઘરમાં બોલાતી કહેવતો મારફતે આપણને ‘જ્ઞાન’ મળતું હતું.

માતૃભાષા એટલે જન્મથી જ પરિવાર અને આસપાસના સમાજ દ્વારા સહજ રીતે શીખાતી પ્રથમ ભાષા, જે ભાષામાં આપણે બોલતાં શીખીએ, વિચારીએ, લાગણીઓ વ્યક્ત કરીએ અને સપનાઓ જોઈએ તે. અમેરિકાસ્થિત કવિયત્રી પન્ના નાયકે એક કવિતા લખી હતી:

આપણને
જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા
મને
હજીય ફિલાડેલ્ફિઆમાં
સપનાં ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
કેટલાક ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે?’
‘આ કોની છબિ છે?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.’ 

(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)

માતૃભાષા માત્ર વ્યાકરણ કે શબ્દભંડોળ નથી. તે હૃદયની ભાષા છે. તેમાં માતા હાલરડું ગાય, દાદી વાર્તા કહે, પિતા
સમજણ આપે, અને આપણે પહેલી વાર હું કહીએ તે માતૃભાષા.

માતૃભાષા એટલે ઓળખ. માતૃભાષા એટલે સ્મૃતિ. માતૃભાષા એટલે સંસ્કૃતિ. માતૃભાષા એટલે આપણી અંદરનો
અવાજ. વિશ્વની કોઈપણ બીજી ભાષા આપણે શીખી શકીએ, પરંતુ જે ભાષામાં આપણે રડી શકીએ, હસી શકીએ,
ગુસ્સે થઈ શકીએ અને નિ:શબ્દ રહી શકીએ, એ માતૃભાષા હોય છે.

માણસ તરીકે આપણી ઊંડી અનુભૂતિઓ, ભય, પ્રેમ અને એકલતા સૌથી પહેલાં માતૃભાષામાં આકાર લે છે. જો એ ભાષા ક્ષીણ થઇ જાય, તો વિચારવાનો એક ઢંગ પણ ક્ષીણ થઇ જાય છે. જ્યારે કોઈ ભાષા મરે છે, ત્યારે તેની સાથે દુનિયાને જોવાની એક દ્રષ્ટિ પણ મરી જાય છે. ભાષાઓ સાંસ્કૃતિક ધરોહરની વાહક હોય છે; તે ખાલી સંવાદનું સાધન નહીં, સભ્યતાનો જીવિત અભિલેખ છે.

એવા ઘણા શબ્દો છે જેનો અનુવાદ તો સંભવ છે, પણ અર્થનો વિસ્તાર નહીં, જેમ કે ‘લાગણી’ને ઈમોશન કહી દેવાથી તેની આત્મીયતા નથી આવતી. ‘આબરુ’ માત્ર રેપ્યુટેશન નથી, તેમાં પરિવાર અને વંશનું ગૌરવ પણ સામેલ છે.

સંબંધોની ઓળખ માટેના શબ્દો- જેમ કે સાળો, જીજાજી, દિયર, સાળી, નણંદ- અંગ્રેજીમાં બ્રધર-ઇન-લો અથવા
સિસ્ટર-ઇન-લો બનીને તેની વિશિષ્ટતા ગુમાવી દે છે. એટલા માટે માતૃભાષા આપણી ભાવનાઓનો સુક્ષ્મ નકશો છે.

હવે એમાં  AIનો પ્રવેશ થયો છે. આ પ્રિન્ટિંગ પ્રેસ, રેડિયો કે ટેલિવિઝન જેવું સાધારણ માધ્યમ નથી- તે એક સ્વતંત્ર સત્તા છે. AI શીખી શકે છે, લખી શકે છે અને વિચારી પણ શકે છે, પણ તે ફીલ કરી શકતું નથી. તેની પાસે ચેતના નથી, એટલે અનુભૂતિ પણ નથી. 
તેના માટે માનવીય ભાષાનો કોઈ વિકલ્પ નથી. એટલે  AI ભાષાને નહીં મારે, ભાષા પ્રત્યેની આપણી ઉદાસી તેને મારશે. AI ડેટા પર કામ કરે છે. જે ભાષા (અત્યારે અંગ્રેજી)માં વધુને વધુ ડેટા સર્જાશે, તેટલી તે ભાષા  અઈં માં મજબૂત થશે. આ શબ્દકોશ જેવું છે. એમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય, તેમ તમે તે સમૃદ્ધ થતી જાય અને ભાવી પેઢીઓ તે વાંચીને ભાષા લખતી-બોલતી રહે. અર્થાત, ડિજિટલ દુનિયામાં ગુજરાતી ભાષા જેટલી વધુ ઉપયોગમાં લેવાશે,  અઈંનો ‘શબ્દકોશ’ એટલો તગડો થશે. 

 AI વાસ્તવમાં નાની ભાષાઓ માટે વરદાન છે. તે તેને પ્રાદેશિક સ્તરેથી વૈશ્વિક સ્તરે લઇ જશે. આપણે એ સુનિશ્ર્ચિત કરવાનું છે કે AI આપણી ભાષા શીખે- પણ આપણે તેને ભૂલવાની નથી. આપણે નવી કવિતાઓ, હાલરડાં, ભજનો રચતા રહીશું, તો તે નવી પેઢી સુધી જશે અને તો જ નવું હાર્ડવેર અને આપણી ઈમોશનલ ઓપરેટિંગ સિસ્ટમ સાથે- સાથે, સંતુલિત અને સશક્ત બનીને ચાલી શકશે.