Wed Sep 02 2026

Logo

દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં ચાકુના ઘા ઝીંકી મિત્રની હત્યા

2026-03-26 17:31:00
Author: Yogesh C. Patel
દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં ચાકુના ઘા ઝીંકી મિત્રની હત્યા

મુંબઈ: દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં યુવાને ચાકુના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી હોવાની ઘટના નાલાસોપારામાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

તુલિંજ પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મંગળવારની રાતે 10.30 વાગ્યાની આસપાસ મોરેગાંવ પરિસરના જિજાઈ નગરમાં બની હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ પિંટુ ઠાકુર તરીકે થઈ હતી.

આરોપી ઠાકુર તેના મિત્ર શુભમ તિવારી સાથે ઘટનાસ્થળે દારૂ પીવા બેઠો હતો. દારૂ પીતી વખતે કોઈક વાતે તેમની વચ્ચે વિવાદ થયો હતો. ઉગ્ર બોલાચાલી દરમિયાન આરોપીએ ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી તિવારી પર ઘા ઝીંક્યા હતા. 

માથા અને ગરદન પર ગંભીર ઇજાને કારણે તિવારી લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યો હતો. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધરી બુધવારની સાંજે નાલાસોપારામાંથી જ તેને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(પીટીઆઈ)