સાશા
ફૂટબૉલ મૅચ અંતિમ મિનિટ સુધી ચાલી હતી, સ્ટેડિયમમાં બેઠેલા 80,000 પ્રેક્ષકોનો શ્વાસ જાણે થંભી ગયો હતો, કરોડો આંખો ટીવી સ્ક્રીન પર જામી ગઈ હતી, અચાનક બૉલ વીજળીની ઝડપે ડિફેન્ડરોની દીવાલને ભેદીને ગોલપોસ્ટમાં સમાઈ ગયો હતો. એ સાથે જ આખું સ્ટેડિયમ જાણે જ્વાળામુખીની માફક ફાટ્યું, કેટલાક લોકો રડી પડ્યા તો કેટલાકની ખુશીનો કોઈ પાર નહોતો. અમુક લોકો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા તો કેટલાક લોકો એકમેકને ભેટી રહ્યા હતા. દુનિયા આને ફૂટબૉલનો જાદુ કહે છે, પરંતુ વાસ્તવમાં એ જ ક્ષણે મેદાન પરના ઘાસના પ્રત્યેક તણખલાં, પ્રત્યેક ખેલાડીની જર્સી અને તેમના પગે બાંધેલા શૂઝ પાછળ અબજો રૂપિયાનો ખેલ ચાલી રહ્યો હતો.
હા, આ ખેલ સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકો અનુભવ કરતા હતા એટલો રોમાંચક નથી હોતો. ખરેખર તો આ ખેલ દુનિયાની અનેક માર્કેટો પર કબજો કરવાનો છે. એમાં ગોલ માત્ર સ્કોર નથી વધારતો, પણ કંપનીઓની તિજોરી ભરતો હોય છે. અહીં તો ખેલાડીઓની પ્રતિભાની સાથોસાથ તેમની લોકપ્રિયતાની પણ બોલી બોલાતી હોય છે. ક્લબોની વફાદારી, બ્રૅન્ડ્સની રણનીતિઓ અને જાહેરખબરોનું પ્રમાણ નક્કી કરે છે કે આગામી વિજેતા કોણ હશે?
ફૂટબૉલની રમતમાં બહારથી જે ચમકદમક દેખાય છે અને આ ખેલ જેટલો રંગીન છે એટલો જ અંદર પૈસાનો એવો કારોબાર થાય છે જેને નિર્મમ અને પ્રતિસ્પર્ધી, વિશ્વાસઘાતી કહી શકાય તેમ જ હરીફ ખેલાડીઓ વચ્ચેની લાતમલાત તો બધાની સામે છે જ. ફૂટબૉલના મેદાન પર ખેલાડીઓ એકમેકને નીચે પાડવાના જ પ્રયાસમાં હોય છે, પણ અસલી ટક્કર મેદાનની બહાર થતી હોય છે
અને એ ઘર્ષણ ગોલપોસ્ટ વચ્ચેનું નહીં, પરંતુ બોર્ડ રૂમમાં, જાહેરખબરની એજન્સીઓ વચ્ચે, ખેલાડીઓના કૉન્ટ્રેક્ટને લગતું અને અબજો રૂપિયાની બજારમાં થાય છે. અહીં હથિયાર તરીકે બંદૂક નથી હોતી. અહીંના વેપન હોય છે જર્સી, શૂઝ, બ્રૅન્ડ ઍમ્બેસેડરની નિયુક્તિ તથા માર્કેટિંગ ની વ્યૂહરચના. ક્યારેક તો હરીફાઈ ગળાકાપ હોય છે જેને લીધે એને કોર્પોરેટ દુનિયાની ગૅન્ગવૉર તરીકે ઓળખાવવામાં આવે છે.
આજે ફૂટબૉલનો વૈશ્વિક વેપાર સેંકડો અબજ ડૉલરની ઇકોસિસ્ટમમાં ફેરવાઈ ગયો છે. આ જાગતિક બજારમાં અનેક જાણીતી બ્રૅન્ડ વચ્ચે અને એની માલિકી ધરાવતી તથા સ્પોર્ટ્સ ગુડ્સનું ઉત્પાદન કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચેની હોડ દાયકાઓથી ચાલે છે. ઉલ્લેખનીય છે કે ફિફા વર્લ્ડ કપનું આ 96મું વર્ષ છે અને હાલમાં અમેરિકા, કૅનેડા, મેક્સિકોમાં એની 23મી સીઝન ચાલી રહી છે.
ફૂટબૉલ ઉદ્યોગની સૌથી જાણીતી વાત બે સગા ભાઈઓ વચ્ચેની છે. જર્મનીના હર્જોગેનૌરાખ નામના નાના શહેરમાં રહેતા બે સગા ભાઈ ઍડોલ્ફ ડૈસ્લર અને રુડૉલ્ફ ડૈસ્લરે ભેગા થઈને શૂઝનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે બીજા વિશ્વયુદ્ધ બાદ બન્નેના સંબંધો બગડી ગયા હતા જેને કારણે કંપની વિખેરાઈ ગઈ હતી. એક ભાઈએ અદીદાસ અને બીજા ભાઈએ પ્યૂમા નામની બ્રૅન્ડને લોકપ્રિય બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.
કહેવાય છે કે તેમના ઝઘડાને લીધે આખું શહેર જાણે બે હિસ્સામાં વહેંચાઈ ગયું હતું. લોકો સામેવાળાને મળે ત્યારે સૌથી પહેલાં એ જોતા હતા કે તેણે અદીદાસના શૂઝ પહેર્યાં છે કે પ્યૂમાના. ત્યાર પછી જ તેમની વચ્ચે ચર્ચા શરૂ થતી હતી. ફૂટબૉલના ઇતિહાસમાં કોર્પોરેટ ક્ષેત્રે ભાગ્યે જ આવું વિભાજન થયું હશે અને બન્ને પક્ષ વચ્ચે ભાગ્યે જ આટલી ગળાકાપ હરીફાઈ થઈ હશે.
1960 અને 1970ના દાયકામાં કંપનીઓને સમજાઈ ગયું હતું કે વિશ્વ કપ જીતનારી ટીમ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ એ ખેલાડી છે જેને આખી દુનિયા જોઈ રહી છે. બસ, એ સમજને પગલે જ ખેલાડીઓના મુદ્દે કોર્પોરેટ જંગ શરૂ થયો હતો. બ્રાઝિલના મહાન ખેલાડી પેલેના મુદ્દે અદીદાસ અને પ્યૂમા વચ્ચે જે ઘર્ષણ થયું એના વિશે આજે પણ માર્કેટિંગનાં પાઠ્યપુસ્તકોમાં ખાસ ઉલ્લેખ છે. 1970ના વર્લ્ડ કપ દરમ્યાન એક અનૌપચારિક સમાધાન થયું હતું કે બન્ને કંપની પેલેને પોતાના પ્રચાર-યુદ્ધથી દૂર રાખશે, કારણકે તેમને હાંસલ કરવાનું મૂલ્ય ધાર્યા કરતાં અનેકગણું હતું.
જોકે વર્લ્ડ કપના થોડા જ દિવસ પહેલાં પેલેને મનાવવામાં પ્યૂમા કંપની સફળ થઈ હતી. મૅચ શરૂ થતાં પહેલા પેલેએ રેફરીને પોતાના શૂઝની દોરી બાંધવા માટે રમત રોકી હતી અને કૅમેરા તેમના શૂઝ પર ઝૂમ કરવામાં આવ્યા હતા. એ જ ક્ષણે કરોડો દર્શકોએ પ્યૂમાનો લોગો જોયો હતો. ગણતરીની ક્ષણોનું આ દૃશ્ય ખેલકૂદ ક્ષેત્રે ઇતિહાસની સૌથી સફળ જાહેરખબર બની ગઈ હતી. વૈશ્વિક વેપારનો આવો જ જંગ મૅરડોના, મેસી અને રોનાલ્ડો પરની બોલીના મુદ્દે થઈ ચૂક્યો છે. 1980ના દાયકાથી કંપનીઓએ ખેલાડીઓને માત્ર પ્લેયર નહીં, પણ હરતીફરતી જાહેરખબરના બોર્ડ સમાન માનવાનું શરૂ કરી દીધું હતું.
મૅરડોના, મેસી અને રોનાલ્ડો જેવા ખેલાડીઓને સાઇન કરવા માટે કરોડો ડૉલરની આડકતરી બોલી બોલાવાની શરૂ થઈ ગઈ હતી. ઘણી વાર એવું બનતું કે એક ખેલાડી માટે કંપનીઓ વર્ષો સુધી વાટાઘાટ ચાલુ રાખતી હતી. કૉન્ટ્રેક્ટોમાં એ પણ નક્કી થયું હોય છે કે ખેલાડી પત્રકાર પરિષદમાં કયા શૂઝ પહેરશે? સોશ્યલ મીડિયા પર કઈ અને કેવી તસવીર પોસ્ટ કરશે? વિશ્વ કપમાં કયા રંગના બૂટ પહેરશે? આ સંઘર્ષ પ્રતિભા હાંસલ કરવા માટેનો નહીં, પણ પ્રેક્ષકો-દર્શકોની માનસિકતા પર કબજો કરવા માટેનો ખેલ બની ગયો છે.
આ જંગમાં માત્ર ખેલાડીઓ નહીં, પણ મોટી-મોટી ફૂટબૉલ ક્લબો પણ સામેલ હોય છે. મૅન્ચેસ્ટર યુનાઇટેડ, રિયલ મૅડ્રિડ, એફસી બાર્સેલોના અને લિવરપૂલ એફસી જેવી ક્લબોની જર્સી દુનિયામાં ખૂણે-ખૂણે વેચાતી હોય છે. એટલે જ કંપનીઓ ખેલાડીઓ ઉપરાંત આ ક્લબો સાથે પણ કરોડો ડૉલરના કૉન્ટ્રેક્ટ કરતી હોય છે.
આજે પણ વર્લ્ડ કપ દરમ્યાન માત્ર જર્સીઓનો કરોડોમાં વેપાર થતો હોય છે. એટલે જ તો માત્ર ટ્રોફી જ ટીમની સફળતા નથી મનાતી. ટીમની જર્સીનું વેચાણ શૂઝનું વેચાણ, લાઇસન્સિંગ અને જાહેરખબરો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કીલિયાન ઍમ્બપ્પે કે જૂડ બેલિંગમ કે અર્લિંગ હાલૅન્ડ ગોલ કરે છે તો માત્ર સ્કોર બોર્ડ નથી બદલાતો, કરોડો ડૉલરનો વેપાર પણ થઈ જતો હોય છે. ટૂંકમાં કહીએ તો કંપનીઓ માટે ફૂટબૉલ વર્લ્ડ કપ માત્ર રમત નથી, પણ દર ચાર વર્ષે થતો સૌથી મોટો વૈશ્વિક વેપાર પણ છે. ફૂટબૉલની આ જ તો અદૃશ્ય દુનિયા છે જ્યાં જર્સી એટલે હથિયાર, ખેલાડીઓ માત્ર મ્હોરા હોય છે અને વૈશ્વિક બજાર ખરું રણમેદાન છે.