Sat Aug 15 2026

Logo

શો-શરાબા: આ ફ્લોપ ગણાતી ફિલ્મસ આગળ જતા અચાનક  ક્લાસિક કઈ રીતે બની ગઈ...?

2026-07-31 08:40:00
Author: Divyakant Pandya
Article Image

 

 

 

રિલીઝ વખતે નિષ્ફળ ગયેલી ફિલ્મ્સ આજે કેમ માસ્ટરપીસ ગણાય છે?

 

- દિવ્યકાંત પંડ્યા

 

દરેક શુક્રવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જ પ્રક્રિયા થાય છે. ફિલ્મ રિલીઝ થાય, પહેલા દિવસનાં કલેક્શન આવે, સોશ્યલ મીડિયા પર લોકોના અભિપ્રાય આવે અને બે-ત્રણ દિવસમાં જ ફિલ્મને હિટ, ફ્લૉપ, બ્લોકબસ્ટર કે ડિઝાસ્ટરનો ટેગ મળી જાય, પરંતુ સિનેમાનો ઇતિહાસ વારંવાર એક વાત સાબિત કરતો આવ્યો છે કે બોક્સ ઓફિસનો પહેલો ચુકાદો હંમેશાં અંતિમ ચુકાદો હોતો નથી. ઘણી એવી ફિલ્મ્સ છે જે રિલીઝ વખતે ખાસ ચાલી નહોતી, પરંતુ વર્ષો પછી લોકોના દિલમાં એવી રીતે વસીને રહી ગઈ કે આજે તેમને ક્લાસિક ગણવામાં આવે છે. 

 

આવી ફિલ્મ્સમાં કદાચ સૌથી પહેલું નામ ‘અંદાઝ અપના અપના’નું આવે. 1994માં આવેલી આ ફિલ્મમાં આમિર ખાન અને સલમાન ખાન જેવા બે મોટા સ્ટાર હતા. છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. આજે સ્થિતિ એવી છે કે અમર, પ્રેમ, ક્રાઇમ માસ્ટર ગોગો અને તેજા જેવાં પાત્રો ભારતીય પોપ કલ્ચરનો ભાગ બની ગયાં છે.

 

ફિલ્મના ડાયલોગ્સ આજે પણ મીમ્સમાં, સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં અને રોજિંદી વાતચીતમાં સાંભળવા મળે છે.

 

આવું જ કંઈક ‘જાને ભી દો યારો’ સાથે થયું હતું. 1983માં આવેલી આ ફિલ્મને ત્યારે બહુ ઓછા લોકોએ પસંદ કરી હતી. ભ્રષ્ટાચાર, રાજકારણ, મીડિયા અને સત્તા પર વ્યંગ કરતી આ ફિલ્મ સામાન્ય દર્શકો માટે કદાચ ખૂબ અલગ હતી. આજે તે ભારતીય સિનેમાની શ્રેષ્ઠ વ્યંગાત્મક ફિલ્મ્સમાં ગણાય છે.

 

આ યાદીમાં ‘કાગઝ કે ફૂલ’નું નામ ખાસ મહત્ત્વનું છે. ગુરુ દત્તની આ ફિલ્મ 1959માં રિલીઝ થઈ ત્યારે નિષ્ફળ ગઈ હતી. દર્શકોને ફિલ્મ પસંદ ન પડી અને તેની નિષ્ફળતા ગુરુ દત્તને વ્યક્તિગત રીતે પણ ભારે પડી હતી,  પરંતુ આજે આ જ ફિલ્મને વિશ્વભરના ફિલ્મપ્રેમીઓ માસ્ટરપીસ તરીકે જુએ છે. તેની સિનેમેટોગ્રાફી અને ભાવનાત્મક ઊંડાણ આજે પણ અભ્યાસનો વિષય છે.

 

રાજ કપૂરની  ‘મેરા નામ જોકર’ની કહાની પણ આવી જ છે. આ ફિલ્મ બનાવવા માટે તેમણે વર્ષોનો સમય અને ભારે ખર્ચ કર્યો હતો, પરંતુ 1970માં રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. તે સમયે થયેલા નુકસાનને કારણે આર.કે. સ્ટુડિયોને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે ઘણા ફિલ્મ વિવેચકો તેને રાજ કપૂરની સૌથી હિંમતભરી અને વ્યક્તિગત ફિલ્મ્સમાં ગણે છે. 

 

આવું જ દેવ આનંદની ફિલ્મ ‘ગાઈડ’ સાથે થયું. શરૂઆતમાં નિષ્ફળ ગણવામાં  આવેલી ‘ગાઈડ’ની ગણના  આજે ‘ઓલ ટાઈમ ક્લાસિક’ તરીકે થાય છે. 

 

ઘણી વખત ફિલ્મ્સ ફ્લોપ એટલા માટે જાય છે કે તે પોતાના સમયથી આગળ હોય છે. ‘લમ્હે’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. 1991માં આવેલી આ ફિલ્મમાં સંબંધોની એવી રજૂઆત હતી જે તે સમયના દર્શકો માટે સ્વીકારવી મુશ્કેલ હતી. ફિલ્મને સમીક્ષકોનો પ્રેમ મળ્યો, પરંતુ દર્શકોનો નહીં. વર્ષો પછી જ્યારે નવી પેઢીએ ફિલ્મ જોઈ ત્યારે તેના વિષય અને સંવેદનશીલતાની પ્રશંસા થઈ. આજે ‘લમ્હે’ યશ ચોપરાની શ્રેષ્ઠ ફિલ્મ્સમાં ગણાય છે.

 

2000ના દાયકામાં ‘સ્વદેશ’ રિલીઝ થઈ ત્યારે ઘણા લોકોને તે ધીમી અને ગંભીર લાગી હતી, પરંતુ આજે શાહરુખ ખાનની શ્રેષ્ઠ ફિલ્મ્સની ચર્ચા થાય ત્યારે ‘સ્વદેશ’નું નામ લગભગ દરેક યાદીમાં જોવા મળે છે. તેવી જ રીતે ‘લક્ષ્ય’ પણ શરૂઆતમાં બહુ મોટી હિટ નહોતી, પરંતુ આજે અનેક યુવાનો માટે તે પ્રેરણાદાયી ફિલ્મ બની ગઈ છે.

 

‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’નું ઉદાહરણ પણ રસપ્રદ છે. 2009માં આવેલી આ ફિલ્મ સામાન્ય સેલ્સમેન અને વ્યવસાયમાં ઈમાનદારી વિશે હતી. તે સમયના દર્શકોને કદાચ તેમાં જરૂરી મસાલો દેખાયો નહીં. પરંતુ આજે સ્ટાર્ટઅપના યુગમાં ફિલ્મ પહેલાં કરતાં વધુ પ્રાસંગિક લાગે છે.

 

છેલ્લાં વર્ષોમાં પણ આવી ઘણી ફિલ્મ્સ જોવા મળી છે. ‘તમાશા’ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. 2015માં રિલીઝ થયેલી ફિલ્મને શરૂઆતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઘણા લોકોને લાગ્યું કે આ સામાન્ય પ્રેમકથા નથી અને ફિલ્મને સમજવામાં મુશ્કેલી પડી, પરંતુ સમય જતાં ખાસ કરીને યુવા દર્શકોમાં ફિલ્મનો એક અલગ જ ચાહક વર્ગ ઊભો થયો. ઘણા લોકો માટે તે માત્ર ફિલ્મ નહીં પરંતુ પોતાની ઓળખ શોધવાની સફર બની ગઈ છે.

 

તાજેતરમાં ‘લાપતા લેડીઝ’નું ઉદાહરણ પણ રસપ્રદ છે. થિયેટરમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તેનો ખરેખરો પ્રભાવ ઓટીટી પર આવ્યો. ઘણા એવા લોકો જેમણે ફિલ્મ થિયેટરમાં નહોતી જોઈ, તેમણે પછી સ્ટ્રીમિંગ પર જોઈ અને તેના વિશે ચર્ચા શરૂ કરી.

આવી ફિલ્મ્સ પછી લોકપ્રિય કેમ બને છે? તેનું સૌથી મોટું કારણ દર્શકોની બદલાતી આદતો છે. પહેલાં ફિલ્મનું જીવન મુખ્યત્વે થિયેટર સુધી મર્યાદિત હતું. આજે ફિલ્મ્સ ઓટીટી, ટેલિવિઝન, યુટ્યુબ ક્લિપ્સ, સોશ્યલ મીડિયા અને રીલ્સ દ્વારા વર્ષો સુધી જીવંત રહે છે.

 

બીજું કારણ એ છે કે સમાજ પણ બદલાય છે. કેટલીક ફિલ્મ્સના વિચારો પોતાના સમય કરતાં આગળ હોય છે. જે વિષય આજે સામાન્ય લાગે છે તે કદાચ દસ વર્ષ પહેલાં સ્વીકાર્ય ન હોય. સમય સાથે દર્શકોની સમજણ અને પસંદગીઓ બદલાય છે, અને ઘણી વખત દુનિયા ફિલ્મના વિચારો સુધી પહોંચવામાં મોડું કરે છે. આખરે, બોક્સ ઓફિસ માત્ર એ બતાવે છે કે કોઈ ફિલ્મે એક ચોક્કસ સમયગાળામાં કેટલા ટિકિટ વેચ્યા, પરંતુ કોઈ ફિલ્મની અસલી સફળતા એમાં છે કે વર્ષો પછી પણ લોકો તેને યાદ રાખે છે કે નહીં!  

 

લાસ્ટ શોટ

 

‘સૂર્યવંશમ’નું કલ્ટ સ્ટેટસ એટલું અનોખું છે કે ફિલ્મ કરતાં વધારે તેનું વારંવારનું સેટ મેક્સ પરનું ટેલિકાસ્ટ પોપ કલ્ચરનો ભાગ બની ગયું.