Mon Oct 05 2026

Logo

ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઈનલ માટે પાંચ સ્પેશિયલ ડૉગ્સ પણ બન્યા અમદાવાદના મહેમાન

2026-03-08 16:30:00
Author: Pooja Shah
ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઈનલ માટે પાંચ સ્પેશિયલ ડૉગ્સ પણ બન્યા અમદાવાદના મહેમાન

અમદાવાદઃ રવિવારે આખું અમદાવાદ ક્રિકેટમય બની ગયું હતું અને સવારથી જ ક્રિકેટફિવર જોવા મળી રહ્યો હતો ત્યારે પાંચ સ્પેશિયલ ડૉગ્સ પણ શહેરના મહેમાન બન્યા હતા. જોકે તેઓ મહેમાનનવાઝી માણવા માટે નહીં, પરંતુ સ્ટેડિયમની સુરક્ષા માટે લાવવામાં આવ્યા હતા.
 
ધ સ્પેશિયલ ફાઇવ તરીકે ઓળખાતા, આ અલગ અલગ બ્રિડના શ્વાન તેમના હેન્ડલર સાથે અમદાવાદ લાવવામાં આવ્યા હતા,  જેથી તેઓ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં દેખરેખ રાખે અને સુરક્ષા તપાસમાં મદદ કરી શકે. તેમની સાથે 2,000 થી વધુ પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે.

સ્પેશિયલ ફાઈવમાં મેક ભાવનગરનો મેલ બિગલ છે. સૌથી નાનો દેખાતો આ શ્વાન સૌથી તેજ માનવામાં આવે છે. તેના હેન્ડલર સુજનસિંહ ગોહિલ છે. સુરેન્દ્રનગરની ફીમેલ જર્મન શેફર્ડ સ્વીટી એક બાજનજર ટ્રેકર છે અને ભીડમાં ખોવાયેલી વ્યક્તિને શોધવામાં મદદ કરી શકે છે. તેનો હેન્ડલર રાણા જિંજુવાડિયા છે, બોટાદની ફીમેલ બેલ્જિયન માલિનોઇસનું નામ એલેક્સ છે. ભીડને નિયંત્રિત કરવામાં એલેક્સ મદદરૂપ થાય છે. તેનો હેન્ડલર રામદેવસિંહ પરમાર છે. વડોદરા રેલ્વે પોલીસનો મેલ ડોબરમેન રેમ્બો વિસ્ફોટકો સુંઘવામાં નિષ્ણાત છે. રાહુલ પંડ્યા તેની સાથે આવ્યો છે.
 
વડોદરા પોલીસનો મેલ લેબ્રાડોર રાજુ પણ સુંઘવામાં નિષ્ણાત શ્વાન છે. ગમે તેટલી જનમેદની હોય તો પણ રાજૂનું નાક સતર્ક રહે છે. આ પાંચેય શ્વાન અને તેમાન હેન્ડલર્સ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.