Thu Jul 23 2026

Logo

પત્ની-પુત્રની ક્રૂરતાથી હત્યા કરી માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો આપઘાતનો પ્રયાસ

2026-07-21 19:14:49
Author: Yogesh C. Patel
Article Image

નાશિક: નાણાંભીડથી કંટાળી માર્કેટિંગ એક્ઝિક્યુટિવે પત્ની અને પુત્રની ચોપરના ઘા ઝીંકી ક્રૂરતાથી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના નાશિક શહેરમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ જળગાંવનો વતની આરોપી કિરણ એકનાથ હઝારે (54) છેલ્લા કેટલાક સમયથી નાશિક રોડ વિસ્તારમાંની એક રૂમમાં પત્ની અશ્ર્વિની (43) અને પુત્ર સુયશ (7) સાથે રહેતો હતો. તે સોલાર ઈક્વિપમેન્ટ અને હૉસ્પિટલોમાં ઑક્સિજન સિલિન્ડર માટે માર્કેટિંગનું કામ કરતો હતો.

સોમવારના મળસકે 3.30 વાગ્યાની આસપાસ હઝારેએ ચોપરથી પત્ની અને દીકરા પર હુમલો કર્યો હતો. બન્નેના માથા પર ઘા ઝીંકી ગળાં ચીરવામાં આવ્યાં હતાં. બાદમાં તેણે ઝેર પીધું હતું અને ચોપરથી જ પોતાના ડાબા હાથની નસ કાપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.કહેવાય છે કે બપોર થવા આવી છતાં હઝારેના ઘરનો દરવાજો ન ખૂલતાં પડોશીઓને શંકા ગઈ હતી. ઘરની અડધી ખૂલી બારીમાંથી એક પડોશીએ ડોકિયું કરતાં ત્રણેય લોહીના ખાબોચિયામાં પડેલા દેખાયા હતા. તેણે તરત જ પોલીસને ઘટનાની જાણ કરી હતી.

માહિતી મળતાં જ નાશિક રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દરવાજો તોડી પોલીસની ટીમ ઘરમાં પ્રવેશી ત્યારે અશ્ર્વિની અને સુયશ મૃત અવસ્થામાં મળ્યાં હતાં, જ્યારે હઝારે ગંભીર રીતે જખમી હતો. સારવાર માટે તેને નાશિકની મહાપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હઝારે વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)