સમીર જોશી
વેપારમાં મોટેભાગે બે પ્રકારની કંપની જોવા મળે છે, એક જે પ્રોફેશનલી મેનેજ થતી હોય જેમાં આખું મેનેજમેન્ટ પ્રોફેશનલ્સના સહારે ચાલતું હોય છે અને બીજી એટલે ફેમિલી અર્થાત્ પારિવારિક પેઢી જેવી કંપની. જેમ પારિવારિક કંપની પોતાની સૂઝબૂજથી વેપારને એક સ્તરે લઇ જાય છે તેમ પ્રોફેશનલ સીઈઓ પણ પોતાની આવડતથી કંપનીને જોઈતો ગ્રોથ આપે છે. હરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી અને તેથી તેને બીજાની જરૂર પડતી રહે છે.
આપણી આજની વાતનો વિષય આ જ છે કે ઘણી વેપારી પેઢીઓ વર્ષો સુધી વેપાર કરી એક સ્તરે પહોંચે છે અને પછી તેનો વિકાસ થંભી જાય છે અને તેનું સૌથી મોટું કારણ છે : જમાના સાથે ના બદલાવું અને ભવિષ્યના વિકાસ માટે કોઈ પ્રોફેશનલનો સહારો ના લેવો. જે પેઢીએ આ વાત જલદી સ્વીકારી તે આજે ભવિષ્યલક્ષી વેપાર કરી આગળ વધી રહી છે. આનો અર્થ તે નથી કે તેમનામાં વેપાર કરવાની આવડત નથી, તે છે અને તેથી તે અહીં સુધી પહોંચ્યા છે, પણ આગળના રસ્તે જવા માટે બીજો હાથ- નવી વિચારધારા જોઈશે જે તેમના વિઝન- દૂરદર્શિતાને આકાર આપી શકે.
`હું બધી વાતોમાં માહિર ના હોઈ શકુ તો એને મારી રીતે હલ કરવાની કોશિશ કેમ કરું!' એવા ભય સાથે બીજો મોટો ડર પારિવારિક પેઢી-કંપનીને હંમેશાં હોય છે અને તે એટલે `આ મારી બધી વાત જાણી જશે તો!'
તેમને એમ પણ લાગે છે કે `અમને હવે કોણ શીખવાડી શકે?' આની પાછળ એક છૂપો અહં એ હોય છે કે મને કોઈ મારી ભૂલ બતાવે તે મને પસંદ ના પડે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીયે. એક જાણીતી મસાલાની હજાર બારસો કરોડની કંપની છે, જેને પરિવારના સભ્યો સંભાળે છે. તેમણે એક પ્રોફેશનલ રિસર્ચ કંપનીને કામ સોંપ્યું તે જાણવા કે કઇ રીતે આગળ વધી શકાય. આ રિસર્ચ માટે જંગી રકમ પણ આપી. હવે મજાની વાત એ છે કે જયારે આ રિસર્ચ કંપનીએ તેમની નબળાઈઓ બતાવી કે આ કારણો છે જેનાથી વિકાસ અટકી રહ્યો છે, તો પરિવારે તેને સ્વીકારવાને બદલે તે રિપોર્ટ બાજુએ મૂકી દીધો. આજ બ્રાન્ડે એક નામી પ્રોફેશનલને ક્નસલ્ટન્ટ તરીકે રાખ્યો, તેણે કહ્યું, તમે આરામથી 4-5 હજાર કરોડનો વેપાર તમારી ટેરિટરીમાં કરી શકો તેટલી શક્યતા છે અને તેથી તમારે ફોકસ આખા દેશમાં વિસ્તરવા પર ના કરવું જોઈએ. જે તમે અહીં ઓછી મહેનતે, ઓછા રોકાણે મેળવી શકશો પણ એ કંપનીને તો દેશભરમાં પોતાનો વેપાર જમાવવાની ખેવના હતી અને ફાંકો પણ હતો કે આપણે નક્કી કર્યું છે એટલે તેમ કરીશું...
અહીં, મને નહિ શીખવાડો અને મારો અહં કે મને બધી ખબર છે, તમારા વિકાસને રોકે છે. જે વેપારીઓએ આ માનસિકતા દૂર કરી તે લોકો આજે મોટા સ્તરે વેપારો કરી રહ્યા છે.
પ્રોફેશનલ તમારા વિઝનને આકાર આપી શકે છે, 1+1 = 11 થઇ શકે તે ભૂલી જવાય છે. વેપારી પાસે વેપાર કરવાની કુનેહ છે, જે પ્રોફેશનલ પાસે કદાચ ના હોઈ શકે અને પ્રોફેશનલ પાસે સ્કિલ, આવડત છે જે વેપારી પાસે ના હોય તેથી એ બંને સાથે આવે તો સારાં પરિણામ મેળવી શકાય છે. કોઈ પ્રોફેશનલને પોતાના વેપારની ધુરા સોંપવી સહેલી નથી. તેથી પારિવારિક વ્યવસાયિક સંચાલકોએ અને પ્રોફેશનલ વ્યક્તિએ અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે. જેથી કોઈપણ મતભેદ વિના જોઈતા પરિણામો મેળવી શકાય. પારિવારિક કંપનીએ પોતાના અધિકાર અને પ્રોફેશનલ નેતૃત્વની સ્વતંત્રતાનું સંતુલન જાળવવું પડશે. આનું મહત્ત્વનું કારણ એ કે પ્રોફેશનલ વ્યક્તિએ એવી કંપનીઓમાં વર્ષો વિતાવ્યા છે જ્યાં ચોક્કસ નિર્ણય લેવાના માળખાથી તે ટેવાયેલો હોય છે. પોતાની ભૂમિકા અને જવાબદારી પ્રમાણમાં સ્પષ્ટ હોય છે. આથી બંને તરફથી આની સ્પષ્ટતા રાખવી જરૂરી છે કારણ કે પારિવારિક સંચાલકોનો પ્રભાવ હોવાનો માટે પ્રોફેશનલને સ્પષ્ટતા આપો કે પરંપરાગત વિચારસરણીને પડકારવા માટે તેની પાસે કેટલી સ્વતંત્રતા છે?
કયા નિર્ણયો મેનેજમેન્ટના છે? પરિવાર ક્યારે દખલ કરશે અને જ્યારે પ્રોફેશનલ સીઈઓનો વ્યૂહાત્મક દૃષ્ટિકોણ માલિકો કરતાં અલગ હોય ત્યારે શું કરવું? કારણ બંનેનો હેતુ કંપનીનો ગ્રોથ હોય છે, પરંતુ તે વૃદ્ધિ કેટલી ઝડપથી થવી જોઈએ તેની તેમની અપેક્ષાઓ અલગ અલગ હોઈ શકે છે. તે માટે શરૂઆતથી જ સ્પષ્ટતાની જરૂર છે. જયારે પ્રોફેશનલને સ્વતંત્રતા આપવામાં આવે ત્યારે પરિવારે એવી બાબત વ્યાખ્યાયિત કરવી જોઈએ કે જેની સાથે કોઈ સમાધાન ના થઈ શકે, જેમ કે મૂલ્યો, હેતુ, વારસો અને વિચારધારા. સાથે સાથે પ્રોફેશનલ નેતૃત્વને ખબર હોવી જોઈએ કે તેમની પાસે નિર્ણયો લેવા, હાલના વિચારને પડકારવા અને વ્યવસાયને આગળ વધારવા માટેના વાસ્તવિક અધિકાર કેટલા અને ક્યા છે.
આજના સમયમાં જયારે વેપારો વૈશ્વિક થઇ રહ્યા છે ત્યારે પારિવારિક પેઢી- કંપનીએ એ આ દિશામાં વિચાર કરવો પડશે. પારિવારિક સંચાલકોએ પોતાની સાથે વારસો, જોઈતું મૂડીનું રોકાણ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે આવવું પડશે. બીજી તરફ પ્રોફેશનલે પોતાની સાથે કુશળતા, ઉદ્દેશ્ય અને સ્થાપિત વિચારસરણીને પડકારવાની ઇચ્છા સાથે ઝંપલાવવું પડશે. પારિવારિક સંચાલકો અને પ્રોફેશનલે એકબીજાના સ્પર્ધક નહિ પણ પૂરક બની કામ કરશે તો કંપનીને નિશ્ચિત કરેલા ઉદેશ્યો અને જોઈતા પરિણામો સરળતાથી મેળવી શકાશે.