Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ તમિળનાડુમાં 87 ટકા હિંદુ છતાં ખ્રિસ્તી મુખ્યમંત્રી કેમ?

2026-05-11 07:30:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

તમિલનાડુમાં અંતે વિજય જોસેફના મુખ્યમંત્રીપદે શપથ થઈ ગયા ને છેલ્લા અઠવાડિયાથી ચાલતા પોલિટિકલ ડ્રામાનો અંત આવી ગયો. 234 ધારાસભ્યોની તમિલનાડુ વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 118 ધારાસભ્યોનો ટેકો જોઈએ પણ વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટીને 108 બેઠકો જ મળતાં બહુમતીમાં 10 સભ્યો માટે પનો ટૂંકો પડી ગયેલો. 

વિજય પોતે બે બેઠકો પરથી જીત્યો છે તેથી એક બેઠક એ ઓછી થાય એટલે 107 બેઠકો થાય. સામે વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 233 થાય એટલે બહુમતી માટેનો આંકડો પણ એક બેઠક ઘટીને 117 પર આવી જાય તેથી વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ને ઓછામાં ઓછા 10 ધારાસભ્યો તો જોઈતા જ હતા. 

કૉંગ્રેસે ટેકો આપતાં પાંચ ધારાસભ્યોનો વેત થઈ ગયેલો પણ બાકીના પાંચ ધારાસભ્યો નહોતા મળતા. વિજય બે વાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરન મળ્યો પણ ભાજપના આર્લેકર પૂરેપૂરા 117 ધારાસભ્યો ના થાય ત્યાં લગી નિમંત્રણ નહીં આપવાની વાત પર અડી ગયેલા તેથી વિજય માટે હાથ તો લગા પર મુંહ મેં ના આયા જેવી સ્થિતિ સર્જાવાનાં અમંગળ એંધાણ વર્તાવા માંડેલાં. બાકી હતું તે એઆઈએડીએમકેએ વિજયને સત્તાથી દૂર રાખવા કટ્ટર રાજકીય હરીફ ડીએમકેનો ટેકો માગી લીધો તેમાં વિજય અને તેના સમર્થકોનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયેલું. 

ડીએમકેના સ્ટાલિન એઆઈએડીએમકેના પલાનીસ્વામી સાથે હાથ મિલાવે તો વિજયનું બોર્ડ પતી જાય એમ હતું પણ સ્ટાલિને શાણપણ વાપરીને પલાનીસ્વામી સાથે હાથ ના મિલાવ્યા, બલકે ડીએમકેના કહેવા પ્રમાણે તો પોતાને છોડીને નહીં જવા માગતા સામ્યવાદીઓ અને મુસ્લિમ લીગને પણ વિજયને ટેકો આપવા મનાવ્યા. 

બે સામ્યવાદી પક્ષો અને મુસ્લિમ લીગ પાસે કુલ મળીને છ ધારાસભ્યો છે તેથી વિજયને ટેકો આપનારા ધારાસભ્યોનો આંકડો 118 પર પહોંચી ગયો. એ પછી તો ડીએમકેના બીજા એક સાથે સાથી વીસીકેના થોલકપ્પિયન થિરુમાવલવને પણ વિજયને ટેકો આપવાની જાહેરાત કરી નાખતાં વિજયને ટેકો આપનારા ધારાસભ્યોનો આંકડો 120 પર પહોંચી ગયો. રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર પાસે કોઈ બહાનું ના રહેતાં છેવટે તેમણે વિજયને નિમંત્રણ આપી દીધું અને રવિવારે નવ ધારાસભ્યો સાથે શપથ લઈને વિજય ગાદી પર બેસી ગયો. 

સ્ટાલિને પોતાના સાથીઓને વિજયને ટેકો આપવા મનાવ્યા કે નહીં એ વાત સાચી હોય તો સ્ટાલિને શાણપણ અને મોટપ પણ બતાવ્યાં કહેવાય. સ્ટાલિન પાસે પલાનીસ્વામીની પંગતમાં બેસીને સત્તામાં આવવાનો વિકલ્પ હતો પણ જનાદેશ ડીએમકે કે એઆઈએડીએમકેની તરફેણમાં નહીં પણ વિજયની તરફેણમાં છે. આ સંજોગોમાં બીજા કોઈને નહીં પણ વિજયને સત્તામાં બેસવાનો અધિકાર છે એવું વલણ સરાહનીય છે. 

સ્ટાલિને એઆઈએડીએમકેના ખાઈ બદેલા નેતાઓને બદલે વિજય જેવા નવા નિશાળિયાને તક મળે એવો અભિગમ અપનાવ્યો એ કમ સે કમ તમિલનાડુનાં તો હિતમાં જ છે. એઆઈએડીએમકેના નેતા ભ્રષ્ટાચાર કરીને તમિલનાડુનો વિકાસ નહીં કરે. તેના બદલે વિજય કંઈક તો કરશે જ કેમ કે વિજયે પોતાની રાજકીય કારકિર્દી જમાવવાની છે. એ કંઈ નહીં કરે તો પાંચ વર્ષ પછી લોકો તેને ફેંકી દેશે. 

વિજયની શપથવિધિ સાથે એક ઈતિહાસ પણ સર્જાઈ ગયો. 1969માં તમિલનાડુ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધી ડીએમકે અને એઆઈએડીએમકે એ બે પાર્ટીના નેતા તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા હતા. સ્થાપનાનાં 57 વર્ષ પછી પહેલી વાર તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેના ના હોય એવા નેતાને મુખ્યમંત્રીપદ મળ્યું છે એ તમિલ રાજકારણમાં મોટા પરિવર્તનનો સંકેત છે. 

તમિલનાડુનું રાજકારણ આઝાદી પહેલાંથી દ્રવિડિયન વિચારધારા પર કેન્દ્રિત થયેલું છે ને વિજય પણ દ્રવિડિયન વિચારધારાનો સમર્થક છે તેથી વિચારધારાની રીતે તમિલ માનસ નથી બદલાયું પણ વરસોથી દ્રવિડિયન વિચારધારાનો ઠેકો લઈને બેઠા બે પક્ષો ડીએમકે અને એઆઈએડીએમકે પર ભરોસો ના રહેતાં લોકોએ એક નવા નેતાને તક આપી એ મોટું પરિવર્તન છે. 

વિજયની તાજપોશી સાથે તમિલનાડુમાં ફરી એક વાર ફિલ્મો સાથે સંકળાયેલા નેતા સત્તાસ્થાને આવી ગયા છે. તમિલ ફિલ્મોના ધુરંધર સ્ક્રીપ્ટ રાઈટર કરુણાનિધી 1969માં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા પછી એમ.જી. રામચંદ્રન (એમજીઆર), એમજીઆરનાં પત્ની જાનકી અને એમજીઆરનાં પ્રેમિકા જયલલિતા એમ ફિલ્મો સાથે સંકળાયેલી ચાર વ્યક્તિ તમિલનાડુમાં મુખ્યમંત્રી બની.

વિજયની તાજપોશી બીજી રીતે પણ મહત્ત્વની છે. ભાજપે તમિલનાડુમાં હિંદુત્વના જોરે ઘૂસવાનો પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નથી. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપ્યાં એ સહિતના મુદ્દાઓને ભાજપે જોરશોરથી ચગાવેલા. ઉદયનિધિની પાર્ટી ડીએમકે હારી ગઈ પછી સોશ્યલ મીડિયા પર કેટલાક વાયડાઓએ લખ્યું કે, તમિલ પ્રજાએ સનાતન ધર્મનું અપમાન કરનારા ઉદયનિધિ અને તેના બાપ સ્ટાલિનને તેમની ઔકાત બતાવી દીધી. સ્ટાલિન અને ઉદયનિધિની હાર સનાતન ધર્મની જીત છે. 

ભલા માણસ, તમિલોને સનાતન ધર્મ માટે એટલો જ ઉભરો આવ્યો તો ભાજપને કેમ બહુમતી ના આપી ? ભાજપને તો ગણીને એક બેઠક મળી છે. ભાજપને વધારે બેઠકો કેમ ના મળી ? ને વિજય તો હિંદુ પણ નથી, ખ્રિસ્તી છે. તમિલ પ્રજા વિજયનો ધર્મ જોયા વિના તેના પર કેમ વરસી પડી ? 

વાસ્તવમાં વિજયનો વિજય તમિલ પ્રજા ધર્મના આધારે નથી દોરવાતી તેનો પુરાવો છે. કમ સે કમ અત્યારે તો તમિલ પ્રજાનું માનસ આ જ છે. તમિલનાડુની વસતીમાં 87 ટકા તો હિંદુઓ છે જ્યારે મુસ્લિમ ને ખ્રિસ્તી તો છ-છ ટકા જ છે એ છતાં એક ખ્રિસ્તીને લોકો પોતાના નેતા ચૂંટે તેનો અર્થ એ થાય કે, આ પ્રજા માટે ધર્મ મહત્વનો જ નથી. ધર્મના નામે ઉન્માદ પેદા કરનારા કે ભડકાવનારા નેતા કે એવા નેતાઓની બનેલી સરકાર તેમને નથી જોઈતી. કૉંસીઓ ને બીજા દંભી રાજકીય પક્ષોના કારણે સેક્યુલારિઝમ શબ્દ બદનામ થઈ ગયો પણ તમિલ પ્રજા અત્યારે તો સાચા અર્થમાં સેક્યુલર તરીકે વર્તી છે. 

વિજયે ચૂંટણી જીતવા મોટાં મોટાં વચનો આપેલાં તેથી તેની સામેના પડકારો ઓછા નથી. વિજયની વિચારધારા પણ હળાહ ભાજપ વિરોધી છે તેથી કેન્દ્ર સરકાર સામે પણ ટક્કર થશે એ જોતાં વિજય માટે રસ્તો સરળ નથી પણ વિજય સફળ થાય એવી પ્રાર્થના કરીએ. તેના કારણે બીજાને પ્રેરણા મળશે ને આ દેશમાં ખાઈ બદેલા નેતાઓના બદલે નવો ફાલ આવશે.

સ્ટાલિન ફિલ્મ નિર્માતા છે પણ ફિલ્મો સાથે કોઈ સીધું જોડાણ નથી. કરુણાનિધીના પુત્ર હોવાના નાતે ફિલ્મ નિર્માણમાં સક્રિય રહ્યા તેથી સ્ટાલિનને ફિલ્મ પર્સનાલિટી ના ગણી શકાય પણ વિજય સો ટચ ફિલ્મી વ્યક્તિ છે. બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરનારો વિજય તમિલ ફિલ્મોમાં સુપરસ્ટાર બન્યો ને એ જ કરિશ્માના જોરે હવે સત્તામાં છે.