Sun Mar 08 2026

Logo

ઇંગ્લૅન્ડ જીત્યું, ન્યૂ ઝીલૅન્ડ હાર્યું અને ફાયદો થયો પાકિસ્તાનને...

Colombo   1 week ago
Author: Ajay Motiwala
Article Image

પાકિસ્તાને શનિવારે શ્રીલંકાને 64 રનથી હરાવવું પડશે અથવા લક્ષ્યાંક 13.1 ઓવરમાં મેળવવો પડશે

કોલંબોઃ ન્યૂ ઝીલૅન્ડ (20 ઓવરમાં 7/159)ને અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડે (19.3 ઓવરમાં 6/161) ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડની રોમાંચક મૅચમાં ચાર વિકેટે હરાવી દીધું હતું. આ પરિણામ બદલ પાકિસ્તાન હજી સેમિ ફાઇનલની રેસમાં જીવંત રહ્યું છે. મૅન ઑફ ધ મૅચ વિલ જૅક્સ (32 અણનમ, 18 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને આ વખતના વિશ્વ કપમાં પહેલી જ વખત રમેલા રેહાન અહમદ (19 અણનમ, સાત બૉલ, બે સિક્સર, એક ફોર)ની જોડીએ બ્રિટિશ ટીમને છેલ્લી ઓવરમાં ત્રણ બૉલ બાકી રાખીને વિજય અપાવી દીધો હતો. ઇંગ્લૅન્ડે (England) દાવની શરૂઆતમાં બે રનમાં બે વિકેટ ગુમાવી હતી, 58 રનમાં તેમની ચાર વિકેટ પડી ચૂકી હતી તથા 117 રનમાં છ વિકેટ પડી ગઈ હતી, પણ છેવટે તેમણે જીત હાંસલ કરી જ લીધી. ટૉમ બૅન્ટને સૌથી વધુ 33 રન કર્યા હતા. સાત કિવી બોલર્સમાં રચિન રવીન્દ્રએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડ અગાઉ જ સેમિ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. તે પાંચમી માર્ચની વાનખેડેની સેમિ ફાઇનલમાં રમશે. ન્યૂ ઝીલૅન્ડ (new zealand)ને હજી સેમિમાં પહોંચવા શનિવારની પાકિસ્તાન-શ્રીલંકા મૅચ (સાંજે 7.00 વાગ્યાથી)ના પરિણામ પર આધાર રાખવો પડશે. પાકિસ્તાને સેમિમાં જવા શનિવારે શ્રીલંકાને 64 રનથી હરાવવું પડશે અથવા લક્ષ્યાંક 13.1 ઓવરમાં મેળવવો પડશે.

આ ગ્રૂપમાંથી શ્રીલંકાની ટીમ બહાર થઈ ચૂકી છે. ઇંગ્લૅન્ડ (છ પૉઇન્ટ, +1.096નો રનરેટ) પ્રથમ સ્થાને છે. સેમિના બીજા સ્થાન માટેની હરીફાઈ ન્યૂ ઝીલૅન્ડ (ત્રણ પૉઇન્ટ, +1.390નો રનરેટ) તથા પાકિસ્તાન (એક પૉઇન્ટ, -0.461નો રનરેટ) વચ્ચે છે.

બ્રિટિશ બૅટ્સમેનોએ છેલ્લા 14 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર ફોર સહિત કુલ 43 રન કર્યા હતા જેને લીધે કિવી બોલર્સની બધી મહેનત પાણીમાં ગઈ હતી. વિલ જૅક્સને બે વિકેટ લીધા બાદ અણનમ 32 રન બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

એ પહેલાં, ઇંગ્લૅન્ડને કિવીઓ ફક્ત 160 રનનો લક્ષ્યાંક આપી શક્યા હતા. પ્રથમ બૅટિંગ પસંદ કરનાર કિવીઓએ 20 ઓવરમાં સાત વિકેટે 159 રન કર્યા જેમાં ખાસ કરીને ગ્લેન ફિલિપ્સના 39 રન અને ઓપનર ટિમ સિફર્ટના 35 રન સામેલ હતા. ઇંગ્લૅન્ડના સ્પિનર્સના પ્રભાવ વચ્ચે ત્રીજો કિવી બૅટ્સમૅન 30 રન પણ નહોતો કરી શક્યો. આ વર્લ્ડ કપમાં પહેલી જ વખત રમાડવામાં આવેલા સ્પિનર રેહાન અહમદે, આદિલ રાશીદે તેમ જ વિલ જૅક્સે બે-બે વિકેટ તથા ચોથા સ્પિનર લિઆમ ડૉસને એક વિકેટ લીધી હતી. કિવીઓએ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, પરંતુ ઇંગ્લૅન્ડે જૅમી ઓવર્ટનના સ્થાને રેહાન અહમદને સામેલ કર્યો હતો જે બોલિંગ બાદ બૅટિંગથી ઇંગ્લૅન્ડને જિતાડી ગયો.