- રાજ ગોસ્વામી
એલ્વિસ પ્રેસ્લી પરિવાર
અમેરિકા, યુરોપ અને અન્ય પશ્ર્ચિમી દેશો આવતા વર્ષે પૉપ્યુલર સંગીતના મહાનતમ કલાકારોમાંના એક એલ્વિસ પ્રેસ્લીની 50મી જન્મજયંતીની ઉજવણી માટે થનગની રહ્યા છે. તેમની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અને દુનિયા ફરી એક વાર ‘કિંગ ઑફ રોક ઍન્ડ રોલ’ના સંગીત અને વારસાને યાદ કરવા જઈ રહી છે.
જો ભારતમાં કોઈને પૂછવામાં આવે કે એલ્વિસ પ્રેસ્લી કોણ તો કદાચ દરેક વ્યક્તિ તરત જવાબ ન આપી શકે, પરંતુ પૉપ્યુલર મ્યુઝિકની દુનિયામાં એલ્વિસ પ્રેસ્લીનું નામ ન સાંભળ્યું હોય એવી વ્યક્તિ દુનિયામાં ભાગ્યે જ હશે. એલ્વિસ માત્ર અમેરિકાનો જ એક ગાયક નહોતો. તે વીસમી સદીની આધુનિક સંસ્કૃતિના સૌથી મોટા ચહેરાઓમાંનો એક હતો.
તેનો કર્ણપ્રિય અવાજ, તેની અનોખી હેરસ્ટાઇલ, તેનો પહેરવેશ, સ્ટેજ પરની તેની અદા અને તેનો ડાન્સઆ બધાએ સંગીતની દુનિયાને એક નવી દિશા આપી હતી. તેને ‘કિંગ ઑફ રોક ઍન્ડ રોલ’ કહેવામાં આવ્યો હતો અને તેનો પ્રભાવ માત્ર સંગીત પૂરતો સીમિત રહ્યો નહોતો. ફિલ્મો, ફેશન અને લોકપ્રિય સંસ્કૃતિ પર પણ તેની ઊંડી અસર પડી હતી. તેણે 33 ફિલ્મોમાં કામ કર્યું હતું અને દુનિયાભરમાં તેની રેકોર્ડની એક અબજથી વધુ નકલો વેચાઈ હતી. એક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં એટલી ખ્યાતિ અને સંપત્તિ મેળવી હતી કે તેનું નામ જ એક બ્રાન્ડ બની ગયું હતું.
જોકે એલ્વિસ જેવા ખ્યાતનામ ગાયક-અદાકારની કહાનીનો એક રસપ્રદ અધ્યાય તેના મૃત્યુ પછી શરૂ થાય છે.
16 ઑગસ્ટ, 1977ના રોજ જ્યારે એલ્વિસનું અવસાન થયું ત્યારે તેની ઉંમર માત્ર 42 વર્ષની હતી. તે પાછળ તેનું સંગીત, તેની ખ્યાતિ, તેનું ઘર ‘ગ્રેસલેન્ડ’ અને એક એવી વિશાળ સંપત્તિ છોડી ગયો હતો જે આવનારી પેઢીઓને વારસામાં મળવાની હતી.
તેનું અવસાન થયું ત્યારે એલ્વિસની કુલ સંપત્તિ લગભગ 50 લાખ ડૉલર હતી. આજના હિસાબે તે 2.65 કરોડ ડોલર થાય. ‘એલ્વિસ પ્રેસ્લી એન્ટરપ્રાઈઝ’ નામની કંપની તેના ગ્રેસલેન્ડ ટુરિઝમ, મર્કેન્ડાઈઝ અને ગીતોની રોયલ્ટીમાંથી દર વર્ષે કરોડો ડૉલર આજે પણ કમાય છે.
પત્ની પ્રિસિલા સાથે એના ડિવોર્સ થઈ ગયેલા એટલે એલ્વિસની વસિયત મુજબ તેની સંપત્તિનો લાભ તેના પિતા વર્નન, દાદી મિની મે અને તેની એકમાત્ર પુત્રી લિસા મેરીને મળવાનો હતો, પરંતુ પિતા અને દાદીના અવસાન પછી લિસા મેરી તેની સંપત્તિની એકમાત્ર વારસદાર બની. આ વારસાનું એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું અને 1993માં જ્યારે લિસા મેરી 25 વર્ષની થઈ ત્યારે તેને આ વારસાનો અધિકાર મળ્યો.
અહીંથી કહાની થોડી અણધારી બની જાય છે. આપણે ઘણી વાર એવું માની લઈએ છીએ કે જે વ્યક્તિએ કરોડો રૂપિયા કે અઢળક સંપત્તિ કમાઈ હોય તેના મૃત્યુ પછી તેના પરિવારને કાયમ માટે આર્થિક સુરક્ષા મળી જતી હશે, પરંતુ પૈસા કમાવવા અને પૈસા જાળવી રાખવા, એ બંને એક જ વાત નથી. મોટી સંપત્તિ હોવી અને તેને સંભાળવાની ક્ષમતા હોવી, બે અલગ બાબત છે.
એલ્વિસના કિસ્સામાં પણ આવું જ બન્યું. 13.8 એકરમાં ફેલાયેલું તેનું ભવ્ય એસ્ટેટ ગ્રેસલેન્ડ માત્ર એક વૈભવી ઘર નહોતું, પરંતુ તેની ખ્યાતિ અને વિરાસતનું પ્રતીક હતું. તેની જાળવણી, સંપત્તિનું સંચાલન અને બીજી નાણાકીય જવાબદારીઓએ એલ્વિસ પછીની પેઢી માટે આ વિરાસતને જાળવી રાખવાનું કામ એટલું સરળ રહેવા દીધું નહોતું.
એલ્વિસના મૃત્યુ પછી તેમની સંપત્તિની આર્થિક સ્થિતિ તેની પ્રસિદ્ધિ જેટલી મજબૂત નહોતી. તેની પત્ની પ્રિસિલા પ્રેસ્લીએ પાછળથી જણાવ્યું પણ હતું કે ગ્રેસલેન્ડને જાળવી રાખવા માટે તેને ટુરિઝમ માટે ખોલવાનો નિર્ણય લેવો પડ્યો હતો. 1982માં ગ્રેસલેન્ડ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું અને ધીમે ધીમે તે માત્ર એક ખાનગી ઘર ન રહ્યું; એલ્વિસની વિરાસતના સૌથી મહત્ત્વપૂર્ણ પ્રતીકોમાં તેનું રૂપાંતર થયું એટલે કે એલ્વિસે માત્ર એક ઘર જ પાછળ છોડ્યું નહોતું. તેણે એક એવી સ્મૃતિ પાછળ છોડી હતી, જેને આગામી પેઢીએ સાચવવાની હતી. અને પછી આ કહાની ત્રીજી પેઢી સુધી પહોંચી.
લિસા મેરી પ્રેસ્લીનું 2023માં અવસાન થયું. તેના પછી તેની પુત્રી રાઇલી કીઓએ તેની સંપત્તિ અને એલ્વિસ સાથે જોડાયેલી વિરાસતની જવાબદારી સંભાળી. એ અગાઉ સંપત્તિને લઈને લિસા મેરીને તેની માતા પ્રિસિલા અને પુત્રી રાઇલી વચ્ચે કાનૂની વિવાદ પણ ઊભો થયો, જે અંતે સમાધાનથી પૂરો થયો. રાઇલીને તેની માતાની સંપત્તિની એકમાત્ર ટ્રસ્ટી બનાવવામાં આવી, કારણ કે એનો એક ભાઈ બેન્જામીને ડ્રગ્સની લતના કારણે પાછળથી આપઘાત કર્યો હતો. આમ તેની નાની બહેનોના ટ્રસ્ટની પણ જવાબદારી રાઇલીને સોંપાઈ.
હવે રાઇલી સામે માત્ર સંપત્તિનો પ્રશ્ર્ન નથી. તેની સામે એક નામ છે-Presley. એક ઘર છે- Graceland. એલ્વિસનાં વસ્ત્રો, પુરસ્કારો, ફર્નિચર, કારો અને અંગત વસ્તુઓ જેવી હજારો યાદો છે અને તે સૌથી ઉપર, કરોડો લોકોની નજરમાં જીવતી એક વિરાસત છે. આ સ્થિતિ આપણને એક બહુ મોટો સવાલ પૂછવા માટે મજબૂર કરે છે;
આખરે આપણે પાછળ શું છોડીને જઈએ છીએ?
લિસા મેરી પ્રેસ્લીનું દુ:ખદ અને અકાળ અવસાન આપણને એ હકીકતની યાદ અપાવે છે કે આપણામાંથી કોઈને ખબર નથી કે આપણું મૃત્યુ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે, પરંતુ આપણે આપણા મૃત્યુ પછી શું અને કેવી રીતે પાછળ છોડીને જઈશું તેના આયોજન પર ચોક્કસપણે નિયંત્રણ રાખી શકીએ છીએ. સુવિચારપૂર્વક કરવામાં આવેલું એસ્ટેટ પ્લાનિંગ આપણામાંથી દરેક વ્યક્તિ જે અનિશ્ર્ચિતતાઓનો સામનો કરે છે,
તેમાંની કેટલીક અનિશ્ર્ચિતતાઓને દૂર કરી શકે છે. તે તમને અને તમારા સ્વજનોને મનની શાંતિ આપી શકે છે અને ભવિષ્ય માટે વધુ સુવ્યવસ્થિત તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે છે.
એલ્વિસે તો અઢળક સંપત્તિ છોડી ગયો. લિસા મેરીએ એ સંપત્તિ વારસામાં મેળવી. તેના મૃત્યુ પછી એ જ વારસો કાનૂની પ્રશ્ર્નોે, ટ્રસ્ટ, માલિકી અને દાવાઓમાં ફસાયો. આપણે આખી જિંદગી સંપત્તિ ઊભી કરીએ છીએ, પરંતુ આપણા ગયા પછી એ સંપત્તિ માત્ર વારસો નથી રહેતી, તે જવાબદારી પણ બની શકે છે. એટલે પ્રશ્ર્ન માત્ર એ નથી કે આપણે શું કમાઈને જઈશું; પ્રશ્ર્ન એ પણ છે કે આપણે પાછળ શું વ્યવસ્થિત રીતે છોડીને જઈશું.
એલ્વિસેના કિસ્સામાં બીજો પણ એક મુદ્દો છે. તેણે અઢળક પૈસા કમાયા. સંપત્તિ છોડી. ગ્રેસલેન્ડ છોડ્યું, પરંતુ તેનો સૌથી મોટો વારસો કદાચ આમાંથી કોઈ એક વસ્તુ નથી. તેની સાચી અસર એ લોકોમાં છે જેમણે તેનું સંગીત સાંભળ્યું, તેનાથી પ્રેરણા લીધી, તેની શૈલી અપનાવી અને પછી સંગીતની નવી પેઢીઓને પ્રભાવિત કરી એટલે સવાલ એ નથી કે ‘મારા મૃત્યુ પછી મારી સંપત્તિ કોને મળશે?’ સવાલ એ છે કે ‘મારા મૃત્યુ પછી મારામાંથી શું જીવતું રહેશે?’
આપણે કદાચ આપણાં બાળકોને આપણું બૅન્ક બૅલેન્સ આપી શકીએ કે ન પણ આપી શકીએ. કદાચ મોટું ઘર આપી શકીએ કે ન પણ આપી શકીએ. કદાચ આપણા નામે કોઈ સ્મારક ઊભું થાય કે ન પણ થાય, પરંતુ આપણે આપણા વર્તનની એક રીત, આપણા વિચારોનો એક પ્રકાશ, આપણા પ્રેમની એક સ્મૃતિ અને આપણી સંવેદનશીલતાની એક છાપ ચોક્કસ છોડી શકીએ છીએ.
આખરે મૃત્યુ પછી આપણી અલમારી કોણ સંભાળશે, એ આપણા હાથમાં નથી. આપણી સંપત્તિનો ઉપયોગ કોણ કરશે, એ પણ હંમેશાં આપણા નિયંત્રણમાં નથી, પરંતુ આપણે જીવન દરમિયાન બીજા લોકો સાથે કેવો વ્યવહાર કર્યો હતો, તેની અસર આપણા ગયા પછી પણ રહી શકે છે.
કદાચ એટલે જ જીવનની સૌથી મોટી સંપત્તિ એ નથી જે આપણે આપણા નામે એકઠી કરીએ છીએ, પરંતુ એ છે જે આપણે બીજાના જીવનમાં જમા કરતા જઈએ છીએ. એલ્વિસ પ્રેસ્લીએ દુનિયાને ઘણું આપ્યું. પૈસા અને સંપત્તિ તેમના પરિવાર સુધી પહોંચ્યાં. ગ્રેસલેન્ડ આજે પણ ઊભું છે, પરંતુ તેની સૌથી મોટી વિરાસત કદાચ એ કરોડો લોકોની યાદમાં છે, જેના માટે તેમનું સંગીત આજે પણ જીવંત છે.
કદાચ જીવનની સાચી વિરાસતનો હિસાબ બૅન્કમાં નથી થતો. તે લોકોની યાદોમાં જમા થાય છે.