Mon Sep 14 2026

Logo

કવર સ્ટોરી : ફિલ્મમાં ફરી ફૂંફાડા મારવા નાગ આવી ગયો છે...!

2026-08-28 07:36:00
Author: Hema Shastri
કવર સ્ટોરી : ફિલ્મમાં ફરી ફૂંફાડા મારવા નાગ આવી ગયો છે...!

એકતા કપૂર ‘નાગિન’ સિરિયલની સફળતા પછી હવે ફિલ્મ બનાવશે. નાગિનનો બદલો ચિત્રપટ ઈતિહાસની જૂની અને હિટ ફોર્મ્યુલા છે

- હેમા શાસ્ત્રી

‘નાગિન’ નાના પડદા પરથી મોટા પડદા પર

વિજ્ઞાન માટે તો સાપ - નાગ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. એ ઝેરી અથવા બિન ઝેરી હોય છે. કદમાં નાના - મોટા હોય છે. એને કાન નથી હોતા, એ દૂધ નથી પીતા. જોકે, વહેમ અને વિજ્ઞાન વચ્ચે સાપ સતત ફંગોળાતો રહ્યો છે. લોકજીવનમાં સાપ સિવાય નાગ, નાગ દેવતા, શેષનાગ વગેરેની હાજરી છે. સાપ માટે ડર અને તુચ્છકારની ભાવના છે, જ્યારે નાગ નામ પડતા ડરની સાથે સાથે ભક્તિભાવ જોડાઈ જાય છે. હિન્દુ ધર્મમાં નાગ પૂજનીય છે. પૌરાણિક કથા અનુસાર શિવજીના ગળામાં નાગ હોય છે અને ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરે છે. નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. 

બીજી તરફ, ઈચ્છાધારી નાગ - નાગિન અને નાગમણિના કથાનકમાં લોકોને રસ પડે છે. ભારતીય સિનેમામાં સાપ (ખાસ કરીને નાગ - નાગિન) ફિલ્મમેકરોની પસંદગીનો વિષય રહ્યો છે. એનું મુખ્ય કારણ એ આપણી સંસ્કૃતિ અને કલ્પનામાં ગૂંચળું વાળીને પડ્યો છે. નાગિનનો બદલો ભારતીય ચિત્રપટ ઈતિહાસની એક જૂની અને હિટ ફોર્મ્યુલા રહી છે. કોઈ વ્યક્તિ નાગને મારી નાખે તો નાગિન સાથીના મોતનો બદલો લેવા આવે છે એવી ઈમોશનલ કથા દર્શકોને ભાવવિભોર કરી જકડી રાખે છે. મદારીના બીનનો ધ્વનિ અને એના પર થતો નાગિન ડાન્સ લોકોને મોહિત કરી દે છે.

 30 વર્ષ પહેલા ‘હમ પાંચ’ નામની ટીવી સિરિયલના નિર્માણથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઝુકાવનારી અભિનેતા જિતેન્દ્રની પુત્રી એકતા કપૂરે ટેલિવિઝન પર અગિયાર વર્ષથી ચાલી રહેલી સાત સિઝનની સુપરનેચરલ ફ્રેન્ચાઈઝી ‘નાગિન’ને ફિલ્મના પડદા ઉપર સાકાર કરવાના નિર્ણયની જાહેરાત તાજેતરમાં કરી હતી. આ જાહેરાત કરવામાં આવી એ દિવસે અંગ્રેજી કેલેન્ડર અનુસાર તારીખ 18 ઓગસ્ટ હતી. જોકે, હિન્દુ તારીખિયા અનુસાર એ દિવસે શ્રાવણ સુદ પાંચમ હતી. આ દિવસે આપણા દેશના મોટાભાગના રાજ્યોમાં નાગ પંચમીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. નાગ - નાગણ અને હિન્દી ફિલ્મોનો નાતો 70 વર્ષ જૂનો (જુઓ:  ફ્લેશબેક કોલમ) છે. એકતા કપૂરની આ ઘોષણા સાથે બીજો એક જોગાનુજોગ એવો છે કે હિન્દી અને ગુજરાતીમાં બનેલી એકમાત્ર ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ પણ બરાબર 50 વર્ષ પહેલાં એટલે કે 1976ની નાગ પંચમીએ રિલીઝ થઈ હતી. ફિલ્મનું નામ ભલે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન) તરફ આંગળી ચીંધતું હોય, ફિલ્મ હકીકતમાં નાગરાણી અને નાગરાજાને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવી હતી.

એકતા કપૂરની ફિલ્મના કલાકાર કે ડિરેક્ટર વિશે કોઈ ફોડ નથી પાડવામાં આવ્યો. જોકે, સુપરનેચરલ ફિલ્મોના દિગ્દર્શનમાં હથોટી ધરાવતા આદિત્ય સરપોતદારને દિગ્દર્શન સોંપાય એવી અટકળો વહેતી થઈ છે. નાગિનના રોલ માટે એકતાએ ભૂતકાળમાં પ્રિયંકા ચોપડા અને કટરિના કૈફ સાથે ચર્ચા કરી હતી, પણ ફિલ્મ બનાવવાનો નક્કર નિર્ણય ન લેવાયો હોવાથી વાત હવામાં જ ઓગળી ગઈ હતી. આ બંને અભિનેત્રી માટે ફરી વિચાર થશે કે પછી શ્રદ્ધા કપૂર કે કરીના કપૂરની કે પછી અન્ય કોઈ એક્ટ્રેસની વિચારણા થાય છે એ તો આવનારો સમય જ કહેશે. એકતા કપૂરનું નિર્માણ હોવાથી ફિલ્મની કથા સિરિયલની ફોર્મ્યુલાથી સાવ અલગ હોવાની સંભાવના ઓછી છે. સુપરનેચરલ ફિલ્મોનું જોર હોવાથી એ તરફ ઝોક હોવાની સંભાવના નકારી ન શકાય.

હોલિવૂડના ખબર-અંતર 

નાગ - નાગિનની ફિલ્મો (Snake Films) હોલિવૂડમાં પણ બને છે. મુખ્ય ફરક છે કથાનકનો. ત્યાં માયથોલોજી જવલ્લે જ જોવા મળે છે. અત્યાર સુધીની હોલિવૂડની સૌથી જાણીતી ફિલ્મ બેશક Anaconda (1997) છે. સાપ પર બનેલી વિદેશી ફિલ્મોમાં ‘એનાકોન્ડા’ સર્વોત્તમ માનવામાં આવે છે. અહીં કોઈ પૌરાણિક કથા નથી બલકે એક ભયાનક અને વિશાળ કાયા ધરાવતા સાપ - અજગરના આતંકની કથા કેન્દ્ર સ્થાને છે. બોક્સ ઓફિસ પર ફિલ્મને જ્વલંત સફળતા મળી હતી. 45 મિલ્યન ડૉલરમાં બનેલી આ ફિલ્મ 136 મિલ્યન ડૉલરનું કલેક્શન મેળવવામાં સફળ રહી હતી. આ ફિલ્મની પાંચ સિક્વલ બની હતી જેમાં ટેલિવિઝન મુવીનો પણ સમાવેશ હતો.

‘જોસ’ નામની ફિલ્મથી ખ્યાતિ મેળવનારા સ્ટીવન સ્પીલબર્ગે Raiders of the Lost Ark(1981)ફિલ્મ બનાવી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. હેરિસન ફોર્ડ અભિનીત આ ફિલ્મમાં એક આર્કિયોલોજી પ્રોફેસર અને એના એડવેન્ચરની કથા હતી. 20 મિલ્યન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મ અધધ 390 મિલ્યન ડૉલરનો વકરો કરવામાં સફળ રહી હતી. ઈન્ડિયાના જોન્સ ફ્રેન્ચાઈઝીની આ પ્રથમ ફિલ્મ હતી.

2006માં આવેલી Snakes on a Plane ફિલ્મમાં એરપ્લેનના રેસ્ટ રૂમમાં સાપના આતંકની કથા છે. કાનૂની ખટલાના એક સાક્ષીની હત્યા કરવાના આશય સાથે વિમાનમાં ડઝનબંધ ઝેરી સાપ છોડવામાં આવે છે. ટાઇટલને કારણે રિલીઝ પહેલા ફિલ્મ ખાસ્સું કુતૂહલ પેદા કરવામાં સફળ રહી હતી. હેરી પોટર સિરીઝની બીજી ફિલ્મ Harry Potter and the Chamber of Secrets (2002)ની કાલ્પનિક કથામાં એક એવા સાપની વાત છે જે એને માત્ર જોવાથી વ્યક્તિ મોતને ભેટે છે. જોકે, ફિલ્મના ક્લાઈમેક્સમાં હેરી તલવારથી સાપને ખતમ કરવામાં સફળ રહે છે. આ સિવાય પણ ફિલ્મો બની છે. માયથોલોજીની સ્નેક ફિલ્મોમાં Conan the Barbarian(1982), Clash of the Titans  (1981)જાણીતી છે.