- હેન્રી શાસ્ત્રી
કહેવત કથા શરૂ કરતા પહેલા કોદરા શબ્દ સમજી લઈએ. કોદરા એક જાતનું ખડધાન્ય છે. ખડધાન્ય એટલે વાવ્યા અને ખેડ્યા વિના નૈસર્ગિક રીતે ઉગતું ધાન્ય. સામો (મોરૈયો), રાજગરો, કોદરી વગેરે ખડધાન્ય તરીકે ઓળખાય છે. કોદ્રવ કે કોદરો ચાર જાતના હોય છે: રામેશ્વરી, શિવેશ્વરી, હરકોણી અને માંજર. કોદરાના દાણા રાઇથી મોટા, લાલ અને ફોતરીવાળા હોય છે. એ નથી બગડતા કે નથી સડતા. અસલના વખતમાં દુકાળ માટે કોદરાની મોટી વખારો ભરી રાખવામાં આવતી. દુકાળમાં કોદરા વહાલા લાગે એવી કહેવત છે. કોદરાની ગણના હલકા ધાન્ય તરીકે થતી હોવાથી તંગીને વખતે હલકી વસ્તુ પણ સારી લાગે એ આ કહેવતનો ભાવાર્થ છે. જોકે, એક કોદરે કંઈ કાળ મટે? એવી કહેવત પણ છે જેનો ભાવાર્થ દરિયામાં ટીપાં બરાબર થાય છે. પ્રમાણમાં બહુ જ ઓછું, ભારતની વસ્તી સામે શ્રીલંકાની વસ્તી જેવી વાત થઈ. હવે આપણે એક એક કોદરે કાળ જાય કહેવત પાછળની કથા માણીએ - જાણીએ અને સમજીએ.
જમુના નદીના કાંઠાના એક પ્રદેશમાં એક વાર કારમો દુકાળ પડ્યો. પાણીની અછતનો સૂકો દુકાળ નહીં, પાણીની રેલમછેલનો લીલો દુકાળ પડ્યો. ધસમસતા પાણીથી બધા પાક સાવ ધોવાઈ ગયા. લોકો મુસીબતમાં ઘેરાઈ ગયા. ભૂખ અને રોગચાળામાં માણસો ટપોટપ મરવા લાગ્યા. અલબત્ત લોકો મૃત્યુ પામ્યાં હતાં, માનવતા હજી નહોતી મરી પરવારી. નદીકાંઠે વસેલા અન્ય શહેરોમાં આ ભયંકર પરિસ્થિતિની જાણ થઈ. તાબડતોબ ત્યાંથી અનાજનાં વહાણો ભરી દુકાળના પ્રદેશમાં મદદ માટે મોકલવામાં આવ્યાં. પણ પેલી કહેવત છે ને કે મુસીબત આવે ત્યારે મહેમાનોને લેતી આવે. મદદ કરવા મોકલેલાં વહાણો તોફાનમાં સપડાઈ ગયાં અને ખરાબ હવામાનમાં અવળે રસ્તે ચડી ગયાં. માત્ર એક જ વહાણ નિયત સ્થળ પર પહોંચી શક્યું. એ વહાણમાં કોદરી ભરી હતી. પણ, નસીબ એટલા વાંકા કે એમાંની ઘણીખરી કોદરી બગડી ગઈ. આટલું ઓછું હોય એમ અમુક કોદરી ઉંદરો ખાઈ ગયા. થોડીક જ કોદરી બચી.
જહાજ કાંઠે પહોંચ્યું એટલે નગરજનો રાજી થયા. નાશ થયેલા માલનો વિલાપ કરતા બેસી રહેવાને બદલે જે મળ્યું એના વિતરણ વિશે વિચારવા લાગ્યા જેથી લોકોને રાહત મળે. દુકાળ રાહતની વ્યવસ્થા માટે ખાસ નીમવામાં આવેલા પંચ દ્વારા ઘરદીઠ સરખા ભાગે કોદરીની વહેંચણી થઈ. જોકે, બચેલો જથ્થો નજીવો હોવાથી ઘરદીઠ માંડ એક મુઠ્ઠી અનાજ આવ્યું. કેટલાક ઘરમાં બહોળો પરિવાર હોવાથી લોકોની સંખ્યા વધુ હતી. એમને તો માથાદીઠ બે ચાર કણ આવ્યા જેવી પરિસ્થિતિ હતી. ગામના કેટલાક લોકોમાં શાણપણ હતું. આટલા દાણા ખાઈ જવા, ફેંકી દેવા કે એની રોકકકળ કરવાને બદલે એ ધન્ય ઘરના વાડામાં નાખી દીધું અને એને પાણી પાવાનું શરૂ કર્યું.
સમય પસાર થતો ગયો. દરિયાઈ તોફાનને કારણે ફંટાઈ ગયેલા - આડે રસ્તે ચડી ગયેલા જહાજ તોફાન શમી જતા ફરી માર્ગે લાગ્યાં. આ તરફ દુકાળમાં અન્ન નહીં મળવાથી અનેક લોકોના જીવ ગયા. જે લોકોએ ડહાપણ વાપરી કોદરીના કણ વાડા કે ખેતરમાં નાખ્યા હતા અને એને પાણી પાતા હતા તેમને ત્યાં એના ફણગા ફૂટ્યા. આ તરફ અન્ય વહાણ અનાજ સાથે એક પછી એક આવવાં લાગ્યાં. લોકોને વધુ અનાજ મળવા લાગ્યું. બીજી તરફ કોદરા પણ થવા લાગ્યા, એના સમયે કણસલાં તૈયાર થવા આવ્યા અને એનાથી લોકોને આધાર થયો.
વાડા - ખેતરમાં નાખેલા કણ કણ કોદરામાંથી ફૂટેલા છોડને સારાં કણસલાં લાગ્યા. બધા વહાણ આવી પહોંચે ત્યાં સુધીમાં ઘણા ઘરમાં કોદરાએ કાળને ખાળ્યો, એ ખાઈને લોકોએ દિવસો તો કાઢી નાખ્યા. આખરે દુ:ખના દિવસોમાં ઓટ આવી અને સુખની મોટી ભરતી આવી હોય એમ એક પછી એક બધાં વહાણ આવી પહોંચ્યાં. લોકોને અન્ન મળ્યું અને કોદરા પણ લણાઈ - ઝુડાઇ ઘરમાં પહોંચી ગયા. આમ એક એક કોદરે ખરેખર કાળ જેવો કાળ પસાર થઈ ગયો.
ભાષા વૈભવ
એક કહેવત - અનેક સ્વરૂપ
અબી બોલ્યા ને અબી ફોક કહેવત બહુ જાણીતી છે. એનો પરચો થયો હોય એ લોકો તો ક્યારેય ન ભૂલે. અબી એટલે હાલ, હમણાં, અબઘડી. બોલીને તરત ફરી જનારા લોકો. યુએસ - ઈરાન યુદ્ધમાં અબી બોલા અબી ફોક જેવું વારંવાર જોવા મળી જ રહ્યું છે ને. ફોક એટલે રદ કરવું, પોતાની જ વાતને નકારી કાઢવી. જે વ્યક્તિ પોતાની વાત કે વાયદા પર કાયમ ન રહેતી હોય અને વારંવાર પોતાના નિર્ણયો કે વચનો બદલતી હોય, ત્યારે આ કહેવતનો ઉપયોગ કટાક્ષ કરવા માટે થાય છે. અગાઉ લગ્ન રદ થાય કે તોડી નાખવામાં આવે ત્યારે લગ્ન ફોક થયા એમ કહેવામાં આવતું. સમાન અર્થ ધરાવતી અન્ય કહેવત છે બોલ્યે બંધ નહીં. મતલબ કે બોલીને બંધાઈ ન જાય, ઈચ્છા થાય તો ફરી પણ જાય. વચનનો જરાય પાકો નહીં, સાવ કાચો. ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે કહેવતમાં પણ આ જ ભાવાર્થ છે. ગાડું ચાલે એટલે પૈડું તરત ફરવા લાગે એમ બોલ્યા પછી તરત ફરી જાય એવી વાત છે. આ જ પંક્તિમાં બિરાજતી અન્ય કહેવત છે બાઈ, બ્રાહ્મણ ને વરતીઆં, ત્રણે સાટાં ફરતીઆં. વરતીઆં એટલે માંગીને ખાનારા અને ફરતીઆં એટલે ફરી જનારા. આ ત્રણ લોકો બોલ્યું પાળે નહીં, ફરી જાય. શિંગડે ઝાલે તો ખાંડો ને પુંછડે ઝાલે તો બાંડો કહેવત સમજતા પહેલા ખાંડો અને બાંડો એ બે શબ્દના અર્થ સમજવા જરૂરી છે. ખાંડો એટલે અડધું કપાયેલું અને બાંડું એટલે પૂંછડી વગરનું. બંને બાજુથી નુકસાન એ એનો ભાવાર્થ છે. થૂંકીને ચાટે તેવો બોલ કહેવતનો મૂળભૂત અર્થ આપેલા વચનમાંથી ફરી જવું, બોલીને બદલી જવું અથવા પોતાની વાતમાં પલટી મારવી એવો છે. ટૂંકમાં કોઈ વ્યક્તિ વાત કે વચન આપે (બોલ કરે) અને પછી પોતાના જ બોલ પાછા ખેંચે, ત્યારે તેને ‘થૂંકીને ચાટ્યા’ બરાબર માનવામાં આવે છે. આ પ્રકારની કહેવતનો સાર એક દોહામાં પણ જોવા મળે છે: જાકે બોલે બંધ નહીં, મર્મ નહીં મન માહીં, વાકો સંગ ન કીજીએ, છોડ ચલે બનમાંહી. જે વ્યક્તિ બોલેલી વાતથી ફરી જાય કે મનનો મક્કમ ન હોય એનો સંગ રાખવો નહીં એ આનો ભાવાર્થ છે. સોરઠી શૈલીમાં પણ કહેવાયું છે કે બોલેલા મુખ બોલ, નર જે નિભાવતા નથી, તેહ પુરુષનું તોલ, કોડી સરખું કરણીયા. બોલેલું પાળે નહીં એ લોકોનું મૂલ્ય કોડી બરાબર કહેવાય.