કામિની શ્રોફ
નેધરલેન્ડ્સના વતની ડચ લોકોની કેટલીક લાક્ષણિકતા છે. ડચ સ્થાપત્ય-વાસ્તુશિલ્પ (ડચ આર્કિટેક્ચર) ઉપલબ્ધ જગ્યાનો શ્રેષ્ઠ અને કલાત્મક ઉપયોગ તેમ જ નહેર નજીક સાંકડા પણ સુંદર ખ્યતિપ્રાપ્ત ઘરો તૈયાર કરવા માટે દુનિયાભરમાં જાણીતું છે. ચોકઠા બહારની મૌલિક વિચારસરણી માટે જાણીતા ડચ આર્કિટેક્ટ્સે કંસ્ટ્રકશનમાં કલાનો સુંદર સમન્વય સાધ્યો છે. સૌમ્ય ડિઝાઈનવાળા કેથેડ્રલથીલઈને ટાપટીપવાળા આધુનિક બાંધકામને કારણે ડચ સ્થાપત્યની કલાત્મક ડિઝાઈન સમગ્ર યુરોપમાં ફેલાઈ એની બહાર પણ વિસ્તરી છે. ડચ આર્કિટેક્ચર ત્રણ તબક્કામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડી શક્યું છે.
પ્રથમ તબક્કો 17મી સદીનો છે જ્યારે ડચ સામ્રાજ્યનો વાવટો ઘણી જગ્યાએ લહેરાતો હતો. ત્યારબાદ વીસમી સદીના પહેલાં 50 વર્ષ દરમિયાન આધુનિક સ્પર્શ મળ્યો અને અત્યારે એકવીસમી સદીમાં અનેક ડચ આર્કિટેક્ટ વૈશ્વિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી રહ્યા છે. એવું કહેવાય છે કે સમકાલીન સ્થાપત્યમાં નેધરલેન્ડ્સ જેટલો પ્રભાવ કોઈનો નથી. ડચ આર્કિટેક્ચરે વિશ્વવ્યાપી માન્યતા પ્રાપ્ત કરી છે. ડચ સ્થાપત્ય વિશેની રસપ્રદ વાતોથી વાકેફ થઈએ.
એમ્સ્ટડેમની ખાસિયત
નેધરલેન્ડ્સનો એક તૃતીયાંશ હિસ્સો સમુદ્રની સપાટીથી નીચે હોવાથી અનેક ઠેકાણે ડાઈકસ (સમુદ્ર કે નદીનું પાણી ફેલાતું અટકાવવા માટેનો બાંધ) બાંધવામાં આવ્યા. પહેલા પમ્પ અને ત્યારબાદ વિન્ડમીલ - પવનચક્કીની મદદથી નદી અને સમુદ્રનાં પાણી ફરી વળવાથી ગરક થયેલી જમીનની પુન:પ્રાપ્તિ (રિક્લેમેશન) પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. નેધરલેન્ડ્સની રાજધાની એમ્સ્ટડેમ શહેર દસ લાખથી વધુ લાકડાના સ્તંભ ઉપર ઊભું થયું છે.
આ સ્તંભ રેતાળ જમીનની અંદર 11 મીટર (આશરે 36 ફૂટ) ઊંડા ઉતારવામાં આવ્યા. બે ડચ આર્કિટેક્ટએ ડેમ સ્કવેર ખાતે 13 હજાર 657 સ્તંભની મદદથી રોયલ પેલેસનું નિર્માણ કર્યું હતું. બાંધકામમાં કેટલા સ્તંભની જરૂર પડે એ ઈમારતના ફેલાવા પર નિર્ભર કરે છે. સામાન્ય રહેણાંક ઘર બાંધવા દસેક સ્તંભની જરૂર પડે જ્યારે એમ્સ્ટડેમ સેન્ટ્રલ સ્ટેશનના બાંધકામ માટે 9 હજાર સ્તંભની જરૂર પડી હતી. આજની તારીખમાં મજબૂતાઈ અને ટકાઉ બાંધકામ માટે કોન્ક્રીટ અથવા સ્ટીલના સ્તંભનો ઉપયોગ કરવામાં આવે છે.
એમસ્ટડેમ શહેરની પ્રખ્યાત અમસ્ટલ નદીના કાંઠા વિસ્તારમાં કતારબંધ સાંકડા ઘર જોવા મળે છે. આ ઘર આગળની તરફ નમેલા અને સહેજ ત્રાંસા દેખાય છે. આ ઘર `ડાન્સિંગ હાઉસીસ' તરીકે જાણીતા છે. આ નામકરણ પાછળ કેટલાંક કારણ છે.
એમ્સ્ટડેમની જમીન ખૂબ જ નરમ અને ભેજવાળી હોવાથી જૂના સમયમાં લાકડાના સ્તંભ ઉતારી ફાઉન્ડેશન તૈયાર કરવામાં આવતું હતું. અનેક વર્ષો પછી આ સ્તંભ જમીનમાં બેસી જવાને અથવા ખૂંપી જવાને કારણે કેટલાંક મકાનો એક બાજુ ઝૂકી ગયેલાં અને નમી ગયેલાં દેખાય છે. સદીઓ પહેલા એમ્સ્ટડેમમાં ઘરની પહોળાઈ અનુસાર ટેક્સ વસૂલવામાં આવતો હતો.એટલે લોકો ખૂબ જ સાંકડા અને ઊંચાં મકાનોનું બાંધકામ કરાવતા હતા.
આવા ઘરમાં દાદરા પણ સાંકડા હોવાથી મોટી સાઈઝનું ફર્નિચર ઘરની અંદર લઈ જવું અશક્ય હોવાથી ઘરની બહાર ગરગડીની વ્યવસ્થા રાખવામાં આવતી જેની મદદથી સામાન ઉપર ચડાવી અંદર લઈ જઈ શકાતો. કોઈ ઘરનું રિનોવેશન કરવામાં આવે ત્યારે સ્તંભની જગ્યામાં ફેરફાર થવાથી ઘર એકબીજા તરફ ઢળી જતાં.
વેલુમિયર એકવેડક્ટ વૉટર બ્રિજ
વિશ્વની અજાયબીનું જો નવેસરથી આલેખન કરવામાં આવે તો નેધરલેન્ડ્સના વેલુમિયર એકવેડક્ટ વૉટર બ્રિજનો એમાં સમાવેશ થઈને જ રહે એવી એની કમાલ છે. ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત બેંગલૂ અને મુંબઈના નાગરિકો માટે તો આ બ્રિજ ધરતી પરના વાહનવ્યવહાર ના સ્વર્ગ બરાબર છે. ટ્રાન્સપોર્ટ આર્કિટેક્ચરનો આ અનોખો અને કલાત્મક નમૂનો ગગનમાંથી નીરખતી વખતે ઓપ્ટિકલ ઈલ્યુઝન-દૃષ્ટિભ્રમ ઊભો કરે છે.
ડચ એંજિનિયરિગની કમાલ ગણાતા આ બ્રિજ પર દોડતા વાહનો અચાનક પાણીમાં ગરક થઈ જાય છે અને થોડી વારમાં આ `ડૂબી ગયેલાં' વાહનો ફરી સડક પર દોડવાં લાગે છે, જરાય ભીના થયા વિના રમેશ પારેખની અવિસ્મરણીય કાવ્ય પંક્તિ `ઓણુકા વરસાદમાં બે ચીજ કોરીકટ્ટ'ની યાદ આવી જાય એવા વટ્ટથી કોરીકટ્ટ અવસ્થામાં દોડવા લાગે છે.
ત્રણ મીટર ઊંડાઈમાં આ સડક 25 મીટર (આશરે 82 ફૂટ) લંબાઈ સુધી પાણીમાં ગરકાવ થઈ ફરી સપાટી પર આવે છે. 2002માં શરૂ થયેલા આ બ્રિજ પર દરરોજ 28 હજાર વાહનો દોડે છે. રાહદારીઓ માટે ચાલવાની સગવડ અને સાઈકલ સવારો માટે ખાસ લેન પણ છે. આ અફલાતૂન બ્રિજને કારણે વાહનો અને નૌકાઓ અંતરાય વિના સતત આવજા કરી શકે છે.
ભારતમાં ડચ સ્થાપત્ય
આપણા દેશમાં ડચ સ્થાપત્યનો પ્રારંભ 1605માં થયો હોવાની નોંધ છે. દક્ષિણના રાજ્યો કેરળ (કોચીન) અને તમિળનાડુ (પુલીકટ)થી શરૂઆત થઈ. મસાલાના વેપાર માટે ડચ લોકોનો ડોળો મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા પર હતો. જોકે, ત્યાંના વેપાર માટે ભારતીય કાપડ (સુતરાઉ કાપડ)ની માગ મોટા પ્રમાણમાં હતી. આ કાપડ મેળવવા માટે ડચ કંપનીએ ભારતમાં પગપેસારો કર્યો.
1602માં શરૂ કરવામાં આવેલી ડચ કંપનીએ 1616માં સુરતમાં પોતાની પ્રથમ સત્તાવાર ફેક્ટરી સ્થાપી હતી. ગુજરાતમાં તેમ જ દક્ષિણના રાજ્યોમાં ડચ લોકોની દફનભૂમિ છે અને સુરતમાં તાપી નદી નજીકના વિસ્તારમાં ડચ ગાર્ડન સહેલાણીઓનાં જોવાલાયક સ્થળમાં સ્થાન ધરાવે છે. અહીંના ફુવારા, ફૂલવાડી અને ગાલીચા જેવા સુંદર, સુંવાળા લીલાછમ ઘાસથી છવાયેલા બગીચા પ્રવાસીઓનું મન મોહી લે છે. જોકે, ડચ સ્થાપત્યની ખાસિયત જોવી હોય તો બિહારના પટના શહેરનો આંટો મારી લેવો જોઈએ.
17મી સદીમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પટનામાં મસાલા, મીઠું, અફીણ અને ટેક્સટાઈલના ટ્રેડિગ માટે વ્યાપારી હેતુથી એક ઈમારત બાંધી હતી. આ ઈમારતના સ્થાપત્યમાં યુરોપિયન શૈલી નજરે પડે છે. હવાની અવરજવર થાય અને ગરમી ઓછી લાગે એ માટે ઊંચી છત અને મોટી બારીઓ, ધોધમાર વરસાદને પહોંચી વળવા ઢળતી છત તેમજ મજબૂતી અને નહીં જેવી જાળવણી માટે જાણીતી લાલ ઈંટની દીવાલો 17મી સદીનું પ્રતિનિધિત્વ કરે છે.
બિઝનેસ સેન્ટર તરીકે બંધાયેલી ઈમારત આજે સાંસ્કૃતિક પ્રવૃત્તિ, કલા પ્રદર્શન અને ઐતિહાસિક સંશોધનનું કેન્દ્ર બની ગઈ છે. પટનાના `મસ્ટ વિઝીટ' સ્થળમાં સ્થાન ધરાવતું આ બિલ્ડિંગ સહેલાણીઓને ભૂતકાળની ઝાંખી કરાવે છે.