Sun Sep 13 2026

Logo

નાગપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પત્ની સાથે ઝઘડ્યા બાદ નશામાં ધૂત પતિનું ફિલ્મી ઢબે કરાયું રેસ્ક્યૂ

2026-05-11 20:36:58
Author: Mumbai Samachar Team
નાગપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પત્ની સાથે ઝઘડ્યા બાદ નશામાં ધૂત પતિનું ફિલ્મી ઢબે કરાયું રેસ્ક્યૂ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અહેવાલો અનુસાર પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પતિ પાંચમા માળની બારીના છજ્જા પર ફસાઈ ગયો હતો. જ્યારે લોકોએ તેને લટકતો જોયો ત્યારે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ પછી, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તેમણે યુવકને સીડી વડે ઉપર ખેંચી બચાવી લેવાયો હતો.

શું છે આખો મામલો?

આ ઘટના નાગપુરના રામદાસપેઠમાં બની હતી. એક રાહદારીએ એક બિલ્ડિંગના પાંચમા માળે બારીના છજ્જા પર એક યુવાનને લટકતો જોયો. તેણે હાથમાં એક નાનો વાયર પકડ્યો હતો. તેનું સંતુલન સંપૂર્ણપણે ખોવાઈ ગયું હોવાથી તે નીચે પડી જવાનો ડર હતો. રાહદારીએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. માહિતી મળતાં ફાયર અને પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

અહેવાલો અનુસાર નાગપુરના વાડીમાં રહેતા આકાશ તિવારીનો છેલ્લા કેટલાક મહિનાઓથી તેની પત્ની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. રવિવારે આકાશ દારૂ પીધેલી હાલતમાં તેના સાસરિયાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. બોલાચાલીને કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને આકાશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 

નશાની હાલતમાં આકાશ રામદાસપેઠના આશિષ એપાર્ટમેન્ટમાં ગયો અને ઇમારતની છત પર પહોંચ્યો. તેણે પાઇપનો સહારો લઈને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંતુલન ગુમાવી બેઠો અને બારીની બહાર એક સાંકડા છજ્જા પર ફસાઈ ગયો હતો.

ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને હોશિયારી બતાવી આકાશને દોરડાથી બાંધેલી સીડી વડે ઉપર ખેંચી લીધો હતો. યુવાન છત પર પહોંચતાં નીચે ઊભેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કામગીરી પૂર્ણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.