Sun Sep 06 2026

Logo

ભારતના વિરોધ છતાં હોર્મુઝમાં ભારતીય ક્રૂ સાથેના જહાજ પર ફરી હુમલો, કેટલું નુકસાન થયું?

2026-06-14 22:35:46
Author: Vimal Prajapati
ભારતના વિરોધ છતાં હોર્મુઝમાં ભારતીય ક્રૂ સાથેના જહાજ પર ફરી હુમલો, કેટલું નુકસાન થયું?

VesselFinder


નવી દિલ્હી / દુબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને સીઝફાયર ડીલની અસમંજસતા વચ્ચે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ હોર્મુઝની સમુદ્રધૂનીમાં એક મોટી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. 12-13 જૂનની મધ્યરાત્રિએ હોંગકોંગના ધ્વજવાળા ઓઈલ અને કેમિકલ ટેન્કર જહાજ 'બોકેમ મરેંગો' પર એક ઘાતક માનવરહિત ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ સંપૂર્ણપણે ભારતીય નાવિકો દ્વારા સંચાલિત હતું. રાહતની વાત એ છે કે આ હુમલામાં જહાજને નુકસાન થયું હોવા છતાં તમામ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત બચી ગયા છે.

અમેરિકી નૌસેનાની સુરક્ષા છતાં થયો ડ્રોન હુમલો

મળતી માહિતી મુજબ, ઓઈલ અને કેમિકલ વહન કરતા આ ટેન્કર જહાજની ઓપરેશનલ જવાબદારી 'એંગ્લો-ઈસ્ટર્ન શિપ મેનેજમેન્ટ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ' પાસે છે. ઘટના સમયે આ જહાજ અમેરિકી નૌસેનાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા NCAGS હેઠળ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકી સેનાની દેખરેખ હોવા છતાં, મધ્યરાત્રિએ એક અજ્ઞાત આત્મઘાતી ડ્રોને આ જહાજને નિશાન બનાવ્યું હતું.

જહાજને શું નુકસાન થયું?

આ ડ્રોન હુમલાને કારણે જહાજના ત્રણ મહત્વના હિસ્સાઓને સીધી અસર થઈ હતી. નંબર-1 અને નંબર-2 પોર્ટ વોટર બેલાસ્ટ ટેન્ક જહાજનું સંતુલન જાળવી રાખતી આ બંને ટેન્કોને નુકસાન પહોંચ્યું હતું. નંબર-૨ પોર્ટ કાર્ગો ટેન્ક જ્યાં તેલ કે કેમિકલ સંગ્રહિત કરવામાં આવે છે તે હિસ્સા પર પણ અસર થઈ હતી. જોકે, નુકસાન છતાં જહાજ દરિયામાં ડૂબ્યું નહોતું અને તેણે પોતાની મુસાફરી ચાલુ રાખી હતી.

હુમલા બાદ જહાજ ક્યાં પહોંચ્યું?

દુર્ઘટના બાદ તુરંત જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને એલર્ટ કરવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંસ્થા યુકેએમટીઓને પણ જાણ કરાઈ હતી. જહાજ ધીમે-ધીમે આગળ વધીને હાલ સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ બંદરે પહોંચી ગયું છે, જ્યાં શિપિંગ કંપનીની સ્પેશિયલ ટેકનિકલ ટીમ તેની મરમ્મત કરી રહી છે.

ભારતનો અમેરિકા સામે કડક આક્રોશ

આ વિસ્તારમાં વ્યાપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ અને તેમાં ભારતીય નાવિકોના જીવ જોખમમાં મુકાવાને લઈને નવી દિલ્હીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પલાઉ દેશના ઝંડા હેઠળ જઈ રહેલા વ્યાપારી જહાજ 'એમટી સેટેબેલ્લો' પર અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં 24 ભારતીય નાવિકોમાંથી 3 ના મોત થયા હતા. આ ઘટનાઓને પગલે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે શુક્રવારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને ફોન કરીને કડક શબ્દોમાં વાંધો નોંધાવ્યો હતો કે વ્યાપારી જહાજો પર આવા જાનલેવા હુમલા કોઈ પણ કાળે સ્વીકારી શકાય નહીં. આ સાથે જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે દિલ્હીમાં હાજર અમેરિકી કાર્યવાહક રાજદૂતને સમન્સ પાઠવીને ભારતીય નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.