મુંબઈ: ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ વિદેશથી ટ્રેડમિલમાં છુપાવીને લાવવામાં આવેલું 1.10 કરોડ રૂપિયાનું સોનું પકડી પાડ્યું હતું અને આ પ્રકરણે ચીની નાગરિકની ધરપકડ કરી હતી.ડીઆરઆઇએ ધરપકડ કરેલા ચીની નાગરિકની ઓળખ ચૅંગ વિંગ હિંગ (46) તરીકે થઇ હતી. ચૅંંગ વિંગ હિંગને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
બીજી સપ્ટેમ્બરે સહારના એર કાર્ગો કોમ્પ્લેક્સમાં મે. વેલફોક્સ ટ્રેડિંગ ઇમ્પેક્સ દ્વારા હૉંગકોંગથી આયાત કરાયેલા ક્ધસાઇનમેન્ટની ડીઆરઆઇએ શંકાને આધારે તપાસ કરી હતી. તેમાં બે બોક્સ હતાં, જેમાં 41 કિલોના ટ્રેડમિલ હતા. આ ટ્રેડમિલમાં યોજનાબદ્ધ રીતે છુપાવેલું 24 કેરેટનું 1.10 કરોડ રૂપિયાનું 692 ગ્રામ સોનું મળી આવ્યું હતું, જે દાણચોરીથી લવાયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.
આ મામલે કસ્ટમ્સ બ્રોકર પેઢીના બે જણની પૂછપરછ કરવામાં આવતાં હૉંગકોંગના નાગરિક હ્યુગો લૉએ ક્ધસાઇનમેન્ટ ક્લિયરન્સ માટે પોતાની સેવા લીધી હોવાનું જણાવ્યું હતું. બ્રોકરે માલ અંધેરી પૂર્વમાં ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ભોંયતળિયે ગાળામાં ડિલિવરી કરી હોવાનું જણાયા બાદ ત્યાંની એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે કથિત કંપનીનો નિયંત્રણ હ્યુગો લૉ/લૉ કાઇ ચુન હોવાનું જણાવ્યું હતું.
તેણે આપેલી માહિતીને આધારે હ્યુગો લૉના સરનામે અંધેરી પૂર્વના જે.બી. નગરમાં તપાસ કરાતાં તે હોટેલમાં હોવાનું સામે આવ્યું હતું. હ્યુગો લૉ અહીં જ રોકાયો હતો. ત્યાંની રૂમમાંથી અનેક ડિસ્મેન્ટલ કરેલા ટ્રેડમિલ, વાઇબ્રેશન મશીનો અને તે ખોલવા માટેનાં સાધનો મળી આવ્યાં હતાં.દરમિયાન પાંચમી સપ્ટેમ્બરે હોટેલમાં ચીની નાગરિક ચૅંગ હિંગ માલ લેવા માટે આવ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કબૂલ્યું હતું કે હ્યુગોએ તેને ભારતમાં આયાત કરેલા મશીનોમાં છુપાવેલું સોનું કાઢવા મશીનો ડિસ્મેન્ટલ કરવા રોક્યો હતો, જેની સામે તેને આર્થિક લાભ મળવાનો હતો. હ્યુગોએ તેને હૉંગકોંગથી મુંબઈ લાવવાનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો.