Wed Jun 17 2026

Logo

યુએસ સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ટ્રમ્પ ભારતને બનાવી ગયા

2026-02-23 08:33:00
Author: Mumbaisamachar Team
Article Image

એકસ્ટ્રા અફેરઃ ભરત ભારદ્વાજ


અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટૅરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા ટ્રમ્પની સાન સુપ્રીમ કોર્ટે ઠેકાણે લાવી દીધી છે એવા દાવા થતા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે ભારતને બહુ ફાયદો થશે ને ટ્રમ્પની સરકારે ટૅરિફ પેટે વસૂલેલી રકમ કંપનીઓને પાછી આપવી પડશે એવી પણ વાતો થતી હતી પણ ટ્રમ્પે 24 કલાકમાં આ બધી વાતોની હવા કાઢી નાંખી છે. 


ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમર્જન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ભારત સહિતના દેશો પર 25 ટકાથી વધુ ટૅરિફ ઠોકી દીધી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટૅરિફને ગેરકાયદે ગણાવતાં કહેલું કે, ટ્રમ્પ પાસે IEEPA હેઠળ ટૅરિફ લાદવાની સત્તા જ નથી. IEEPA હેઠળ ટૅરિફ અમેરિકાની સંસદ લાદી શકે, પ્રમુખ નહીં તેથી સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6-3ના બહુમતીથી ચુકાદો આપતાં ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટૅરિફને રદ કરી દીધો હતો. 


ટ્રમ્પ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા માટે તૈયાર જ બેઠા હોય એમ ચુકાદો આવ્યાના કલાકમાં તો અમેરિકામાં આવતા તમામ માલ પર 10 ટકા ગ્લોબલ ટૅરિફ લાદવાની જાહેરાત કરી દીધી હતી. અમેરિકાના ‘ટ્રેડ એક્ટ ઓફ 1974’ નામે કાયદો છે. આ કાયદાની કલમ 122 હેઠળ  અમેકિકાના પ્રમુખને દેશ પર આર્થિક સંકટનો ખતરો જણાય કે દેશની વ્યાપાર ખાધ વધતી લાગે તો આયાત પર ટૅરિફ તાત્કાલિક ટૅરિફ લગાવવાની સત્તા છે. આ નિયમ હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા વગર કામચલાઉ ધોરણે ટૅરિફ લાદવાનો નિર્ણય લઈ શકે છે. 


ભૂતકાળમાં 1971માં રિચાર્ડ નિક્સને આ સત્તાનો ઉપયોગ કરીને દુનિયાભરના દેશો પર 10 ટકા ગ્લોબલ ટૅરિફ લાદી દીધી હતી. અમેરિકામાં આવો કોઈ કાયદો નહોતો કે પ્રમુખ પાસે આવી અબાધિત સત્તા નહોતી તેથી નિક્સને લાદેલા ગ્લોબલ ટૅરિફનો મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટે આ ટૅરિફને માન્ય રાખેલા કેમ કે ટૅરિફ અમેરિકાના હિતમાં હતા પણ સાથે સાથે ટકોર કરેલી કે, ભવિષ્યમાં આર્થિક કટોકટી આવે  તો તેને પહોંચી વળવા પ્રમુખ પાસે કાનૂની અધિકારો હોવા જોઈએ. 


તેના પગલે 1974માં ટ્રેડ એક્ટ 1974 બનાવાયો હતો. અત્યાર સુધી બીજા કોઈ પ્રમુખે ટ્રેડ એક્ટ 1974 લાગુ કર્યો નથી કે કલમ 122નો ઉપયોગ કર્યો નથી. ટ્રમ્પ 122 લાગુ કરનારા પહેલા પ્રમુખ છે તેથી તેને કોર્ટમાં પડકારવામાં આવે ત્યારે અમેરિકાની કોર્ટ તેનું કેવું અર્થઘટન કરશે એ કોઈને ખબર નથી પણ અત્યારે તો ટ્રમ્પનો હાથ ઉપર છે. 


આ કાયદા હેઠળ પ્રમુખ મહત્તમ 15 ટકા ટૅરિફ લાદી શકે છે. ટ્રમ્પે એ સત્તાનો ઉપયોગ કરીને શુક્રવારે જાહેર કરેલા 10 ટકા ટૅરિફમાં 5 ટકાનો વધારો કરીને 15 ટકા કરી નાંખી છે. ટ્રમ્પે પહેલાં મોટા ભાગના દેશો પર 25 ટકાની આસપાસ ટૅરિફ ઠોકી બેસાડ્યા છે. તેની સરખામણીમાં 15 ટકા ટૅરિફ રાહતરૂપ લાગે પણ ટ્રમ્પને ટૅરિફ લાદવાનો અધિકાર જ નથી તેથી ટ્રમ્પ ઠેકાણે પડી જશે એવી વાતો થતી હતી એ વાતોનો છેદ ઉડી ગયો છે. 


ટ્રમ્પે ટ્રેડ એક્ટ 1974 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને લાદેલી 15 ટકા ગ્લોબલ ટૅરિફ 150 દિવસ સુધી લાગુ રહેશે.  આ સમયગાળા દરમિયાન સરકાર સ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેશે એવું કાયદો કહે છે. ટ્રમ્પની માનસિકતા જોતાં એ 150 દિવસનો સમયગાળો પૂરો થતાં બીજા 150 દિવસ માટે ગ્લોબલ ટૅરિફ લંબાવી દેશે તેથી ટ્રમ્પના ટૅરિફ કાયમી થઈ જવાના.


 ટ્રમ્પના ગ્લોબલ ટૅરિફના નિર્ણયને અદાલતોમાં પડકારાશે એ નક્કી છે પણ અદાલતોમાં નિર્ણય આવતાં મહિનાઓ વિતી જશે. ટ્રમ્પે ગયા વરસે એપ્રિલમાં બધા દેશો પર ટૅરિફની જાહેરાત કરી હતી. આ ટેરિફ કાયદેસર છે કે નહીં તેનો ચુકાદો આવતાં 10 મહિના લાગી ગયા. ટ્રેડ એક્ટના આધારે લગાવાયેલા ટૅરિફની કાયદેસરતા નક્કી કરવામાં અદાલતો એટલો જ સમય લે એવું માનીએ તો ટ્રમ્પ માટે એટલો સમય પૂરતો છે. આ દરમિયાન ટ્રમ્પના સાથી કશુંક નવું શોધી લાવશે અથવા ટ્રમ્પ નવા કાયદા બનાવી દેશે તેથી  ટૅરિફનું લઠ્ઠું જવાનું નથી. 


સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આપણે ત્યા કેટલાક હરખપદૂડાઓએ એવી વાતો વહેતી કરી નાંખી કે, ભારતને બહુ મોટો ફાયદો થઈ જશે. આ નમૂનાઓને ભારત અમેરિકામાં શું મોકલે છે ને અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર શું પડશે એ જ ખબર નથી. ભારત સ્ટીલ અને એલ્યુમિનિયમ મોટા પ્રમાણમાં અમેરિકા મોકલે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટૅરિફ રદ થયા નથી કેમ કે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અલગ કાયદા હેઠળ ટૅરિફ લગાવાય છે. આ ટૅરિફ હજુ પણ લાગુ રહેશે તેથી ભારતને મોટો ફાયદો નથી. 


સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રેસિપ્રોકલ ટૅરિફ અને સ્પેશિયલ ટૅરિફ એ બેને ગેરકાયદેસર ગણાવાયા છે.  ટ્રમ્પનું કહેવું હતું કે, અમેરિકા જેવા સાથે તેવા થઈને જે દેશ અમેરિકાના માલ પર જેટલો ટૅરિફ લગાવે છે તેટલો ટૅરિફ હવે અમેરિકા તેમના માલ પર વસૂલશે, તેમાં ભારત પર 26 ટકા, ચીન પર 34 ટકા એમ અલગ અલગ ટૅરિફ નક્કી કરવામાં આવ્યો હતો. 


સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી આ ટૅરિફ અમાન્ય થઈ ગયા છે પણ ગ્લોબલ ટૅરિફ 15 ટકા આવી જતાં બધા દેશો પર 15 ટકા ટૅરિફ લાગશે. આ સંજોગોમાં જે દેશ સસ્તો માલ આપી શકશે એ અમેરિકામાં માલ વેચી શકશે. અમેરિકા સાથેના ટ્રેડ ડીલની શરતો પ્રમાણે ભારત પરનો ટૅરિફ 18 ટકા થઈ જવાનો હતો પણ હવે ભારત પર પણ 15 ટકા ટૅરિફ જ લાગશે તેથી  ટૅરિફમાં ભલે ઘટાડો થયો પણ સ્પર્ધા વધી ગઈ કેમ કે દુનિયાના બધા દેશો પર 15 ટકા જ ટૅરિફ લાગવાનો છે. આ સંજોગોમાં ટ્રેડ ડીલનો કોઈ ફાયદો આપણને નહીં મળે. 


સામે આપણે અમેરિકાના માલ પર ટૅરિફ ઘટાડીશું એ જોતાં ટ્રેડ ડીલ કરવામાં ઉતાવળ થઈ ગઈ હોય એવું લાગે છે. ટ્રમ્પને અંદાજ આવી ગયો હશે તેથી દબાણ કરીને ભારતને ટ્રેડ ડીલ કરવા તૈયાર કરીને અમેરિકાનો ફાયદો કરાવી લીધો અને ભારતને બનાવી ગયા. ટ્રમ્પના દોસ્તોને આ ચાલ સમજાઈ જ નહીં. 


ટ્રમ્પે કેનેડા, ચીન અને મેક્સિકોથી આવતા કેટલાક સામાન પર 25 ટકા સ્પેશિયલ ટૅરિફ લગાવી હતી. ટ્રમ્પનું કહેવું છે કે આ દેશોએ અમેરિકામાં ફેન્ટેનાઇલ ઘુસાડીને ડ્રગ્સનો કારોબાર કરાય છે તેને રોકવા માટે પૂરતા પગલાં લીધાં નથી. કોર્ટના નિર્ણયે આ 25 ટકા ટૅરિફને પણ રદ કરી દીધો છે તેથી સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેનેડા, ચીન, મેક્સિકો સહિતના દેશો વધારે ફાયદામાં છે.