Wed Jun 17 2026

Logo

મેલ મેટર્સઃ સમાનતાના આયનામાં ઘરેલુ વિખવાદો ને ભાષાકીય મર્યાદા

2026-05-14 10:15:00
Author: Ankit Desai
Article Image

અંકિત દેસાઈ

‘ફેમિનિઝમ’ એટલે કે સ્ત્રીવાદ એ મૂળભૂત રીતે સમાન અધિકારો, સન્માન અને સ્ત્રીઓને પિતૃસત્તાક જડતામાંથી મુક્ત કરવાની વિચારધારા છે. દાયકાઓથી પુરુષ દ્વારા સ્ત્રી વિશે કંઈપણ કહેવામાં આવે ત્યારે તેને ફેમિનિઝમના દૃષ્ટિકોણથી તુરંત મૂલવવામાં આવે છે, જે યોગ્ય પણ છે કારણ કે ભાષા એ વિચારધારાનું પ્રતિબિંબ છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ મહત્ત્વની છે, જેની ચર્ચા ઘણીવાર સંકોચવશ કરવામાં આવતી નથી.

જ્યારે ઘરેલુ ઝઘડાઓ દરમિયાન કોઈ સ્ત્રી દ્વારા પુરુષના પરિવારની સ્ત્રીઓને, જેમ કે તેની માતા કે બહેનને, અભદ્ર ગાળો આપવામાં આવે અથવા તેમના વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવે  ત્યારે શું તેને ફેમિનિસ્ટિક પર્સપેક્ટિવથી નારીવાદી દૃષ્ટિકોણથી જોવું જોઈએ? આનો ઉત્તર ‘હા’માં છે, કારણ કે સાચો સ્ત્રીવાદ માત્ર સ્ત્રીને પુરુષ સામે રક્ષણ નથી આપતો, પરંતુ તે સ્ત્રી દ્વારા બીજી સ્ત્રીના સન્માનની પણ અપેક્ષા રાખે છે.

પરંપરાગત રીતે ફેમિનિઝમને આપણે ઘણીવાર માત્ર ‘પરુષ વિરુદ્ધ સ્ત્રી’ના સંઘર્ષ તરીકે જોઈએ છીએ, જે એક અધૂરી સમજ છે. ખરેખર તો, સ્ત્રીવાદનો હાર્દ માનવીય ગરિમા છે. જ્યારે કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને ગાળો આપે છે, ત્યારે તે અજાણતામાં એ જ પિતૃસત્તાક ભાષાનો ઉપયોગ કરી રહી હોય છે જેનો શિકાર તે પોતે પણ બની શકે છે. ગાળો મોટાભાગે સ્ત્રીના ચરિત્ર કે તેના અંગો પર કેન્દ્રિત હોય છે. જો એક સ્ત્રી બીજી સ્ત્રી માટે આવી ભાષા વાપરે, તો તે પરોક્ષ રીતે તે જ વિચારધારાને મજબૂત કરે છે જે સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોવાને બદલે માત્ર એક ‘વસ્તુ’ કે ‘લક્ષ્ય’ તરીકે જુએ છે. 

ઘરેલુ ઝગડાઓમાં લાગણીશીલ આવેગ હોઈ શકે છે, પરંતુ અપમાનની ભાષા ક્યારેય સશક્તીકરણ નું પ્રતીક બની શકતી નથી. સ્ત્રીવાદનો ઉદ્દેશ્ય સ્ત્રીઓને સત્તા આપવાનો છે, પરંતુ તે સત્તા અન્ય સ્ત્રીઓને માનસિક કે ભાષાકીય રીતે કચડવા માટે નથી.

ઘણીવાર એવું જોવા મળે છે કે સામાજિક પરિવેશમાં પુરુષના પરિવારને ગાળો દેવી એ એક પ્રકારનો ’પાવર પ્લે’ બની જાય છે. જ્યારે ઝગડો પતિ-પત્ની વચ્ચે હોય ત્યારે પત્ની એની  સાસુ કે નણંદ પર અપશબ્દોનો મારો ચલાવે, ત્યારે તે વ્યક્તિગત આક્રોશ કરતા સામાજિક દૂષણ વધુ લાગે છે. અહીં ફેમિનિઝમનો દૃષ્ટિકોણ એટલા માટે જરૂરી છે કે આપણે એ સમજવું જોઈએ કે સ્ત્રી હોવાને નાતે અન્ય સ્ત્રીની ગરિમા જાળવવી એ નૈતિક જવાબદારી છે. 

જો આપણે પુરુષો પાસેથી એવી અપેક્ષા રાખતા હોઈએ કે તેઓ સ્ત્રીલક્ષી અપમાનજનક શબ્દો ન બોલે, તો તે જ માપદંડ સ્ત્રીઓ માટે પણ હોવો જોઈએ. સમાનતાનો અર્થ જ એ છે કે નૈતિકતાનાં ધોરણો બંને પક્ષે સરખા હોય. જો સ્ત્રીવાદ સ્ત્રીને અન્યાય સામે અવાજ ઉઠાવતા શીખવે છે, તો તે એ પણ શીખવે છે કે તમારો અવાજ બીજી સ્ત્રીને અન્યાય કરતો ન હોવો જોઈએ.

સમાજશાસ્ત્રીય રીતે જોઈએ તો સ્ત્રી જ્યારે બીજી સ્ત્રી માટે ગાળો વાપરે છે ત્યારે તે ‘ઇન્ટર્નલાઇઝ્ડ મિસોજીની’ એટલે કે આંતરિક સ્ત્રી-દ્વેષનો પુરાવો છે. વર્ષોથી સમાજે સ્ત્રીઓને એકબીજીની હરીફ તરીકે જોવાનું શીખવ્યું છે. 

સાસુ-વહુ કે નણંદ-ભોજાઈના ઝગડાઓને હંમેશાં મનોરંજન કે સ્વાભાવિક ગણવામાં આવ્યા છે, પરંતુ ગંભીરતાથી વિચારીએ તો આ એક વ્યવસ્થિત પદ્ધતિ છે જેનાથી સ્ત્રીઓ ક્યારેય એક થઈ ન શકે. જ્યારે કોઈ સ્ત્રી પોતાની ભાષામાં સંયમ ગુમાવીને પરિવારની અન્ય સ્ત્રીઓને નિશાન બનાવે છે, ત્યારે તે ખરેખર તો સ્ત્રીવાદના પાયાના સિદ્ધાંત ’સિસ્ટરહુડ’ (ભગિનીભાવ)ને તોડે છે. સ્ત્રીવાદ એટલે માત્ર પુરુષોના વર્તનનું વિશ્લેષણ કરવું એટલું જ નહીં, પરંતુ સ્ત્રીઓના વર્તનમાં રહેલી ખામીઓને પણ સુધારવી.

ઘરેલુ હિંસા કે માનસિક ત્રાસ માત્ર પુરુષ દ્વારા જ થાય તેવું નથી. જ્યારે કોઈ સ્ત્રી શબ્દો દ્વારા અન્ય સ્ત્રીનું માનસિક શોષણ કરે છે  ત્યારે તેને પણ સ્ત્રીવાદી દૃષ્ટિકોણથી સખત રીતે વખોડવું જોઈએ. ઘણીવાર એવું બને છે કે સ્ત્રી પોતે પીડિત હોય ત્યારે તે પોતાના આક્રોશને કાઢવા માટે નબળાં પાત્રો અથવા સામાજિક રીતે સંકળાયેલાં પાત્રોને નિશાન બનાવે છે. પરંતુ ભાષાની શુદ્ધતા એ સંસ્કારિતાની સાથે સાથે માનવાધિકારનો પણ વિષય છે. જો સ્ત્રીવાદ સ્ત્રીને ‘વ્યક્તિ’ તરીકે ઓળખ અપાવવા માગતો હોય, તો ગાળો ભાંડતી સ્ત્રી પોતે જ બીજી સ્ત્રીને ‘વ્યક્તિ’ તરીકે જોવાનું બંધ કરી દે છે. આ એક વિરોધાભાસી સ્થિતિ છે જે સ્ત્રીવાદી ચળવળને નબળી પાડે છે.

આજના યુગમાં જ્યારે આપણે ‘જેન્ડર ન્યુટ્રલ’ સમાજની વાતો કરીએ છીએ ત્યારે નૈતિક જવાબદારી ઓ પણ જેન્ડર ન્યુટ્રલ હોવી જોઈએ. જો પુરુષ દ્વારા સ્ત્રીને અપાતી ગાળ એ ફેમિનિઝમ ના નામે અપરાધ ગણાય, તો સ્ત્રી દ્વારા અપાતી ગાળને ‘ગુસ્સો’ કે ‘લાચારી’ કહીને નકારી ન શકાય. ન્યાય અને સન્માનની લડાઈમાં કોઈ પણ લિંગને ગેરવર્તણૂક કરવાની છૂટ ન હોઈ શકે. સ્ત્રીઓએ એ સમજવું પડશે કે પિતૃસત્તા સામેની લડાઈ માત્ર પુરુષો સામેની લડાઈ નથી, પણ એ માનસિકતા સામેની લડાઈ છે જે સ્ત્રીને ગૌણ ગણે છે. અને જ્યારે સ્ત્રી બીજી સ્ત્રીને ગાળ આપે છે, ત્યારે તે એ જ માનસિકતાના પક્ષમાં ઊભી રહી જાય છે.

ઘરેલુ ઝઘડામાં વાપરવામાં આવતી ભાષા અને વર્તન ચોક્કસપણે ફેમિનિસ્ટિક પર્સપેક્ટિવથી તપાસવા જોઈએ. સ્ત્રીવાદનો અર્થ એ નથી કે સ્ત્રી જે કંઈ કરે તે સાચું જ હોય. સાચો સ્ત્રીવાદ એ છે જે સ્ત્રીને તેના અધિકારો પ્રત્યે જાગૃત કરે અને સાથે જ તેને જવાબદારી અને ગરિમાનું ભાન કરાવે. સ્ત્રી સશક્તીકરણનો માર્ગ બીજી સ્ત્રીઓના અપમાનમાંથી પસાર નથી થતો. 

જો આપણે એક એવા સમાજનું નિર્માણ કરવું હોય જ્યાં સ્ત્રીઓ સુરક્ષિત અને સન્માનિત અનુભવે, તો તેની શરૂઆત સ્ત્રીઓએ અંદરોઅંદરની ભાષા અને વ્યવહાર સુધારવાથી કરવી પડશે. કોઈ પણ સંજોગોમાં, ગમે તેવા મોટા ઝગડામાં પણ, અન્ય સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડવી એ સ્ત્રીવાદના આદર્શોની વિરુદ્ધ છે. સમાનતા એટલે માત્ર હક નહીં, પણ સન્માન આપવાની અને જાળવવાની સમાન ક્ષમતા. સ્ત્રી દ્વારા સ્ત્રી પ્રત્યેની ભાષાકીય હિંસા એ સ્ત્રીવાદના મુખવટા નીચે છુપાયેલી એક કડવી વાસ્તવિકતા છે, જેને બદલવી અનિવાર્ય છે.