નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના અંતિમ દિવસે લોકસભાની કામગીરી ભારે હોબાળા વચ્ચે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ વંદે માતરમ સાથે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી. જોકે, સત્ર સમાપ્ત થયા બાદ સ્પીકરની ચેમ્બરમાં યોજાયેલી પરંપરાગત 'ટી-પાર્ટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટી પાર્ટીએ અત્યારે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
વિપક્ષના બહિષ્કાર વચ્ચે કનિમોઝીની હાજરીએ ચોંકાવ્યાં
અત્રે નોંધનીય છે કે, દર વખતે સંસદ સત્ર પૂરું થયા પછી લોકસભા અધ્યક્ષ તમામ પક્ષોના ફ્લોર લીડર્સ માટે ટી-પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત આખા વિપક્ષી ગઠબંધને આ બેઠકનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. પરંતુ, શાસક પક્ષમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરી વચ્ચે વિપક્ષી ખેમામાંથી માત્ર ડીએમકે (DMK)ના વરિષ્ઠ સાંસદ એમ. કે. કનિમોઝી આ ટી-પાર્ટીમાં હાજર રહ્યા હતા. કનિમોઝીની હાજરીએ અનેક પ્રકારની અટકળો શરૂ કરી દીધી છે.
હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે ગયા વર્ષે તો ડીએમકે પણ વિપક્ષના બહિષ્કારનો ભાગ હતું, પરંતુ આ વખતે કનિમોઝીની હાજરીથી નવા સત્તાકીય સમીકરણોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આખરે શા માટે ડીએમકેએ વિપક્ષની પાર્ટીથી અલગ થઈને ટી પાર્ટીમાં હાજરી આપી હશે? તેવો પ્રશ્ન અત્યારે બધાને થઈ રહ્યો છે.
તમિલનાડુમાં બદલાતા રાજકીય સમીકરણો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પછી બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓમાં DMK અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. દક્ષિણના સુપરસ્ટાર થલપતિ વિજયની પાર્ટી TVK સાથે કોંગ્રેસની વધી રહેલી નિકટતા બાદ DMK એ સંસદમાં કોંગ્રેસથી અલગ બેસવાની માંગ પણ કરી હતી. આ સંજોગોમાં કનિમોઝીનું પીએમ મોદી અને અમિત શાહ સાથે એક જ ટેબલ પર બેસવું એ સંકેત આપે છે કે ડીએમકે હવે કોંગ્રેસથી અંતર બનાવીને સત્તાપક્ષ સાથે જોડાઈ શકે છે.
સીમાંકન બિલ માટે DMKના 22 સાંસદનો ટેકો મહત્ત્વનો
મોદી સરકાર માટે આગામી સમયમાં બંધારણીય સુધારા દ્વારા 'સીમાંકન બિલ' અને મહિલા અનામત જેવા મહત્વના વિધેયકો પસાર કરાવવા માટે બે તૃતિયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર છે, જેના માટે ડીએમકેનો સાથ જરૂરી માનવામાં આવી રહ્યો છે. હાલમાં લોકસભામાં એનડીએ અને તેના સહયોગીઓ મળીને આશરે 332 સભ્યનું સમર્થન ધરાવે છે. બે તૃતિયાંશ બહુમતી સુધી પહોંચાડવા માટે સરકારને વધુ 28 સાંસદના સમર્થનની જરૂર છે. એટલે ડીએમકે પાસે લોકસભામાં જે 22 સાંસદ છે, તેની પર સત્તાપક્ષની નજર છે.
કનિમોઝીની આ મુલાકાત કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
જો DMK આ બિલ પર સરકારને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સમર્થન આપે છે, તો મોદી સરકાર માટે આ મહત્વકાંક્ષી બિલ પસાર કરાવવાનો રસ્તો અત્યંત સરળ બની જશે. આ જ કારણસર કનિમોઝીની આ મુલાકાતને કેન્દ્ર સરકાર અને DMK વચ્ચેના 'રાજકીય સેતુ' તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ ડીએમકે સત્તાપક્ષ સાથે જોડાશે કે કેમ તે નક્કી નથી પરંતુ કોંગ્રેસ સાથે થયેલી ખટપટના આધારે એવું લાગી રહ્યું છે, એનડીએ સરકાર ડીએમકેને મનાવવામાં સફળ થઈ શકે છે.