Tue Jul 21 2026

Logo

તમિલનાડુમાં સીએમ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ DMK વિધાનસભ્યની ધરપકડ

2026-07-20 21:00:59
Author: Mumbai Samachar Team
Article Image

ANI


તુતિકોરિનઃ તમિલનાડુના મુખ્ય પ્રધાન સી. જોસેફ વિજય વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપસર વિપક્ષી ડીએમકેના વિધાનસભ્ય જી. વી. માર્કંડેયનની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીની પાર્ટી અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને સખત નિંદા કરી છે.

વિલાથિકુલમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં માર્કંડેયનની પોલીસ ટીમે તેમના ઘરેથી અટકાયત કરી હતી. આ દરમિયાન તેમના સમર્થકોએ પોલીસ કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ શાસક ટીવીકેના એક પદાધિકારીની ફરિયાદ બાદ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય પ્રધાનને ધમકી આપતા વિવાદાસ્પદ ભાષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે પોલીસે તમિલગા વેત્રી કઝગમ(ટીવીકે)ના પદાધિકારી પી. કાસીરામની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા(બીએનએસ)ની ત્રણ કલમો હેઠળ માર્કંડેયન વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. આ કલમો ગુનાહિત ધમકી, જાહેર શાંતિ ભંગ કરવાના ઇરાદાથી જાણીજોઇને અપમાન કરવું અને ખોટી માહિતી ફેલાવવા સાથે સંબંધિત છે.