Tue Oct 06 2026

Logo

દિવાળી ગિફ્ટ દેવાનો પ્લાન હોય તો ખરીદી શરૂ કરી દો, ભાવ વધારાના એંધાણ

2026-09-16 21:05:31
Author: Mumbai Samachar Team
દિવાળી ગિફ્ટ દેવાનો પ્લાન હોય તો ખરીદી શરૂ કરી દો, ભાવ વધારાના એંધાણ

દિલ્હીઃ ગણેશ ચતુર્થી આવતા જ દિવાળીના એંધાણ વર્તાય અને નોરતા પૂરા થતાની સાથે જ દિવાળીનું આગમન ફીલ થવા લાગે, પણ આ વર્ષે મોંઘવારીના તીવ્ર માર વચ્ચે દિવાળી પહેલા બજેટ ખોરવાઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે તો બીજી તરફ જીવનજરૂરી એવી તમામ ચીડવસ્તુઓ તથા એને સંલગ્ન કોમોડિટીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

તહેવારોની સીઝન શરૂ થઈ ચૂકી છે પણ પ્રાઈમટાઈમ દિવાળીની રોનક શરૂ થવાની બાકી છે ત્યારે દરેક વસ્તુની કિમતમાં નોંધપાત્ર વધારો ખિસ્સું વધારે ખાલી કરી શકે એમ છે. તહેવારના દિવસોમાં જેની માગ વધારે રહે છે એ વસ્તુઓના ભાવમાં પણ કમરતોડ ભાવ વધારો થયો છે, જે ભલભલા ધનિકને પણ ક્યાંક તો અસર કરી જ શકે છે. ગ્લાસવેર, ટેબલવેર અને અન્ય જીવનજરૂરી એવી વસ્તુઓની કિંમત દિવાળી પહેલા વધશે. 

ટકાવારી નાની પણ ભાવ મોટો

જે વસ્તુઓને ભેટમાં આપી શકાય એ ચીજવસ્તુઓના ભાવમાં ઓગસ્ટ મહિનામાં જ વધારો થયો હતો. એ પણ 5થી 7 ટકા,માત્ર ગિફ્ટનો સામાન જ નહી પણ બીજા કેટલાક ડિવાઈસ પણ મોંઘા થઈ રહ્યા છે. તમામ કંપનીઓ સેલનું મોટું માર્કેટ શરૂ કરે છે અને ડિસ્કાઉન્ટ સાથે વસ્તુઓ વેચે છે. પણ વધી રહેલા ભાવને ધ્યાને લેતા આ વખતે આવા સેલમાં કોમોડિટી ઓછી અને ડિસ્કાઉન્ટ નજીવું હોઈ શકે છે. છૂટ કે કમિશન માત્ર નામનું જ મળી રહેશે.

ફર્નિચરથી લઈને ફિનિશિંગ આઈટમ સુધીની એવી કોમોડિટી જેનો ઉપયોગ દૈનિક ધોરણે કરી શકાય એવામાં જાન્યુઆરી મહિનામાં જ 2 ટકાનો ભાવ વધારો થયો છે. જ્યારે ડૉમેસ્ટિક હોમ એપ્લાયન્સમાં પણ 2.40 ટકાનો ભાવ વધારો થયો છે. સામાન્ય પરિવાર દિવાળી પર કપડાં ખરીદવાનું પ્લાનિંગ કરતો હોય છે પણ આ વખતે લૂગડાં લેવા પણ મોંઘા સાબિત થશે. વર્ષની શરૂઆતમાં જ્યાં આ કોમોડિટીમાં 3 ટકાનો વધારો હતો એ હવે 4 ટકાની નજીક પહોંચ્યો છે. 

મોંઘવારીના માર વચ્ચે તહેવાર

જેનું સીધુ ગણિત એ છે કે, દિલ્હીમાં જે જીન્સ અને ટી-શર્ટની સારી ગુણવત્તાની જોડી ₹1200માં મળતી એના હવે ₹2000-2200 થયા છે. આ એડલ્ટ વેરની ગણતરી છે. આ સાથે ફુટવેર, એસેસરીઝ, થોડો-ઘણો મેકઅપનો સામાન જે જાન્યુઆરીમાં સસ્તો હતો એમાં હવે 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ ભાવ વધારો દિવાળી સુધીના સમયમાં યથાવત રહે એવું એટલા માટે કહી શકાય કારણ કે, ફરીવાર ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે અને દરેક સપ્લાય ચેઈનને અસર થાય એવું લાગી રહ્યું છે. ગિફ્ટના સામાનમાં આ વખતે મોટી બ્રેક લાગી શકે એમ છે. પણ મોંઘી ગિફ્ટ આપનારા 30 ટકા લોકોમાં એની ખાસ કોઈ અસર દેખાશે નહીં.ખાણી-પીણીની આઈટ્સમાં ભાવ વધારાની સીધી અસર જોવા મળશે.

ખાસ કરીને દૂધના ભાવમાં વધારો થતા મીઠાઈઓ મોંઘી થશે, પેકેડફૂડ પર પેટ્રોલ-ડીઝલના ભાવનો માર પડશે, આથી એ મોંઘી થશે, ડ્રાયફ્રૂટ અને બીજા સુકામેવાનો ભાવ તો અત્યારે પણ બોલાય એવો નથી ત્યારે આવનારા દિવસોમાં મિડલઈસ્ટમાં માહોલ શાંત ન થયો તો એ પણ કડવા થશે. બીજી બધી વસ્તુઓ કરતા ખાણી-પીણી માટે ખાસ બજેટનું આયોજન કરવું પડે એવી સ્થિતિ છે. મહાનગરથી લઈને નાના શહેર સુધી દિવાળીના શોપિંગ ડેઝ શરૂ થતા હોટેલ અને નાની રેસ્ટોરાંવાળા પણ ભાવમાં વધારો કરે એવા એંધાણ છે, કારણ કે ગેસ સિવાયની કાચી સામગ્રી મોંઘી પડતા હવે ફૂડ પણ મોંઘુ થશે.