Sat Sep 05 2026

Logo

મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો

2026-04-11 19:50:00
Author: Devayat Khatana
મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં ધરખમ વધારો

નવી દિલ્હી: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ગંભીર ઈંધણ સંકટ ઊભું થયું છે. આ સંકટને ખાળવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે, નાણા મંત્રાલય દ્વારા ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની નિકાસ જકાતમાં (Export Duty) મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડીઝલ પરની નિકાસ જકાત પ્રતિ લિટર રૂ. 21.5 થી વધારીને રૂ. 55.5 કરવામાં આવી છે, જ્યારે ATF પરની ડ્યુટી પ્રતિ લિટર રૂ. 29.5 થી વધારીને રૂ. 42 કરવામાં આવી છે. 

સરકારના આ પગલાનો મુખ્ય હેતુ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવની અસરથી સ્થાનિક બજારને બચાવવાનો છે. ખાસ કરીને હવાઈ ઈંધણ (ATF) પરની ડ્યુટી વધારીને સરકાર એરલાઈન્સ અને મુસાફરોને મોંઘા ભાડાથી સુરક્ષિત રાખવા માંગે છે. અગાઉ ૨૬ માર્ચના રોજ લાદવામાં આવેલી ડ્યુટીનો ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન સ્થાનિક સ્તરે ઈંધણની ઉપલબ્ધતા વધારવાનો અને નિકાસકારોને વૈશ્વિક ભાવ વધારાનો ગેરલાભ લેતા અટકાવવાનો હતો.

ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સૈન્ય હુમલા બાદ મધ્ય પૂર્વમાં ઉર્જા બજાર ખોરવાયું હતું અને તેલના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી. જોકે, ૮ એપ્રિલના રોજ ત્રણેય દેશો વચ્ચે બે અઠવાડિયાના કામચલાઉ યુદ્ધવિરામ પર સહમતિ સધાતા હાલ થોડી રાહત છે.