Sun Apr 12 2026

Logo

રિલીઝ પહેલા જ ધડાકો! 'ધુરંધર 2' ના પેઇડ પ્રિવ્યૂ માટે ચાહકોમાં ભારે ક્રેઝ, જાણો ટિકિટના ભાવ...

2026-03-07 16:18:40
Author: Tejas Soni
Article Image

Dhurandhar 2


મુંબઈ: આ વર્ષે ઈદના તહેવારને વધુ ખાસ બનાવવા માટે બોલીવુડના જાણીતા ડિરેક્ટર આદિત્ય ધર પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' સાથે તૈયાર છે. ફિલ્મનું જોરદાર ટ્રેલર રિલીઝ થતા જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે આ વખતે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા માટે ખાસ રણનીતિ બનાવી છે. ફિલ્મની ભવ્યતા અને એક્શન સિક્વન્સ જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ જૂના તમામ કમાણીના રેકોર્ડ્સને ધ્વસ્ત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ'ના ટ્રેલર સાથે જ એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે દર્શકો આ ફિલ્મને તેની ઓફિશિયલ રિલીઝના એક દિવસ પહેલા એટલે કે 18 માર્ચના રોજ પણ જોઈ શકશે. દેશભરમાં ફિલ્મના 'પેઈડ-પ્રિવ્યુ' શો રાખવામાં આવ્યા છે, જેથી 19 માર્ચના રોજ મુખ્ય રિલીઝના દિવસે ફિલ્મને જોરદાર બૂસ્ટ મળી શકે. ટિકિટ વિન્ડો ખુલતાની સાથે જ મુંબઈ, દિલ્હી-એનસીઆર અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં ટિકિટો બુક થવા લાગી છે. મુંબઈમાં સાંજથી મોડી રાત સુધીના શો રાખવામાં આવ્યા છે, જ્યારે લખનૌમાં પણ શોની સંખ્યા નોંધપાત્ર છે.

ટિકિટ બુકિંગ એપ્સ પર મળેલી માહિતી મુજબ, મોટાભાગના શહેરોમાં ટિકિટના ભાવ 290 થી 350 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે લક્ઝરી રેકલાઈનર સીટ્સ માટે આ કિંમત 1400 થી 2500 રૂપિયા સુધી પહોંચી છે. દિલ્હીમાં ટિકિટના ભાવ સૌથી વધુ જોવા મળ્યા છે. 'બુક માય શો' પર ટિકિટ લાઈવ થતાની સાથે જ માત્ર એક કલાકમાં 5000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ હતી. પેઈડ પ્રિવ્યુ શો લગભગ અત્યારથી જ હાઉસફુલ તરફ જઈ રહ્યા છે, જે ફિલ્મ પ્રત્યેની દીવાનગી સાબિત કરે છે.

શું 'સ્ત્રી 2'નો રેકોર્ડ તૂટશે?

લગભગ 3 કલાક અને 55 મિનિટના રન-ટાઈમ ધરાવતી આ ફિલ્મ 'સ્ત્રી 2'ના પેઈડ પ્રિવ્યુ કલેક્શનના રેકોર્ડને નિશાન બનાવી રહી છે. વર્ષ 2024માં 'સ્ત્રી 2' એ રિલીઝ પહેલા જ 8-9 કરોડની કમાણી કરી હતી, ત્યારે 'ધુરંધર 2' આ આંકડાને સરળતાથી પાર કરી લેશે તેવી અપેક્ષા ટ્રેડ એનાલિસ્ટો લગાવી રહ્યા છે. જો પ્રી-રિલીઝ ક્રેઝ આવો જ રહ્યો, તો આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ શકે છે.