મુંબઈ: બોક્સ ઓફિસમાં જેણે તમામ રેકોર્ડ તોડીને ફિલ્મ જગતના ઈતિહાસમાં નવું પ્રકરણ ઉમેર્યુ છે, તે ફિલ્મ ધૂરંધર 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ધૂરંધરના પહેલા ભાગથી તેના બીજા ભાગને લઈ એટલો ઉત્સાહ જોવામ મળી રહ્યો હતો કે, તેની સામે બીજી કોઈ પણ ફિલ્મનું ટકવું મુશ્કેલ હતું. આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત થતાની સાથે જ અનેક મોટા પ્રોડક્શન હાઉસે પોતાના પગ પાછા ખેંચી લીધા હતા. આ ફિલ્મનો ક્રેઝ એટલો જબરદસ્ત છે કે એપ્રિલમાં રીલીઝ થનારી અડધો ડઝનથી વધુ ફિલ્મોએ હવે મે કે જૂન મહિનાની નવી તારીખો શોધવી પડી રહી છે.
બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા' અગાઉ 10 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની તારીખ લંબાવવામાં આવી છે. મેકર્સ ઈચ્છે છે કે ફિલ્મ કોઈ પણ મોટી સ્પર્ધા વગર શાંતિથી રિલીઝ થાય. બીજી તરફ સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ' પણ 17 એપ્રિલના બદલે હવે 15 મેના રોજ રિલીઝ થાય તેવી શક્યતા છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મમાં મહત્વનો રોલ ભજવનાર અભિનેતા પ્રશાંતના નિધન બાદ શૂટિંગ બાકી હોવાથી આ નિર્ણય લેવાયો છે.
સાઉથની ફિલ્મો પર પણ 'ધુરંધર'ની અસર
માત્ર બોલીવુડ જ નહીં, પણ સાઉથ સિનેમાના દિગ્ગજ સ્ટાર્સ મોહનલાલ અને મમૂટીની ફિલ્મ 'પેટ્રિઓટ'નું પણ રિલીઝ ટાળવામાં આવ્યું છે. અગાઉ 23 એપ્રિલે આવનારી આ ફિલ્મ હવે 1 મેના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત 'દ્રશ્યમ 3' અને 'પેદ્દી' જેવી મોટી ફિલ્મોના મેકર્સ પણ પોતાની રિલીઝ ડેટમાં ફેરફાર કરી રહ્યા છે, જેથી 'ધુરંધર 2'ના વાવાઝોડાથી બચી શકાય અને ફિલ્મને પૂરતી સ્ક્રીન્સ મળી રહે.
ઉલ્લેખનીય છે કે 'ધુરંધર 2' સાથે ટકરાવ ટાળવાની શરૂઆત સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' થી થઈ હતી. પહેલા આ બંને ફિલ્મો 19 માર્ચે જ રિલીઝ થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ ઈરાન-ઈઝરાયલ યુદ્ધનું કારણ આપીને 'ટોક્સિક'ની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ 4 જૂન 2026 ના રોજ રિલીઝ થશે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે હાલમાં બોક્સ ઓફિસ પર માત્ર એક જ નામ ગુંજી રહ્યું છે અને તે છે 'ધુરંધર 2'.