નવી દિલ્હીઃ ફિલ્મ 'ધુરંધર-2'ની સફળતા પર સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કલાકારો ફિલ્મનિર્માતા આદિત્ય ધરની પીઠ થાબડી ચૂક્યા છે. અંડરવર્લ્ડથી લઈને સરકારની પોલિસી અંગે પણ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સૌથી મોટો દાવો તો સરકારે કરેલી નોટબંધીને લઈ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહી છે નોટબંધી ત્યારે આ મુદ્દે જાણીતા ફિલ્મી કલાકાર અને સાંસદ રવિ કિશનએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
ધુરંધર-ટૂ ફિલ્મ અંગે દુનિયાભરમાંથી લોકોની પ્રશંસા કરવામાં આવે છે, ત્યારે એની યાદીમાં ઉત્તર પ્રદેશ (યુપી)ના નેતા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ રવિ કિશને ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. 'ધુરંધર-2' ફિલ્મે સમગ્ર દુનિયામાં ડંકો વગાડી દીધો છે. સ્ટોરીથી લઈને એક્શન સુધી અને નાનામાં નાની વિગતથી લઈને કેરેક્ટર સુધી દરેક પોઈન્ટથી ફિલ્મ દર્શકોના મનમાં છવાઈ ચૂકી છે.
કમાણીના મામલે ઈતિહાસ
બોક્સ ઓફિસ પર કમાણીના મામલે પણ ફિલ્મે ઈતિહાસ બનાવી દીધો છે. ટૂંકા સમયમાં 1000 કરોડની કમાણી કરનારી આ પહેલી ભારતીય ફિલ્મ બની છે. માત્ર સાત દિવસમાં ફિલ્મે આ આંકડો પાર કરી લીધો. ફિલ્મનું સમર્થન આપનારા ફેન્સ સોશિયલ મીડિયા પર જોરશોરથી ફિલ્મના વખાણ કરી રહ્યા છે. દર્શકોને પસંદ આવતા સીન, વ્યૂ, કે સેટથી લઈને સંવાદ સુધી એક માહોલ 'ધુરંધર-2'નો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિ કિશને નોટબંધીને લઈને વાત કરી છે, ફિલ્મના એક સીનમાં નોટબંધીનો વિડિયો પણ દેખાડવામાં આવે છે.
ફિલ્મે હકીકત દેખાડી દીધી
રવિ કિશને કહ્યું હતું કે, આ ફિલ્મે લોકોને હકીકતથી વાકેફ કરી દીધા. નોટબંધી શા માટે કરવામાં આવી હતી એનો જવાબ લોકોને આ ફિલ્મમાંથી મળ્યો છે. આ ફિલ્મ ખરેખર સમાજ માટે અરીસો છે, જ્યારે સંસદ પર હુમલો થયો એ સમયે કોઈ કેમ ન બોલ્યું? અતિક અહેમદ પર અનેક એવા કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે. હવે લોકો નિવેદનબાજી કરી રહ્યા છે. સિનેમા સમાજનો અરીસો છે, જે સમાજમાં બને છે એના પરથી જ ફિલ્મો બને છે. 'ધુરંધર-2' ચાલી ગઈ અને આ તો લોકતંત્ર છે. ફિલ્મમાં ભારતની વિરુદ્ધ જે થયું એના વિશે કેમ કોઈ બોલ્યું નહીં.?
આખા દેશને ખબર છે
નોટબંધીને લઈને વાત કરતા એક્ટર-નેતાએ કહ્યું કે, નોટબંધની આખા દેશને ખબર છે. નોટબંધી શા માટે કરવામાં આવી? એ હવે ખ્યાલ આવી ગયો હશે લોકોને. એ સમયે વડા પ્રધાન મોદીને લોકો કેટકેટલુંય બોલી રહ્યા હતા. આજે ખ્યાલ આવ્યો હશે કે, નોટબંધ પાછળ કેવું કાવતરૂ ઘડાયું હશે? દેશમાં અને દેશની વિરૂદ્ધમાં? મારી તો સિનેમાને અપીલ છે કે, આવી ફિલ્મો બનાવો અને આવી ફિલ્મો બનવી જ જોઈએ.
આવી ફિલ્મો બનાવવાનો સમય હવે આવી ચૂક્યો છે. જેમાં હકીકત દેખાડવામાં આવતી હોય. આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના માફિયા અતિક અહેમદનું પાકિસ્તાન સાથેનું ક્નેક્શન બતાવાયું છે. ફિલ્મમાં નકલી નોટનો કેવો અને કેવડો કારોબાર હતો એ પણ દર્શાવાયું છે.