Sun Jul 26 2026

Logo

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, Gen-Z ની પ્રચંડ જીત

2026-07-25 14:41:00
Author: Mumbai Samachar Team
Article Image

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. નીટ પેપર લીક વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન વચ્ચે તેમણે એક  મોટો નિર્ણય લીધો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઇને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી દળો પણ પ્રધાનનું રાજીનામું  માંગી રહ્યા હતા.

પ્રધાને લખ્યું કે પત્રમાં લખ્યા મુજબ મેં પ્રથમ દિવસથી જ આ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી લીધી હતી અને ક્યારેય પીછેહઠ કરી નથી. અમારો દ્રઢ સંકલ્પ છે કે પરીક્ષા માફિયાના કારણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવા દઈશું નહીં અને કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય થવા દઈશું નહીં.

તેમણે લખ્યું કે 16 જુલાઈના રોજ જાહેર થયેલા NEET-UGના પરિણામો સંતોષજનક રહ્યા હતા, જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવતા અનેક મેધાવી વિદ્યાર્થીઓને પણ સફળતા મળી છે.

દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય અને બાળકો પોતાનો સમય ભણતરમાં અને કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તે માટે તેમણે રાજીનામું સોંપવાનો નિર્ણય કર્યો છે.

પત્રના અંતમાં તેમણે પ્રધાનમંત્રીના માર્ગદર્શન, સહયોગીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની સેવા માટે પોતાને સમર્પિત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

છેલ્લા 10 દિવસના ઘટનાક્રમથી મન દુઃખી 

ધર્મેન્દ્ર પ્રધાને પોતે દુઃખી હોવાની વાત પણ કહી. પ્રધાને લખ્યું, 'હું હંમેશાં પ્રજાતંત્રની શક્તિમાં અતૂટ વિશ્વાસ રાખનારો રહ્યો છું તથા યુવાનોની આકાંક્ષાઓ, સપનાઓ અને અપેક્ષાઓનું ઊંડાણપૂર્વક સન્માન કરતો આવ્યો છું. તેઓ માત્ર ભારતનું ભવિષ્ય જ નથી પરંતુ એક નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પકાર પણ છે. છેલ્લા 10 દિવસનો ઘટનાક્રમ જોઈને મારું મન દુઃખી છે.'