Fri Apr 17 2026

Logo

યે કૈસી અજબ દાસ્તાં હો ગઇ... સુરૈયા = ગ્રેગરી પેક + દેવ આનંદ

2026-02-27 09:49:00
Author: Mumbaisamachar Team
Article Image

 

સ્ટાર-યાર-કલાકાર -સંજય છેલ 

દેવ આનંદ - સુરૈયા  

‘સુરૈયા ઊઠ, તારો પ્રિય હીરો ગ્રેગરી પેક મળવા આવ્યો છે!’ સુરૈયાના કાકાએ એને જગાડતા કહ્યું.

સુરૈયાને થયું કે કાકા મજાક કરી રહ્યા છે. હોલિવૂડ સ્ટાર ગ્રેગરી પેક મુંબઈમાં ને એના ઘરે..? એવી ઉત્સુકતા સાથે 

સુરૈયાએ ડ્રોઈંગ રૂમમાં જઈને જોયું તો ખરેખર ગ્રેગરી પેક ત્યાં હતો!

થયું એવું કે પ્રખ્યાત હોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર ફ્રેન્ક કાપ્રા ભારત આવેલા. એ સુરૈયા સહિત ઘણાં બોલિવૂડ કલાકારોને મળ્યા. સુરૈયા જાણતી હતી કે કાપ્રા અને ગ્રેગરી એકબીજાને ઓળખે છે. સુરૈયાએ ગ્રેગરી પેક માટે એક ઍવૉર્ડ માટે અભિનંદન પાઠવતો લેટર અને પોતાનો સુંદર ફોટોગ્રાફ ફ્રેન્ક કાપ્રા સાથે મોકલ્યો. કાપ્રાએ યુ.એસ. જઈને એ પરબીડિયું ગ્રેગરી પેકને આપ્યું. ત્યાર બાદ ગ્રેગરી પેકને શૂટિંગ માટે શ્રીલંકા જવાનું હતું. શ્રીલંકા જતાં પહેલા ગ્રેગરી પેક મુંબઈમાં રોકાયા. મુંબઈની જે હોટેલમાં ગ્રેગરી પેક રોકાયો હતો ત્યાં સુરૈયાના કાકા- 

અભિનેતા એમ.ઝહૂરે એને જોયો. એમણે   ગ્રેગરીને કહ્યું, ‘મારી ભત્રીજી તમારી ખૂબ મોટી ચાહક છે. એ પણ બોલિવૂડની મોટી અભિનેત્રી છે.’

‘નામ શું છે?’

‘સુરૈયા.’

ગ્રેગરી પેકને, કાપ્રાએ આપેલ પત્ર યાદ આવ્યો. ગ્રેગરી પેક સુરૈયાને મળવા તૈયાર થઇ ગયા. સુરૈયા તો ગ્રેગરી પેકને જોઈને અવાક્! ગ્રેગરી પેક પણ સુરૈયાને જોતો જ રહ્યો, એના માનવામાં નહોતું આવતું કે આટલી નાની છોકરી ફિલ્મોમાં મુખ્ય હીરોઈનનું કામ કેવી રીતે નિભાવી શકે? ને પાછી આટલી વિખ્યાત પણ હોય! બેઉએ કલાકો સુધી વાતો કરી. સુરૈયાના ચાહકો ઘણા હતા, પણ સુરૈયા ગ્રેગરી પેકને ચાહતી હતી અને એટલે જ ભારતીય ગ્રેગરી પેક દેવ આનંદ સુરૈયાને ખૂબ ગમતા.

સુરૈયા અને દેવ આનંદ ‘વિદ્યા’ (1948) ફિલ્મના શૂટિંગમાં પહેલીવાર મળ્યાં. એમાં એક બોટીંગના સીનમાં બોટ પલટી ગઈ. સુરૈયાને તરતા આવડતું નહોતું, પણ દેવ આનંદે પાણીમાં કૂદીને સુરૈયાને બચાવી લીધી. ત્યારથી બંને વચ્ચે રોમાન્સ શરૂ થયો.

‘જીત’, ‘શાયર’, ‘અફસર’ ફિલ્મોના સેટ પર દેવ સુરૈયાનો ઇશ્ક પરવાન પર પહોંચ્યો. દેવ આનંદે સુરૈયાને કિંમતી હીરાની વીંટી આપીને પ્રપોઝ કર્યું. સુરૈયાએ હા પાડી પણ સુરૈયા, રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવતી હતી. સુરૈયાની દાદીનો એની કારકિર્દી ને અંગત જીવન પર કંટ્રોલ હતો. ત્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા થયા હતા. સાંપ્રદાયિક હિંસાના ઘા તાજા હતા. સુરૈયાની દાદીએ હિંદુ દેવ સાથે લગ્ન માટે ચોખ્ખી ના પડી દીધી. કહેવાય છે કે સુરૈયાની દાદીએ સગાઈની વીંટી દરિયામાં ફગાવી દીધેલી.

એ પછી સુરૈયાને ભાગીને લગ્ન કરવાં માટે પણ દેવ આનંદે પણ કહ્યું હતું પણ સુરૈયામાં દાદી ખિલાફ જવાની હિમ્મત 

નહોતી. સુરૈયા-દેવ આનંદની છેલ્લી ફિલ્મ ‘દો સિતારે’ હતી. દેવ આનંદે પોતાની આત્મકથામાં લખ્યું છે કે જ્યારે એ બંને અલગ થયાં ત્યારે સુરૈયા ખૂબ રડી પણ એ સંજોગો સામે લડી નહીં. એ પછી સુરૈયાએ આજન્મ લગ્ન કર્યા નહીં. આ બાજુ, ‘મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’ ફિલોસોફીવાળા દેવ, કેરિયરમાં આગળ વધ્યા. નવકેતન ફિલ્મ્સની સ્થાપના કરી ને બોલિવૂડના સદાબહાર રોમેન્ટિક હીરો બન્યા. 1954માં દેવ આનંદે ‘બાઝી’ અને ‘ટેક્સી ડ્રાઈવર’ ફિલ્મની સહ-અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધાં. વર્ષો પછી દેવ આનંદ ને સુરૈયા એકાદ બે જાહેર કાર્યક્રમો અને ઍવૉર્ડ સમારોહમાં મળ્યાં, પણ ત્યાં સુધીમાં પ્રેમ ભૂતકાળની યાદો બની ગઈ હતી.

દેવ આનંદ સુરૈયા વિશે હંમેશાં પ્રેમથી વાત કરતા, મનમાં ક્યારેય કડવાશ ના રાખી. સુરૈયા પણ નજીકના મિત્રોને કહેતી કે એણે ફક્ત એક જ વાર પ્રેમ કર્યો હતો જે અધૂરો રહી ગયો! ખરેખર તો દેવ પણ સુરૈયાના બ્રેકઅપ બાદ તૂટી ગયેલા અને આજીવન સુરૈયાને ચાહતા રહ્યા.

સુરૈયા જમાલ શેખનો જન્મ 15 જૂન, 1929ના રોજ લાહોરમાં થયેલો. નાનપણમાં જ કાકા ઝહૂર સાથે મુંબઈ આવી હતી. સુરૈયાએ ઓલ ઈન્ડિયા રેડિયોના બાળ કાર્યક્રમમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. એની પહેલી ફિલ્મ ‘તાજમહલ’ (1941) હતી’. તે સમયના ઊભરતા સંગીત દિગ્દર્શક નૌશાદે સુરૈયાની ગાયકી પ્રતિભાને ઓળખી અને ફિલ્મ ‘શારદા’નું સદાબહાર ગીત ‘પંછી જા, પીછે રહા હૈ બચપન મેરા’ ગાવાની તક આપી. ત્યારે સુરૈયા માત્ર 12 વર્ષની હતી ને માઇક્રોફોન સુધી પહોંચવા સ્ટૂલ પર ઉભા રહેવું પડતું હતું. એ પછી તો  સુરૈયાએ સુપ્રસિદ્ધ ગાયક અને સુપરસ્ટાર, કે.એલ. સાયગલ સાથે સતત ત્રણ ફિલ્મો- ‘તડભિર’, ‘ઓમર ખય્યામ’ ને ‘પરવાના’માં એમની હીરોઈન તરીકે કામ કર્યું હતું. કે.એલ. સાયગલની ભલામણ પર જ સુરૈયાને મેઇન હીરોઇન તરીકે ફિલ્મો મળી.

ભારત-પાક ભાગલા પછી, નૂરજહાં અને ખુર્શીદ પાકિસ્તાન ગયાં, પણ સુરૈયા ભારતમાં જ રહી એટલે સુરૈયાની લોકપ્રિયતામાં ઉછાળ આવેલો.

‘પ્યાર કી જીત’ (1948), ‘બડી બહેન’ (1949) અને ‘દિલ્લગી’ (1949) એની સતત ત્રણ સૌથી મોટી હિટ ફિલ્મો હતી. પહેલી બે ફિલ્મોનું સંગીત હુસ્નલાલ ભગતરામનું અને ‘દિલ્લગી’નું સંગીત નૌશાદે આપ્યું હતું. આજે પણ, આ ફિલ્મોનાં સદાબહાર ગીતો, જેમ કે ‘ઓહ દૂર જાનેવાલે’, ‘વો પાસ રહે યા દૂર’, ‘તેરે નૈનો ને ચોરી કિયા’, અને ‘તુ મેરા ચાંદ મેં તેરી ચાંદની’ સુપરહિટ છે.

1950ના દાયકામાં સુરૈયાની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી. 1954માં સોહરાબ મોદીએ બનાવેલ ‘મિર્ઝા ગાલિબ’થી ફિલ્મોમાં વાપસી કરી. ફિલ્મની જબરદસ્ત સફળતાએ સુરૈયાને ફરી એક નવી ઊંચાઇએ પહોંચાડી.  રાષ્ટ્રપતિ ઍવૉર્ડ મેળવનાર ‘મિર્ઝા ગાલિબ’ પહેલી ફિલ્મ હતી. વડા પ્રધાન નેહરુ પણ એ સમારોહમાં હાજર હતા ને સુરૈયાને કહેલું : ‘તમે મિર્ઝા ગાલિબના આત્માને જીવંત કર્યો છે.’ પછી તો સુરૈયાએ ગાલિબની ગઝલો ‘યે ના થી હમારી કિસ્મત’, ‘આહ કો ચાહિયે’, ‘દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ’ને ગાઇને અમર બનાવી દીધી.

સુરૈયાની છેલ્લી ફિલ્મ પૃથ્વીરાજ કપૂર સાથે ‘રુસ્તમ સોહરાબ’ (1963) હતી જે ફ્લોપ સાબિત થઇ. એ પછી સુરૈયા ધીમે ધીમે ફિલ્મોથી દૂર થતી ગઈ. મરીન ડ્રાઇવના એપાર્ટમેન્ટમાં દેવની યાદો ને સંગીતમાં ઘેરાયેલી અંતિમ એકાકી આયખું વિતાવતી રહી. 31 જાન્યુ. 2004એ સુરૈયાનો સુરીલો સૂર ખામોશ થઈ ગયો. ‘રુસ્તમ સોહરાબ’ માટે સુરૈયાએ ગાયેલુ ‘યે કૈસી અજબ દાસ્તાન હો ગઈ હૈ’ જેવું સુરૈયાની કારકીર્દીનું શ્રેષ્ઠ ગીત જ એના આખરી ઉદાસ જીવનકાળનું સત્ય બની ગયું.