Mon Aug 31 2026

Logo

દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં નવો વળાંક, NIAએ 9 જગ્યાએ દરોડા પાડ્યા...

2026-03-23 21:55:20
Author: Vimal Prajapati
દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં નવો વળાંક, NIAએ 9 જગ્યાએ દરોડા પાડ્યા...

નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે NIA દ્વારા જમ્મુ-કાશ્મીરના 6 જિલ્લાઓમાં 9 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. આ રેડ દરમિયાન અનેક પ્રકારના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીથી મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ થશે તેવી શક્યતાઓ છે.  
 
જમ્મુ-કાશ્મીરના 6 જિલ્લાઓ NIAએ દરાડા પાડ્યાં

NIAએ શ્રીનગર, બારામુલા, જમ્મુ, કુલગામ, ગાંદરબલ અને હંદવાડા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યાં છે. આ દરમિયાન મોબાઇલ ફોન, ડિજિટલ ડિવાઇસ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા મળી આવ્યાં છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ પુરાવાઓથી નેટવર્ક, ફંડિંગ અને સંપર્કો વિશે મહત્વની માહિતી મળી શકે છે.

બ્લાસ્ટ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરાઈ

અત્રે નોંધનીય છેકે, દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી ઉમર ઉન નબી સામેલ છે, જે બ્લાસ્ટમાં જ માર્યો ગયો હતો. જે કારમાં બ્લાસ્ટ થયો તેને ઉમર ઉન નબી જ ચલાવી રહ્યો હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. તેણે જ પોતાના સાથીઓ સાથે મળીને આ બ્લાસ્ટ અંગે પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. 

દિલ્હી બ્લાસ્ટ કેસમાં 12 લોકોના મોત થયા હતા

ગયા વર્ષે લાલ કિલ્લા પાસે ટ્રાફિક સિગ્નલ પર કારમાં બ્લાસ્ટ થયો હતો. આમાં 12 લોકોના મોત થયા અને 30થી વધુ ઘાયલ થયા હતાં. આ વિસ્તાર સુરક્ષા દૃષ્ટિએ સંવેદનશીલ છે, તેથી NIAને કેસ સોંપવામાં આવ્યો હતો.  NIAની તપાસમાં જૈશ-એ-મોહમ્મદની સાજિશ, ડોક્ટર્સના મોડ્યુલ અને સરહદ પાર જોડાણોના પુરાવા મળ્યા હતાં. હવે ફરી આ કેસમાં NIA દ્વારા વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં અને તપાસને વધારે તેજ કરી દેવામાં આવી છે.