Wed Jun 17 2026

Logo

દિલ્હી AI સમિટમાં યુથ કોંગ્રેસનું 'શર્ટલેસ' પ્રદર્શન અધ્યક્ષ ઉદય ભાનુને પોલીસનું સમન

2026-02-23 13:16:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: ભારત મંડપમમાં આયોજિત 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ' દરમિયાન થયેલા હંગામા બાદ હવે કાયદાકીય ગાળિયો કસાયો છે. યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા અણધાર્યા વિરોધ પ્રદર્શને સુરક્ષા એજન્સીઓ અને રાજકીય વર્તુળોમાં દોડધામ મચાવી દીધી છે. આ ઘટનાને પગલે દિલ્હી પોલીસે હવે કડક વલણ અપનાવતા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય ઘર્ષણ વધવાના સંકેતો મળી રહ્યા છે.

આ વિવાદાસ્પદ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબને સમન જારી કરીને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમને તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના મીડિયા વિભાગે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. જોકે, પોલીસે પૂછપરછના ચોક્કસ કારણો સ્પષ્ટ કર્યા નથી, પરંતુ માનવામાં આવે છે કે આ પ્રદર્શન પાછળના મુખ્ય સૂત્રધારોની ઓળખ કરવા માટે આ પગલું લેવાયું છે.

શું હતો સમગ્ર વિવાદ? 
વાસ્તવમાં, ભારત મંડપમ ખાતે જ્યારે AI સમિટ ચાલી રહી હતી, ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ અચાનક 'શર્ટલેસ' (શરીરના ઉપરના ભાગે કપડાં વગર) થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી મુદ્દે વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં આ પ્રકારે સુરક્ષામાં ચૂક અને વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા અને તેમની સામે FIR નોંધી હતી.

આ મામલે પોલીસે અત્યાર સુધીમાં પાંચ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ બિહાર, યુપી, તેલંગાણા અને મધ્યપ્રદેશના વતની છે. ધરપકડ કરાયેલા લોકોમાં કૃષ્ણા હરિ, કુંદન યાદવ, અજય કુમાર, નરસિંહા યાદવ અને જિતેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ તમામ સામે ગુનાહિત કાવતરું રચવું, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવો અને ગેરકાયદે મંડળી જમાવવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ માત્ર આ પાંચ લોકો સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. પોલીસ હવે આ ઘટના પાછળ કોઈ મોટું 'ક્રિમિનલ કોન્સ્પિરેસી' (ગુનાહિત કાવતરું) છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. અન્ય પ્રદર્શનકારીઓની શોધખોળ પણ ચાલુ છે. બીજી તરફ, પોલીસ સ્ટેશનની બહાર યુથ કોંગ્રેસના કાર્યકરોની ભીડ જમા થવા લાગી છે, જેને જોતા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.