નવી દિલ્હી: યુજીસી બિલના વિરોધ વચ્ચે દિલ્હીમાં પોલીસ દ્વારા મહિલા નેતાઓ સાથે થયેલી કથિત અભદ્રતાના મામલે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં પત્રકાર રુચિ તિવારી સાથે થયેલા દુર્વ્યવહારની ઘટના ચર્ચામાં છે, ત્યાં દિલ્હીના પોલીસ સ્ટેશનની અંદર જ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ની મહિલા નેતાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાને લઈને ભારે હંગામો મચી ગયો છે.
વાયરલ વીડિયો મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દેશની રાજધાનીમાં પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ AISA ની મહિલા નેતાઓ અંજલિ અને નેહાને બિભત્સ ગાળો આપવામાં આવી હતી. સિંહે દાવો કર્યો હતો કે પોલીસ સ્ટેશનમાં જ મહિલા નેતાઓને 'કપડાં ઉતારવા' જેવું અત્યંત શરમજનક નિવેદન કહેવામાં આવ્યું હતું, જે દિલ્હી જેવી સુરક્ષિત મનાતી જગ્યા માટે કલંક સમાન છે.
देश की राजधानी दिल्ली में थाने के अंदर, पुलिस वालों के सामने AISA की महिला नेता अंजली और नेहा को मां की गाली देते हुए कहा गया, “कपड़े निकाल।” एक बिहार की बेटी, दूसरी उत्तराखंड की — दोनों सवर्ण हैं, लेकिन वंचितों के हक की आवाज उठाना उनका गुनाह हो गया। अगर यह घटना पंजाब या बंगाल… pic.twitter.com/JgRZ9cgf99
— Sanjay Singh AAP (@SanjayAzadSln) February 15, 2026
સંજય સિંહે મીડિયાની ભૂમિકા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જો આવી જ ઘટના પંજાબ કે પશ્ચિમ બંગાળ જેવા બિન-ભાજપ શાસિત રાજ્યોમાં થઈ હોત, તો મીડિયામાં હોબાળો મચી ગયો હોત. તેમણે આક્ષેપ કર્યો કે જે શહેરમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહ પ્રધાન રહે છે, ત્યાં મહિલાઓની સુરક્ષાની આવી સ્થિતિ હોવા છતાં રાષ્ટ્રીય મીડિયા મૌન ધારણ કરીને બેઠું છે. તેમણે મીડિયાને દિલ્હીની વાસ્તવિકતા બતાવવા માટે ટકોર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ જ સપ્તાહે યુજીસી પ્રોટેસ્ટ દરમિયાન પત્રકાર રુચિ તિવારી સાથે પણ ખેંચતાણ અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. રુચિ તિવારીનો આરોપ હતો કે દિલ્હી પોલીસની સામે જ કેટલાક લોકોએ તેમને પકડીને ઢસડ્યા હતા, પરંતુ પોલીસે કોઈ પણ પગલાં લીધા નહોતા. આ અંગે મોરિસ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.