Sat Sep 05 2026

Logo

મુંબઇ અંડરવર્લ્ડ અને ISI સાથે જોડાયેલા શકમંદની દિલ્હીથી ધરપકડ

2026-06-03 21:27:24
Author: Mumbai Samachar Team
મુંબઇ અંડરવર્લ્ડ અને ISI સાથે જોડાયેલા શકમંદની દિલ્હીથી ધરપકડ

નવી દિલ્હીઃ એક મલ્ટી-એજન્સી ઓપરેશનમાં ડી-કંપનીના ઓપરેટિવ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે કથિત રીતે સંકળાયેલા એક શખસની ધરપકડ કરવામાં છે, એમ પોલીસે જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર શકમંદ હુઝૈફાને મુંબઇ અંડરવર્લ્ડના એક મુખ્ય વ્યક્તિ મુન્ના ઝિંગાડાનો નજીકનો સાથી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝિંગાડા કરાચીથી કામ કરતો હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય એજન્સીઓ અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશનમાં હુઝૈફાની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ એજન્સીઓ મુંબઇ અંડરવર્લ્ડ અને પાકિસ્તાનની આઇએસઆઇ વચ્ચેના કથિત સાંઠગાંઠની તપાસ કરી રહી છે. આ કેસના સંદર્ભમાં એજન્સીઓએ તાજેતરમાં મુંબઇમાં અનેક સ્થળોએ સંકલિત શોધખોળ હાથ ધરી હતી અને દરોડા પાડ્યા હતા.

એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે ઝિંગાડાએ હુઝૈફાને એક કામ સોંપ્યું હતું. જેનો હેતુ દેશમાં ભય અને આતંક ફેલાવવાનો હતો. હુઝૈફાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી આશા છે તેમ જ સ્પેશિયલ સેલ 'પ્રોડક્શન વોરંટ' દ્વારા તેની કસ્ટડી માંગે તેવી પણ સંભાવના છે.