મેડિકલ ટુરિઝમના નામે મોતનો ખેલ? દિલ્હી અગ્નિકાંડમાં 13 વિદેશીઓના કરુણ મોત પાછળનું સત્ય?
નવી દિલ્હીઃ દિલ્હીના માલયવીયાનગરમાં આવેલે હોટેલ ફ્લોરીશમાં લાગેલી આગની ઘટનાએ સમગ્ર રાજધાનીને હચમચાવી મૂકી છે. આ ઘટનામાં અનેક એવા મુદ્દાઓની પોલ ખોલી નાંખી છે, જેમાં મેડિકલ ટુરિઝમ તથા વિદેશી નાગરિકોના સ્ટે અંગે પણ એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ મુદ્દા પર અત્યાર સુધીમાં કોઈનું ઘ્યાન ગયું જ નથી.
ફાયર સેફ્ટીના નિયમોથી લઈને ગેરકાયદે બાંધકામ સુધીના નિયમનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે. આગ ઠરી ગયા બાદ કાટમાળમાં ફેરવાયેલી હોટેલ કોઈ સામાન્ય ગેસ્ટહાઉસ નહોતું, પણ વિદેશથી જે લોકો સારવાર માટે દિલ્હી આવતા હતા એના રોકાણ માટેનું મુખ્ય સ્થળ હતું. પોલીસ તપાસમાંથી વિગત એવી પણ મળી છે કે, જ્યારે આ ઘટના બની એ સમયે પણ વિદેશના નાગરિકો અંદર રોકાયા હતા.
એક મહિનામાં 80 નાગરિકો આવ્યા હતા
પોલીસે આ કેસમાં તપાસ કરતા ઘણી કડીઓ મળી આવી હતી. એક મહિનામાં 80 વિદેશી નાગરિકો આ હોટેલમાં રોકાયા હતા. પોલીસ સામે સૌથી મોટો પડકાર એ હતો કે, મૃતક અને ઈજાગ્રસ્તની ઓળખ કેમ કરવી? ભયંકર આગમાં હોટેલના ગ્રાહકોની હિસ્ટ્રી, રજિસ્ટ્રેશનનું રજિસ્ટર, પ્રવાસીઓના સ્કેનિંગ ડૉક્યુમેન્ટ તથા કમ્પ્યુટર સિસ્ટમ ખરાબ રીતે બળીને ભસ્મ થઈ ગયા હતા.
આ પછી દિલ્હી પોલીસે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસની મદદ લીધી હતી, જેમાંથી વિદેશી નાગરિકોની વિગત મળી આવી હતી. મૃતકોમાં લાઈબેરિયા, બાંગ્લાદેશ, નેપાળ, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન, નાઈજિરિયા અને કોંગો-મોઝાંબિકના નાગરિકોનો સમાવેશ થાય છે. દિલ્હીની જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સગામાં 21 અન્ય વિદેશી નાગરિકો પણ આ હોટેલમાં રોકાયા હતા. આગમાં મૃત્યુ પામનારા 21 પૈકી 13 વિદેશી નાગરિક હતા, જ્યારે સંબંધિત દેશના દૂતાવાસના પણ સંપર્કમાં છે. દિલ્હી અગ્નિકાંડમાં 20થી 22 વિદેશી નાગરિક પણ ઘાયલ થયા હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
હોટેલ કઈ રીતે બની ગેસની ચેમ્બર?
પોલીસ તપાસમાંથી એવી વાત પણ જાણવા મળી કે, જે વિદેશી નાગરિકો હતા એ મેડિકલ વિઝા અંતર્ગત દિલ્હી સારવાર હેતુ આવ્યા હતા, જે પછીથી આ હોટેલમાં રોકાયા હતા. કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં હતા, જ્યારે મોટા ભાગના એમના સંબંધીઓ અહીં રોકાયા હતા. દિલ્હી ફાયર સર્વિસ તથા પોલીસની પ્રાથમિક તપાસમાં હોટેલ માલિક દ્વારા કેટલાય નિયમોનો ભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
હોટેલમાં સીડી પાસે કેટલીક સામગ્રી એવી રાખવામાં આવી હતી જે આગ લાગતા ઝડપથી સળગી ઊઠે. ઉપર જવા અથવા નીચે ઊતરવા માટનો એકમાત્ર રસ્તો આ સીડીનો હતો. ફોરેન્સિક ટીમના રિપોર્ટમાંથી હકીકત વધારે સ્પષ્ટ થશે. હાલ પોલીસના પ્રાથમિક રિપોર્ટમાં એ વાત જાણવા મળી કે, બારી બંધ હોવાને કારણે ગેસ ચેમ્બર જેવી સ્થિતિ ઊભી થઈ. શ્વાસ રૂંધાતા અનેક પ્રવાસીઓ એકાએક મુશ્કેલીમાં મૂકાયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પરથી ધુમાડો ઉપરની તરફ ઊઠ્યો ત્યારે બાહર નીકળવાનો રસ્તો ન હતો.

કેવી રીતે થયા પ્રવાસીના મૃત્યુ?
બારીઓ સીલ હોવાને કારણે હોટેલ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ. હોટેલના ડૉક્યુમેન્ટની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, 6 રૂમ્સની મંજૂરી મળી હતી પણ હોટેલમાં 25 રૂમ્સ હતા. બેડ એન્ડ બ્રેકફાસ્ટ પ્લાન અંતર્ગત 6 રૂમ્સ માટે જ મંજૂરી હતી પણ વધારે પૈસા કમાઈ લેવાની લાલચમાં 25 રૂમ ખડકી દીધા હતા, જે ગેરકાયદે હતા. એમ્બેસીમાંથી મંજૂરી મળ્યા બાદ જ પોસ્ટમોર્ટમની કામગીરી કરવામાં આવી હતી.

FSLની ટીમ હજુ એકવખત તપાસ કરશે, પછી રિપોર્ટ તૈયાર કરશે અને એ પછી હકીકત સ્પષ્ટ થશે. ફાયર વિભાગની ટીમને અંડરગ્રાઉન્ડ કિચનમાંથી ગેસ સ્ટવ, ચુલો તથા અન્ય સાધનો મળ્યા હતા. જે પ્રવાસીઓ લાંબાથી સુધી અહીં રોકાયા હતા તે આ સાધનનો ઉપયોગ રસોઈ માટે કરતા હતા.શ્વાસ રૂંધાતા કેટલાકના મૃત્યું થયા તો કેટલાક આગમાં જ ભડથું થઈ ગયા હતા. દિલ્હી પોલીસની ટીમ માલિકને પકડવા માટે તપાસ કરી રહી છે.