Mon Jul 27 2026

Logo

પૈસા લઈને ભાજપમાં જવા અંગે દિલ્હી હાઈ કોર્ટે રાઘવ ચઢ્ઢાને શું કહ્યું જાણો

2026-05-21 16:37:49
Author: Vimal Prajapati
Article Image


નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની એ અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જેમાં તેમણે સોશિયલ મીડિયા પરથી પોતાના વિરુદ્ધની કથિત અપમાનજનક પોસ્ટ્સ હટાવવાની માંગ કરી હતી. આ પોસ્ટ્સમાં કથિત રીતે એવું દર્શાવવામાં આવ્યું છે કે રાઘવ ચઢ્ઢાએ 'પૈસા માટે પોતાને વેચી દીધા.' 

જસ્ટિસ સુબ્રમણિયમ પ્રસાદની બેન્ચે આ મામલે સુનાવણી કરતા મૌખિક ટિપ્પણી કરી કે, પ્રથમ દ્રષ્ટિએ આ પોસ્ટ્સમાં રાઘવ ચઢ્ઢાના આમ આદમી પાર્ટી (આપ)માંથી ભાજપમાં જોડાવવાના રાજકીય નિર્ણયની આલોચના કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, લોકશાહીમાં ટીકા અને બદનક્ષી (માનહાનિ) વચ્ચે બહુ પાતળી સીમા રેખા હોય છે.

પર્સનાલિટી રાઈટ્સનો વ્યવસાયિક ઉપયોગ વિરૂદ્ધ રાજકીય આલોચના

આ કેસમાં સુનાવણીની શરૂઆતમાં અદાલતે રાઘવ ચઢ્ઢા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ નાયરને જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં 'પર્સનાલિટી રાઈટ્સ' (વ્યક્તિત્વ અધિકાર)નો ભંગ થતો જણાતો નથી. આ અંગે કોર્ટે કહ્યું હતું કે ‘અન્ય સેલિબ્રિટીઝના ચુકાદાઓ કરતાં આ કેસ અલગ છે. અહીં ફક્ત રાજકીય ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયોની આલોચના કરવામાં આવી છે. આ માત્ર એક રાજકીય નિર્ણય પરની ટિપ્પણી છે’.

રાઘવ ચઢ્ઢાના વકીલે જ્યારે વચગાળાની રાહત આપવા પર ભાર મૂક્યો ત્યારે જસ્ટિસ પ્રસાદે જણાવ્યું કે, પર્સનાલિટી રાઈટ્સના વ્યાપારી ઉપયોગ અને રાજકીય ટીકા વચ્ચે મોટો તફાવત છે. આ બાબત ઊંડી ચર્ચાનો વિષય છે, તેથી કોર્ટ આમાં મદદ માટે એક 'એમિકસ ક્યુરી'ની નિમણૂક કરી શકે છે.

નેતાઓએ ટીકા અને વ્યંગ્યનો સામનો કરવો જ પડે

હાઈ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે રાજકીય નેતાઓએ જાહેર જીવનમાં વ્યંગ્ય, કાર્ટૂન અને ટીકાઓનો સામનો કરવો જ પડતો હોય છે. કોર્ટે આ સંદર્ભમાં પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના કાર્ટૂન્સનું ઉદાહરણ પણ આપ્યું હતું. બીજી તરફ, રાઘવ ચઢ્ઢાના વકીલે દલીલ કરી હતી કે, ઓનલાઈન શેર થઈ રહેલી આ પોસ્ટ્સ માત્ર રાજકીય ટીકા નથી, પરંતુ બદનક્ષીભરી છે. સોશિયલ મીડિયા પર તેમને સાડી પહેરેલા દેખાડવામાં આવ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પર પૈસા વરસાવતા હોય તેવા ફોટા મૂકવામાં આવ્યા છે. વકીલે કહ્યું કે, તેઓ એવું દર્શાવી રહ્યા છે કે રાઘવ પૈસા માટે ભાજપમાં ગયા છે, જે યોગ્ય આલોચના ન હોઈ શકે! 

AI ડીપફેક અને મોર્ફ્ડ વીડિયો પર રોકની માંગ

રાઘવ ચઢ્ઢાએ પોતાની મુખ્ય અરજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલા ડીપફેક, મોર્ફ્ડ વીડિયો, સિન્થેટિક વોઈસ ક્લોન (નકલી અવાજ) અને ભ્રામક ડિજિટલ મટીરિયલના પ્રસાર પર રોક લગાવવાની માંગ કરી છે. અરજીમાં જણાવાયું છે કે તેમની પરવાનગી વિના એઆઈ ટૂલ્સનો આવો ઉપયોગ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને તેમની પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે. અદાલતે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાની રાહત આપવા પરનો પોતાનો આદેશ અનામત રાખ્યો છે.