Thu Apr 16 2026

Logo

ઇન્ડિયન પિકલબૉલ અસોસિયેશનને તમે નૅશનલ ફેડરેશન તરીકેની માન્યતા આપી શી રીતે?: કેન્દ્રને પૂછ્યું દિલ્હી હાઈ કોર્ટે

2026-04-07 20:06:36
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ઇન્ડિયન પિકલબૉલ અસોસિયેશન (IPA)ને ખેલકૂદના નૅશનલ ફેડરેશન તરીકે અપાયેલી માન્યતાને પડકારતી અરજી પર દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને એનું વલણ શું છે એ જણાવવાની સૂચના આપી હતી. વડી અદાલતે (HIGH COURT) કેન્દ્ર સરકારને પૂછ્યું કે `ઇન્ડિયન પિકલબૉલ અસોસિયેશનને તમે નૅશનલ ફેડરેશન તરીકેની માન્યતા આપી શી રીતે?'

અદાલતે કેન્દ્ર સરકાર પાસે આ માન્યતા આપવામાં જે નિર્ણય લેવાયો એની સંપૂર્ણ વિગત માગી છે. ખાસ કરીને ઑલ ઇન્ડિયા પિકલબૉલ અસોસિયેશન (એઆઇપીએ)ની વિનંતીને લગતી માહિતી પણ અદાલતે માગી છે. ખેલકૂદ મંત્રાલયને તેમ જ આઇપીએને ન્યાયામૂર્તિઓ ડી. કે. ઉપાધ્યાય તેમ જ તેજસ કારિયાની બેન્ચે આ સંબંધમાં નોટિસ મોકલી છે. અગાઉ એક ન્યાયાધીશની બેન્ચે ખેલકૂદ મંત્રાલયના નિર્ણયને માન્ય રાખતો જે ચુકાદો આપ્યો હતો એ સામે બે ન્યાયાધીશની હાઈ કોર્ટની બેન્ચે સવાલ ઉઠાવ્યો છે. એકમાત્ર ન્યાયમૂર્તિની બેન્ચે આપેલા આદેશ સામે ન્યૂ ઇન્ડિયન પિકલબૉલ અસોસિયેશને જે અપીલ કરી છે એ વિશે પણ બન્ને ન્યાયમૂર્તિઓની બેન્ચે નોટિસ મોકલી છે. આ કેસમાં હવે પછીની સુનાવણી આઠમી મેએ હાથ ધરાશે.

પિકલબૉલ રમત વિશે જાણો

પિકલબૉલ રૅકેટથી રમાતી રમત છે. એમાં બે અથવા ચાર ખેલાડી (અનુક્રમે સિંગલ્સ અથવા ડબલ્સની મૅચ) રમે છે. ટેનિસ, બૅડમિન્ટન અને ટેબલ ટેનિસને સંયુક્ત ગણીએ એવી આ રમતની મૅચ બૅડમિન્ટન જેવી કોર્ટમાં નીચી નેટ રાખીને રમવામાં આવે છે. પિકલબૉલમાં ટેબલ ટેનિસથી થોડું અલગ કહી શકાય એવા રૅકેટનો અને પ્લાસ્ટિક બૉલનો ઉપયોગ કરવામાં આવે છે.

હાઈ કોર્ટે મંત્રાલયને શું કહ્યું?

વડી અદાલતે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના ધારાશાસ્ત્રીને પૂછ્યું છે કે `આઇપીએ તરફથી તમામ પ્રકારના માપદંડની પૂર્તિ કથિત રીતે નથી થઈ એમ છતાં શા માટે આઇપીએને માન્યતા આપવામાં આવી? બે અરજી કરવામાં આવી હતી. એક અરજીમાં તમામ જરૂરિયાતો પરિપૂર્ણ થયેલી છે, જ્યારે બીજી અરજીમાં નથી થઈ. તમે બીજીવાળી અરજીને ધ્યાનમાં લીધી અને એને જરૂરિયાતોને લગતી બાબતમાં મુક્તિ આપી. આવી છૂટ કઈ રીતે મળે? આનાથી વધુ મનમાની બીજી કઈ કહેવાય? એઆઇપીએને તમે જણાવ્યું હતું કે તમે જરૂરિયાતો પરિપૂર્ણ નથી કરી એટલે તમારી અરજી નકારવામાં આવે છે? એ સંદેશવ્યવહાર થયો હોય તો ક્યાં છે બતાવો!'

સરકારના ધારાશાસ્ત્રીએ જણાવ્યું, `આઇપીએને નૅશનલ ફેડરેશન તરીકેની માન્યતા આપી, કારણકે ફક્ત એક જ અસોસિયેશન માન્યતા મેળવી શકે.'