Sun Jul 26 2026

Logo

દિલ્હી હાઈ કોર્ટનો મોટો નિર્ણય: સોનમ વાંગચૂકને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની અરજી ફગાવી

2026-07-19 16:57:20
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી છે અને કોર્ટે કોઈ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે તેમની પત્ની દ્વારા કરવામાં આવેલી અરજીને હાલ પૂરતી ફગાવી દીધી છે. 

સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સોનમ વાંગચુકની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં લેતા, સરકાર દ્વારા તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય મનસ્વી ગણી શકાય નહીં. 
કોર્ટે જણાવ્યું કે, સફદરજંગ હોસ્પિટલના નિષ્ણાત તબીબો સતત તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યા છે, તેથી તેમની સાથે કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરવામાં આવી રહી હોવાનો દાવો પાયાવિહોણો છે.

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે વાંગચૂક પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં જાતે હોસ્પિટલમાં દાખલ થયા નહોતા, જે જોતા તેમના સ્વાસ્થ્યના હિતમાં સરકારને હસ્તક્ષેપ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કોર્ટે એમ પણ અવલોકન કર્યું કે, વહીવટીતંત્ર દ્વારા વાંગચુકના પરિવારને તેમને કોઈ પણ રોકટોક વગર દિવસ દરમિયાન મળવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે તેમ જ તેમના પરિજનો માટે હોસ્પિટલમાં એક અલગ રૂમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. 

આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે હાલના તબક્કે કોઈ વચગાળાના આદેશની જરૂર ન હોવાનું જણાવી વાંગચુકની મેડિકલ રિપોર્ટ તેમના પરિવાર સાથે શેર કરવાનો નિર્દેશ આપ્યો છે.

બીજી તરફ, વાંગચૂકના પત્ની ગીતાંજલિ આંગ્મો વતી વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, વિવેક તન્ખા અને અખિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેઓ પોતાના વકીલો અને અન્ય ડોક્ટરો સાથે સંપર્ક સાધવામાં અસમર્થ છે.

 તેમણે વાંગચુકને 'મેદાંતા' હોસ્પિટલમાં શિફ્ટ કરવાની માંગ કરતા સવાલ કર્યો હતો કે, શું એક ભારતીય નાગરિકને પોતાની પસંદગીની હોસ્પિટલમાં સારવાર લેવાનો અધિકાર નથી? ખાસ કરીને જ્યારે તેમની સામે કોઈ કેસ દાખલ નથી, ત્યારે સરકાર તેમને ઈચ્છિત સારવારથી વંચિત રાખી શકે નહીં. હાલમાં કોર્ટે આ સમગ્ર મામલાની આગામી સુનાવણી 24 જુલાઈના રોજ નક્કી કરી છે.