નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે તેમની પત્ની ગીતાંજલિની અરજી પર વાંગચુકને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. અદાલતના નિર્દેશ મુજબ, મેદાંતા હોસ્પિટલમાં ડૉક્ટરોની એક વિશેષ પેનલની રચના કરવામાં આવશે. વાંગચુકની સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરોની ટીમ બનશે.
હાઈકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો છે કે અત્યાર સુધીના તમામ મેડિકલ તપાસ રિપોર્ટ મેદાંતાના ડૉક્ટરોની પેનલને સોંપવામાં આવશે. અદાલતે સારવાર સંબંધિત તમામ મેડિકલ માહિતી શેર કરવાનો નિર્દેશ આપ્યો છે.
દિલ્હી HCએ પહેલા રાહત આપવાનો ઈનકાર કર્યો હતો
સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગ્મોની અરજી પર હાઈકોર્ટની ડબલ બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો છે. તેમણે અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પતિને તેમની ઈચ્છા વિરુદ્ધ સફદરજંગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને પરિવારને સરકારી તબીબી વ્યવસ્થા પર ભરોસો નથી. તેમણે વાંગચુકને પોતાની પસંદગીની પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની પરવાનગી માંગી હતી. જોકે, હાઈકોર્ટની સિંગલ બેન્ચે તેમને સફદરજંગ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને અન્ય કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વચગાળાની રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી
હાઈકોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરતા હોસ્પિટલ પ્રશાસન અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય પર મેડિકલ બોર્ડનો વિગતવાર રિપોર્ટ (AIIMS, સફદરજંગ અને એક પ્રાઈવેટ લેબ તરફથી) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પત્ની ગીતાંજલિએ આક્ષેપ કર્યો હતો કે તેમના મૂળભૂત અધિકારો અને ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ (informed consent)ની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
24 દિવસથી ભૂખ હડતાળ પર વાંગચુક
સોનમ વાંગચુક છેલ્લા 24 દિવસથી ભૂખ હડતાળ પર છે. તેમને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક ઉપાડીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાનું ઉપવાસ આંદોલન સમેટી લેવા માટે કેટલીક શરતો મૂકી હતી, જે પૂરી કરવામાં આવી નહોતી. તેમણે કહ્યું હતું કે જો સાંસદો તેમને આશ્વાસન આપે કે સંસદમાં 'NEET' પેપર લીક અંગે ચર્ચા થશે અને જવાબદારી નક્કી કરવામાં આવશે, તો તેઓ ભૂખ હડતાળ પૂરી કરી દેશે. જ્યારે સંસદ માર્ચ દરમિયાન લાઠીચાર્જ થયો, ત્યારે તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત નહીં કરે.