Sun May 24 2026

Logo

મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, ખેડૂતો ચિંતા ન કરે: કૃષિપ્રધાનની અપીલ

2026-05-24 21:03:19
Author: mumbai samachar team
Article Image

સોલાપુર: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછતને લીધે પંપો પર લાંબી લાઈનો લાગી છે. પરભણીમાં ડીઝલ માટે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એકતરફ ખેડૂતોને ખેતીના કામ માટે ડીઝલ નથી મળી રહ્યું, તો બીજી તરફ રેતી માફિયાઓને આશરે ૨૫ હજાર રૂપિયાનું ડીઝલ વેચવામાં આવતું હોવાનો પ્રકાર સામે આવ્યો હતો. 

આ કારણે સામાન્ય ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં, ખેડૂતોએ જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ-ડીઝલ ખરીદવું, તેનો સંગ્રહ ન કરવો, તેવી અપીલ કૃષિપ્રધાન દત્તાત્રય ભરણએ કરી હતી.

દરમિયાન, એક તરફ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક હોવાનું દત્તાત્રય ભરણએ જણાવ્યું છે. પરંતુ, જળગાંવ શહેરમાં ડીઝલની અછતને લીધે કેટલાક પેટ્રોલ પંપો પર હોબાળાની સ્થિતિ સર્જાતાં ખુદ કલેક્ટર રોહન ઘુગે અને પોલીસ અધિક્ષક શ્રીકાંત ઢિવરેએ સંયુક્ત રીતે વિવિધ પેટ્રોલ પંપોની તપાસ કરી હતી. આ સમયે કેટલીક જગ્યાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીઝલનું વિતરણ થતું હોવાનું પણ જોવા મળ્યું હતું. 

પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ ગભરાવાની કે મૂંઝાવાની જરૂર નથી. આ સાથે જ સુરક્ષાના કારણોસર બોટલ કે કેનમાં પેટ્રોલ-ડીઝલ ન આપવાની સૂચના પોલીસ અધિક્ષક શ્રીકાંત ઢિવરેએ સંબંધિત પંપ સંચાલકોને આપી હતી.

બુલઢાણા જિલ્લામાં પણ ડીઝલની અછતને લીધે પંપો પર વાદ-વિવાદ અને મારામારી વધી રહી છે. આ ભીડ અને ઝઘડા ટાળવા માટે મેહકર-ચીખલી રોડ પરના એક પંપ સંચાલકે ગ્રાહકોને કૂપન વહેંચવાનો નવો આઈડિયા અજમાવ્યો છે. 
દરરોજ ૨૦૦ કૂપન વહેંચવાના કારણે પંપ પરની ભીડ અને મારામારી બંધ થઈ ગઈ છે, અને કૂપન બતાવ્યા પછી દરેક ગ્રાહકને સરળતાથી ડીઝલ મળી રહ્યું છે.