નવી દિલ્હીઃ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને ફુગાવો કાબૂમાં રાખવા માટે પેટ્રોલ અને ડીઝલનાં રિટેલ ભાવ યથાવત્ રાખવા પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખી આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ જેવી તેલ માર્કેટિંગ કંપનીઓના માર્જિન દબાણ હેઠળ આવે તેવી શક્યતા વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સે વ્યક્ત કરી છે.
નોંધનીય બાબત એ છે કે અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં વૈશ્વિક સ્તરે ક્રૂડતેલ અને લિક્વિફાઈડ નેચરલ ગૅસની હેરફેરને એક પંચમાંશ હિસ્સો ધરાવતા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ થવાને કારણે આ સપ્તાહના આરંભમાં ક્રૂડતેલના ભાવ એક તક્ક્કે વધીને બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. તાજેતરમાં જ એસ ઍન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે વર્ષ 2026માં ક્રૂડતેલના સરેરાશ ભાવનો અંદાજ બેરલદીઠ સરેરાશ પાંચ ડૉલર વધારીને 65 ડૉલરનો મૂક્યો હતો.
વધુમાં અમેરિકા સ્થિત આ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ભારત તેની ક્રૂડતેલની આવશ્યકતા માટે આ દરિયાઈ માર્ગ પર વધુ અવલંબિત છે, પરંતુ તેની પાસે એશિયાની બહારથી રશિયા અને દક્ષિણ અમેરિકાથી ખરીદી વિકેન્દ્રિત કરવાનો અવકાશ છે. હાલમાં રશિયા પાસેથી ખરીદી પ્રતિદિન 11 લાખ બેરલ છે, જ્યારે વેનેઝુએલાથી ગયા મહિને પ્રતિદિન 1,42,000 બેરલની ખરીદી થઈ રહી છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ભારત ક્રૂડતેલની 88 ટકાની આયાત સાથે વિશ્વનો ત્રીજા ક્રમાંકનો સૌથી મોટો આયાતકાર દેશ રહ્યો છે. દેશમાં પ્રતિદિન 58 લાખ બેરલનો વપરાશ રહેતાં 25થી 27 લાખ બેરલ સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી પસાર થતાં હોય છે. તેમ જ દેશના કુલ વપરાશ પૈકી પંચાવન ટકા હિસ્સો એલપીજીનો અને 30 ટકા હિસ્સો એલએનજીનો સ્ટ્રેટ ઑફ હોર્મુઝથી પસાર થાય છે.
ભારતની વધુ આયાત નિર્ભરતા અને પેટ્રોલિયમની અનામત વપરાશી માગના 10 દિવસ જેટલી અને વેપારી ધોરણે સ્ટોકનો ટેકો અંદાજ 65 દિવસ જેટલો ઓછો છે. આ ઉપરાંત એલપીજી અને એલએનજીનો સ્ટોક પણ અનુક્રમે 25થી 30 દિવસ અને 10થી 12 દિવસનો હોવાનું જણાવતાં એસ ઍન્ડ પીએ ઉમેર્યું હતું કે સરકારી નિર્દેશો અને ભાવમાં વધારો માર્જિનમાં ઘટાડો લાવી શકે છે. ઊંચા વેચાણભાવ અને મધ્પૂર્વના દેશોમાંથી મર્યાદિત ઓપરેટિંગ દ્વારા ઓએનજીસી જેવી અપસ્ટ્રીમ કંપનીઓના માર્જિન દબાણ હેઠળ લાવી શકે છે.
જોકે, તેલ માર્કેટિંગ જેવા ડાઉનસ્ટ્રીમ ખેલાડીઓને બજાર ઉપરાંત નિયમનકારી પડકારોનો સામનો કરવો પડશે. ભારતમાં એલપીજીના ગ્રાહક ભાવનું નિયમન સરકાર દ્વારા કરવામાં આવે છે. અમારા મતે ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) જેવી તેલ માર્કેટિંગ કંપનીઓએ ફુગાવાલક્ષી દબાણ નિયંત્રણમાં રાખવા માટે રિટેલ ભાવ જાળવી રાખવા પડશે. આથી તેઓના માર્જિન દબાણ હેઠળ આવશે.
તેલ માર્કેટિંગ કંપનીઓના દબાણ હળવા કરવા શક્યતઃ સરકાર રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના સમયગાળામાં લીધેલા એવાં પગલાં લઈને અંદાજપત્રીય ફાળવણી અને એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાનો ઉપયોગ કરી શકે છે, એમ એસ ઍન્ડ પીએ ઉમેર્યું હતું.