Mon Oct 05 2026

Logo

ક્રૂડમાં ૧૧ ટકાનો જોરદાર કડાકો, શું યુદ્ધ થંભી જશે?

2026-03-10 09:13:00
Author: Nilesh Waghela
ક્રૂડમાં ૧૧ ટકાનો જોરદાર કડાકો, શું યુદ્ધ થંભી જશે?

નિલેશ વાઘેલા
મુંબઈ: અખાતી દેશમાં ચાલી રહેલું યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ જશે એવી અમેરિકાની ઈશારતને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ઊંચી સપાટી સામે ૧૧ ટકાનો કડાકો બોલાઈ ગયો છે. આને કારણે અમેરિકન બજારો સાથે સ્થાનિક શેરબજારમાં પણ પુલબેક રેલીનો ઉછાળો આવી શકે છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટ ઉછળ્યો છે.

ઈરાની યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલનું પરિવહન ખોરવાઈ જતા આખી દુનિયામાં ઇંધણની અછત વર્તાઈ રહી છે અને તેને કારણે ક્રૂડ ઓઈલના ભાવ જોરદાર ઊછાળા સાથે બેરલ દીઠ ૧૨૦ ડોલરની સપાટી વટાવી ગયા હતા. 

જોકે, ટ્રમ્પે યુદ્ધ વહેલું સમેટી લેવાના આપેલા સંકેતને પગલે રિવર્સ ગિયરમાં ક્રૂડના ભાવ પ્રતિ બેરલ દીઠ $120 થી ઘટીને લગભગ $90ની નીચે આવતા યુએસ શેરબજારો ઊંચી સપાટીએ બંધ થયા છે. 
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટની મોટી યોજના જાહેર કરતા કહે છે કે ઈરાન યુદ્ધ ‘ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે.'
"મને લાગે છે કે યુદ્ધ ખૂબ જ પૂર્ણ થઈ ગયું છે," એમ જણાવતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પાસે "નૌકાદળ નથી, કોઈ સંદેશાવ્યવહાર નથી, તેમની પાસે કોઈ હવાઈ દળ નથી." "તેમની મિસાઇલોનું માળખું વેરવિખેર થઈ ગયું છે. તેમના ડ્રોન વ્યવસ્થાને બધેથી ઉડાવી દેવામાં આવી છે, જેમાં તેમના ડ્રોન ઉત્પાદન સવલતો પણ સામેલ છે," 

ટ્રમ્પે કહ્યું. "જો તમે ખરું જુઓ તો, તેમની પાસે કંઈ બચ્યું નથી. લશ્કરી દ્રષ્ટિએ કંઈ બચ્યું નથી." ટ્રમ્પ ફ્લોરિડાના ડોરલમાં તેમના ગોલ્ફ ક્લબમાંથી જિંગ સાથે વાત કરી રહ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મધ્ય પૂર્વ કામગીરી માટે અમેરિકા તેના મૂળ સમયપત્રકમાં આગળ છે. અમારી કામગીરી વહેલી સમાપ્ત થઈ શકે છે.

નોંધવું રહ્યું કે, ઈરાન અને ઇઝરાયલ-યુએસ વચ્ચેના યુદ્ધની ભીષણતામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં સોમવારે જબરો ઉછાળો આવ્યો હતો અને તે બેરલ દીઠ ૧૨૦ ડોલર સુધી પહોંચી ગયું હતું. એ જ સાથે ડોલર સામે રૂપિયો નવી ઐતિહાસકિ નીચી સપાટીએ પટકાવાને કારણે મેક્રોઇકોનોમિક્સ પર ચિંતા વધી જવાથી વેચવાલીનું દબાણ તીવ્ર બની રહ્યું છે.

 કુવૈત, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાક અને કતારે તેમના ઓઇલ ઉત્પાદનમાં આંશિક બંધની પુષ્ટિ કરી છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, યુએસ-ઈરાન યુદ્ધ વચ્ચે કતારે બુધવારે ગેસ નિકાસ પર જાહેર કરેલી બંધીને કારણે ગ્લોબલ માર્કેટમાં ગેસની અછત સર્જાશે કારણ કે કતાર ગ્લોબલ લિક્વિફાઇડ નેચરલ ગેસનો વીસ ટકા હિસ્સો સપ્લાય કરે છે. આ બધા ટ્રિગર્સ જોતા આગામી થોડા સત્રોમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૫૦ ડોલર સુધી પહોંચવાની  શક્યતા દર્શાવાઈ રહી હતી. 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત સરકારને કથિત રીતે આપવામાં આવેલી એક મહિનાની છૂટ બાદ, બજારનો અંદાજ છે કે અમેરિકન વહીવટીતંત્ર પણ માને છે કે અમેરિકા-ઈરાન યુદ્ધ એક મહિનામાં સમાપ્ત નહીં થાય. જોકે ટ્રમ્પના નવા કથન અને દાવાથી આશાવાદ જાગ્યો છે.


ઓઇલના ભાવમાં સતત વધારો ભારતની ખાધ તથા ફુગાવો વધારીને આરબીઆઇના નાણાકીય વલણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ સ્થિતિમાં ક્રૂડના ભાવનો ઘટાડો એક રાહતના સમાચાર છે.