સરે (કેનેડા): કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ક્રિકેટ કેનેડા નવા ચૂંટાયેલા પ્રમુખ અરવિંદર ખોસાના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું. વહેલી સવારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં હતો. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના ખંડણી સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના આજે વહેલી સવારે આશરે 4:40 વાગ્યે સરેના ન્યૂટન વિસ્તારમાં બની હતી. અરવિંદર ખોસાએ પોતે આ હુમલાની પુષ્ટિ કરી હતી. હુમલાખોરોએ ઘર પર એટલું ભયાનક ફાયરિંગ કર્યું હતું કે ઓછામાં ઓછી 5 ગોળીઓ ઘરના મુખ્ય દરવાજા અને બારીઓના કાચ ચીરીને અંદર ઘૂસી ગઈ હતી. ફાયરિંગની ઘટનામાં અરવિંદર ખોસા અને તેમનો આખો પરિવાર ઘરની અંદર જ સૂતો હતો, પરંતુ કોઈને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયરિંગની માહિતી મળતાની સાથે જ સરે પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.
સ્થાનિક સરે પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલાના થોડા સમય પહેલા જ ખંડણી માટેની ધમકીઓ મળી હતી. આથી પોલીસની સ્પેશિયલ 'એક્સ્ટોર્શન રિસ્પોન્સ ટીમ' દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. ક્રિકેટ કેનેડામાં થોડા સમય પહેલા જ ભ્રષ્ટાચાર, નાણાકીય ગેરરીતિઓ અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો અંગે એક મોટો ખુલાસો થયો હતો.
પોલીસ હાલમાં ઘટનાસ્થળના સીસીટીવી અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસો પહેલા જ કેનેડિયન મીડિયાના અહેવાલોમાં ક્રિકેટ કેનેડાના વહીવટમાં સંગઠિત ક્રાઈમ નેટવર્કની સંડોવણી હોવાનો દાવો કરાયો હતો. અહેવાલો મુજબ, બ્રિટિશ કોલંબિયા ક્રિકેટના પ્રમુખ રહી ચૂકેલા અરવિંદર ખોસાનું નામ પણ આ વિવાદમાં આવ્યું હતું.
આરોપ છે કે ખોસા એવા સ્થાનિક ખેલાડીઓના સંપર્કમાં હતા, જેમણે પોતાને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો ગણાવ્યા હતા. આ તત્વો દ્વારા ટી20 વર્લ્ડ કપ પહેલા કેનેડિયન રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ અને ઓફિશિયલ્સને ટીમ સિલેક્શન અને કેપ્ટન બદલવા માટે ધમકી આપવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે. જોકે, અરવિંદર ખોસા આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી ચૂક્યા છે અને તેને પોતાની વિરુદ્ધનો રાજકીય પ્રોપગન્ડા ગણાવ્યા હતા.