Tue Aug 25 2026

Logo

ટેક જગતમાં મોટો ધડાકો: WhatsApp ના ગ્લોબલ CEO પદે ભારતીય કુણાલ શાહની નિમણૂક

2026-06-22 21:41:41
Author: Vimal Prajapati
ટેક જગતમાં મોટો ધડાકો: WhatsApp ના ગ્લોબલ CEO પદે ભારતીય કુણાલ શાહની નિમણૂક

નવી દિલ્હીઃ ટેક અને ફિનટેક ઇન્ડસ્ટ્રીમાંથી આજના સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફિનટેક કંપની CRED ના ફાઉન્ડર કુણાલ શાહને વિશ્વના સૌથી મોટા મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppના નવા ગ્લોબલ CEO બનાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. WhatsAppની પેરેન્ટ કંપની મેટા (Meta) એ આ ઐતિહાસિક જાહેરાત કરી છે. આ સાથે જ મેટા કંપની CRED માં આશરે 90 કરોડ ડોલર એટલે કે આશરે 8,550 કરોડ રૂપિયાનું માતબર રોકાણ પણ કરવાની છે. કુણાલ શાહ WhatsAppના વર્તમાન હેડ વિલ કેથકાર્ટ (Will Cathcart) નું સ્થાન લેશે.

માર્ક ઝુકરબર્ગે કર્યા કુણાલ શાહના વખાણ

અબજો યુઝર્સ ધરાવતા વૈશ્વિક પ્લેટફોર્મની કમાન હવે એક ભારતીય બિઝનેસમેનના હાથમાં આવવી તે ભારત માટે ગર્વની વાત છે. મેટાના CEO માર્ક ઝુકરબર્ગે કુણાલ શાહના વખાણ કરતી એક પોસ્ટ શેર કર્યું છે. જેમાં લખ્યું કે, ‘કુણાલ શાહે CRED ને ભારતની સૌથી મહત્વપૂર્ણ ટેક કંપનીઓમાંથી એક બનાવી છે. તેમનો આ બહોળો અનુભવ WhatsAppને બિઝનેસ અને કમ્યુનિકેશનના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે’.

CRED નું વેલ્યુએશન પહોંચશે $4.5 અબજ પર

તમને જણાવી દઈએ કે, કુણાલ શાહે વર્ષ 2018માં CRED ની સ્થાપના કરી હતી, જે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ અને પ્રીમિયમ રિવોર્ડ્સ સેવાઓ માટે જાણીતું પ્લેટફોર્મ છે. આ અગાઉ તેઓ પ્રખ્યાત પેમેન્ટ એપ FreeCharge ના કો-ફાઉન્ડર પણ રહી ચૂક્યા છે. મેટા દ્વારા કરવામાં આવી રહેલા આ કરોડો ડોલરના રોકાણ બાદ CRED નું માર્કેટ વેલ્યુએશન વધીને આશરે 4.5 અબજ ડોલર થઈ જશે. કંપની આ ફંડિંગનો ઉપયોગ પોતાના બિઝનેસના ગ્લોબલ વિસ્તરણ અને ભવિષ્યમાં શેરબજારમાં લિસ્ટિંગ (IPO) ની તૈયારીઓ માટે કરી શકે છે.

હવે કોણ સંભાળશે CRED ની કમાન?

કુણાલ શાહ WhatsAppના ગ્લોબલ CEO તરીકે પદભાર સંભાળશે, તો પછી હવે CRED ની કમાન કોણ સંભાળશે? આ પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે. જોકે, તેની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે. મળતી જાણકારી પ્રમાણે CRED ની કમાન હવે મિતેન સંપત કમાન સંભાળશે. નેતૃત્વમાં ફેરફાર થવા છતાં કંપનીના રોજિંદા કાર્યો અને ગ્રોથ પ્લાન પર કોઈ અસર નહીં પડે તેની પણ જાહેરાત કરવામાં આવી છે.