Wed Sep 16 2026

Logo

ઉત્તર પ્રદેશમાં MA ઇતિહાસના પેપરમાં બ્રાહ્મણ વિશે પ્રશ્ન પૂછાતા વિવાદ વકર્યો

2026-05-20 21:19:11
Author: Mumbai Samachar Team
ઉત્તર પ્રદેશમાં MA ઇતિહાસના પેપરમાં બ્રાહ્મણ વિશે પ્રશ્ન પૂછાતા વિવાદ વકર્યો

વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં વારાણસીના બીએચયુમાં એમએ ઇતિહાસના અભ્યાસક્રમના ચોથા પ્રશ્નપત્રમાં પૂછવામાં આવેલો એક પ્રશ્ન ચર્ચાનો વિષય બની ગયો છે. આ પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે પ્રાચીન ભારતમાં બ્રાહ્મણવાદી પિતૃસત્તા મહિલાઓની પ્રગતિમાં કેવી રીતે અવરોધરૂપ હતી? 

આ સવાલ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયાથી લઇને શૈક્ષણિક જગત સુધી ચર્ચા શરૂ થઇ ગઇ છે. બીએચયુના પ્રોફેસરોથી લઇને વિદ્યાર્થીઓ આ પ્રશ્નને ખોટો ગણાવીને વિરોધ કરી રહ્યા છે, જ્યારે કુલપતિ આ અંગે પછી ચર્ચા કરવાનું જણાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા રાજકુમાર ભાટીના બ્રાહ્મણો, યુજીસી અને ઘૂસખોર પંડિત પરના નિવેદનો જેવા મુદ્દે વિવાદ વકરી ચૂક્યા છે. બીએચયુ ઇતિહાસ વિભાગની પરીક્ષામાં પૂછાયેલા વિવાદાસ્પદ પ્રશ્નને લઇને વિદ્યાર્થીઓ અને પ્રોફેસર બંને વિરોધ કરી રહ્યા છે. 

ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રશ્નની ભાષા અપમાનજનક છે અને તે ચોક્કસ વર્ગને નિશાન બનાવે છે. તો વળી કેટલાક પ્રોફેસરોએ પણ આ પ્રશ્નને અયોગ્ય ગણાવતા વાંધો ઉઠાવ્યો છે. જ્યોતિષ વિભાગના પ્રોફેસર સુભાષ પાંડે જણાવે છે કે આ પ્રશ્ન તદ્દન પાયાવિહોણો છે, આ પ્રકારના પ્રશ્નો તૈયાર કરનારા ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા છે.

બીએચયુની પરીક્ષામાં બ્રાહ્મણવાદી પિતૃસત્તા પર પૂછવામાં આવેલા સવાલ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પણ ભડકી ઉઠ્યા છે. કાશી વિદ્વત પરિષદ(કેવીપી)એ પણ આ પ્રશ્ન પર સવાલ ઉઠાવ્યા છે. કાશી વિદ્વત પરિષદના મંત્રી અને બીએચયુના પ્રોફેસર વિનય પાંડેએ કહ્યું કે આ પ્રકારના પ્રશ્નનો આધાર શું છે અને બીએચયુ આ પ્રકારના પ્રશ્નપત્ર તૈયાર કરવાના પક્ષમાં જરાય નથી.

આ વિવાદ વકર્યા બાદ યુનિવર્સિટી વહીવટીતંત્ર પણ સવાલોથી ઘેરાયું છે. જો કે જ્યારે આ સમગ્ર વિવાદ મામલે કુલપતિ પ્રો. અજિત ચતુર્વેદીને પૂછવામાં આવ્યું તો તેમણે હાલ સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું તેમ જ આ મામલે પછી ચર્ચા કરવાનું જણાવ્યું હતું.