Sun Aug 23 2026

Logo

રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં યુવાનોને સંબોધિત કર્યા; ‘દર્દ, ડેટા અને દૌલત’ પર કરી આ ખાસ વાત

2026-08-08 21:17:00
Author: Vimal Prajapati
Article Image

પ્રયાગરાજ: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને સંબોધિત કર્યા હતા. પોતાના વક્તવ્યની શરૂઆતમાં ભાવુક થતાં તેમણે પ્રયાગરાજ શહેર એક સમયે તેમના પરિવારનું ઘર હતું તેમ જણાવ્યું હતું. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અહીં આવીને મને ખૂબ જ આનંદ થાય છે. પ્રયાગરાજ જ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે અને એક સમય હતો જ્યારે અલ્હાબાદ યુનિવર્સિટી દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એક ગણાતી હતી."

ભારતના યુવાનો પાસે દુનિયાની સૌથી મોટી તાકાત

પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ત્રણ બાબતો દર્દ, ડેટા અને દૌલત પર ખાસ ધ્યાન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, તમારું દર્દ, તમારો ડેટા પરંતુ તમારી દૌલત નહીં! જે સંપત્તિ તમારી હોવી જોઈતી હતી તે આજે બીજા કોઈની પાસે છે’. દેશની યુવા શક્તિના વખાણ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત પાસે 40 કરોડ યુવાનોની વસ્તી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ચીન, અમેરિકા કે રશિયા ગમે તેટલા આગળ હોય, પરંતુ ભારતની યુવા ક્ષમતા સામે તેઓ કંઈ જ નથી. જો દેશ આગળ વધશે તો તે યુવાનોની કલ્પનાશક્તિ અને ક્ષમતાના બળે જ વધશે.

રાહુલ ગાંધીએ 21મી સદીના અર્થતંત્રનું સમીકરણ આપતાં કહ્યું કે, ‘યુવા + ડેટા = 21મી સદીની ઈકોનોમી’. ભારતમાં પ્રતિ વ્યક્તિ પ્રતિદિન સરેરાશ 1 ગીગાબાઇટ ડેટા વપરાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે તમારા ડેટા વગર AIનું કોઈ અસ્તિત્વ નથી.

ફીના નામે કરોડો રૂપિયા લેવાય છે પણ નોકરી મળતી નથી

શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે યુવાનોના પરિવારજનો પાસેથી ભણતર માટે કરોડો રૂપિયા ફી પેટે વસૂલવામાં આવે છે અને બાદમાં ડિગ્રીનું સર્ટિફિકેટ આપી દેવાય છે. પરંતુ આ સર્ટિફિકેટથી નોકરી મળતી નથી. પરીક્ષાઓના પેપર લીક થઈ જાય છે અને અમીર બાળકો પૈસાના જોરે પેપર ખરીદી લે છે. આ કાર્યક્રમ દરમિયાન પટના અને અન્ય વિસ્તારોથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ મંચ પર આવીને પોતાની સાથે થયેલી લાઠીચાર્જ અને અન્યાયની આપવીતી પણ સંભળાવી હતી.

ભાજપ સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશની તમામ બંધારણીય સંસ્થાઓમાં એકચક્રી શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને રોજગારીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના આક્રોશ વચ્ચે તેમણે આહ્વાન કર્યું કે, ‘આપણે નફરત કે હિંસાનો માર્ગ અપનાવવાનો નથી. પ્રેમ અને અહિંસાથી જ આ ખામીયુક્ત સિસ્ટમને બદલવાની છે અને તેને હંમેશા માટે 'ટાટા-બાય બાય' કરવાનું છે’.