Tue Oct 06 2026

Logo

વિદ્યાર્થીઓ પર અત્યાચાર મુદ્દે કોંગ્રેસ મેદાનમાંઃ વિદ્યાર્થીઓનો કેસ હવે કોંગ્રેસ લડશે, વકીલોની યાદી જાહેર!

2026-07-21 18:59:40
Author: Devayat Khatana
વિદ્યાર્થીઓ પર અત્યાચાર મુદ્દે કોંગ્રેસ મેદાનમાંઃ વિદ્યાર્થીઓનો કેસ હવે કોંગ્રેસ લડશે, વકીલોની યાદી જાહેર!

નવી દિલ્હી: NEET પરીક્ષામાં ગેરરીતિઓ, શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં યોજાયેલી 'ચલો સંસદ' માર્ચમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ, ટીયર ગેસ અને સામૂહિક ધરપકડ બાદ હવે કોંગ્રેસે મોરચો સંભાળી લીધો છે. 

હવે કોંગ્રેસે પીએમ આવાસ સામે ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધા છે. ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) દ્વારા એક મોટી જાહેરાત કરતા જણાવાયું છે કે, આ વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા, ઘાયલ થયેલા કે પોલીસ અત્યાચારનો ભોગ બનેલા દરેક યુવાનને પાર્ટીની વિશેષ લીગલ ટીમ દ્વારા તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે.

AICCએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે પાર્ટીની આ ખાસ લીગલ ટીમ યુવાનોને કોઈ પણ શરત વિના કાનૂની સહાય આપશે. કોંગ્રેસે આ મામલાને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો રાષ્ટ્રીય મુદ્દો ગણાવીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 

કોંગ્રેસના મહાસચિવ અને સંચાર પ્રભારી જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી અને પીડિત યુવાનો તેમ જ તેમના પરિવારોને તાત્કાલિક પાર્ટીની લીગલ ટીમનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

વિદ્યાર્થીઓની મદદ માટે કોંગ્રેસે કપિલ મદાન, ઋષભ રંજન, અર્જુન શર્મા, શૌર્ય વિક્રમ અને ગુરબાની કૌર ભાટિયા સહિતના વકીલોની એક યાદી અને તેમના ઈમેલ આઈડી જાહેર કર્યા છે. આ ઉપરાંત, પાર્ટી દ્વારા એક ગુગલ ફોર્મની લિંક પણ શેર કરવામાં આવી છે.

કોંગ્રેસે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ ફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગતો ભરવા વિનંતી કરી છે, જેથી લીગલ ટીમ સીધો તેમનો સંપર્ક કરી જરૂરી કાનૂની પગલાં લઈ શકે. AICCએ ખાતરી આપી છે કે જો જરૂર પડશે તો વકીલોની આ ટીમ પીડિત પરિવારોના ઘર સુધી પહોંચીને પણ મદદ કરશે.

રાજધાની દિલ્હીના જંતરમંતર પર છેલ્લા અનેક દિવસોથી ચાલી રહેલું આંદોલન સોનમ વાંગચુકને ફરજિયાત હોસ્પિટલમાં ખસેડાયા બાદ ખૂબ જ વધુ ઉગ્ર બન્યું છે. CJPના નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનમાં ગઇકાલે દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં આકરો વિરોધ વ્યક્ત થયો હતો.
 
જો કે પોલીસે પણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે હવે કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટીઓ વિદ્યાર્થીઓની માંગના સમર્થનમાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ આજે પીએમ આવાસ સામે જ ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધા છે.  આ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને રાહુલ ગાંધી સાથે વાત કરી હતી.