Sun Sep 13 2026

Logo

કોંગ્રેસ એક્શન મોડમાં, હરિયાણામાં રાજયસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને શો-કોઝ નોટિસ આપશે

2026-03-17 16:55:00
Author: Chandrakant Kanoja
કોંગ્રેસ એક્શન મોડમાં, હરિયાણામાં રાજયસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને શો-કોઝ નોટિસ આપશે

નવી દિલ્હી:  કોંગ્રેસ રાજયસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પર કડક કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ઓડિસામાં ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ પાર્ટી હવે હરિયાણામાં  કડક પગલા લેવા જઈ રહી છે. જેમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને શો-કોઝ નોટિસ આપવામાં આવશે. આ અંગે  કોંગ્રેસ મહાસચિવ અને હરિયાણાના પ્રભારી બી.કે. હરિપ્રસાદે જણાવ્યું હતું કે તેમનો   ખુલાસો માંગવામાં આવશે.

ઓડિશામાં ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા 

આ ઉપરાંત ઓડિશામાં રાજ્યસભાની ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસે  મંગળવારે પાર્ટીના વ્હીપનો ભંગ કરવા અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કરવાના આરોપસર તેના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં સોફિયા ફિરદોસ, રમેશ જેના અને દશરથી ગમાંગનો સમાવેશ થાય છે.

પાંચ ધારાસભ્યો 'ક્રોસ-વોટિંગ'માં સામેલ હોવાનો આરોપ

હરિયાણામાં ભાજપના સંજય ભાટિયા અને કોંગ્રેસના કરમવીર સિંહ બોદ્ધને રાજ્યસભા ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.  તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના પાંચ ધારાસભ્યો 'ક્રોસ-વોટિંગ'માં સામેલ હોવાનો આરોપ છે.  જ્યારે પાંચ ધારાસભ્યો દ્વારા 'ક્રોસ-વોટિંગ' વિશે પૂછતા હરિયાણા કોંગ્રેસ પ્રમુખ રાવ નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પક્ષ સાથે દગો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં ભાજપ પાસે 48 બેઠકો છે, કોંગ્રેસ પાસે 37, INLD પાસે બે અને ત્રણ સ્વતંત્ર ધારાસભ્યો છે.