Fri Oct 02 2026

Logo

2,600 ટનના પાકિસ્તાની જહાજને 7,400 ટનના ભારતીય યુદ્ધજહાજે ટક્કર મારી હોત તો શું હાલ થયા હોત?

2026-09-17 15:46:16
Author: Mayur Patel
2,600 ટનના પાકિસ્તાની જહાજને 7,400 ટનના ભારતીય યુદ્ધજહાજે ટક્કર મારી હોત તો શું હાલ થયા હોત?

નવી દિલ્હીઃ અરબી સમુદ્રમાં 15 સપ્ટેમ્બરની સાંજે ભારતીય નૌકાદળના એક યુદ્ધજહાજ અને પાકિસ્તાન નૌકાદળના એક જહાજ વચ્ચે ટક્કર થઈ  હતી. ભારતે પાકિસ્તાની જહાજના અસુરક્ષિત અને બિન-વ્યવસાયિક દાવપેચ સામે વિરોધ નોંધાવ્યો હતો અને 1991ના ભારત-પાકિસ્તાન કરારની કલમ 10ના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનામાં સામેલ પાકિસ્તાની નૌકાદળનું યુદ્ધજહાજ PNS હુનૈન હતું. આ જહાજ પાકિસ્તાન નેવીનું ઑફશોર પેટ્રોલ વેસલ હતું, જેનું વજન 2600 ટન જેટલું છે. જ્યારે INS કોલકાતા ભારતનું સૌથી શક્તિશાળી અને આધુનિક યુદ્ધજહાજ છે. જેનું વજન 7400 ટનથી વધારે છે. 

આ ટક્કરના નિશાન પાકિસ્તાનના જહાજ પર જોવા મળ્યા હતા. પાકિસ્તાની જહાજના આગળના હિસ્સામાં ટક્કરનું નિશાન સ્પષ્ટ જોવા મળતું હતું અને તેને મરામત માટે પોર્ટ પર ફરવું પડ્યું હતું. જ્યારે ભારતીય જહાજ તેના મિશન પર આગળ વધતું રહ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, INS કોલકાતાને કઈ નુકસાન થયું નથી.

બંને યુદ્ધજહાજો વચ્ચે જમીન-આસમાનનો ફરક 
સૂત્રોએ જણાવ્યું કે, બંને યુદ્ધજહાજો વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. પાકિસ્તાનનું PNS હુનૈન એક ઑફશોર પેટ્રોલ વેસલ (દરિયાકાંઠાની સુરક્ષા કરતી પેટ્રોલિંગ બોટ) છે, જેમાં કેટલીક વધુ મિસાઇલો લગાવીને તેની પ્રહાર ક્ષમતામાં થોડો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ભારતનું INS કોલકાતા ભારતીય નૌકાદળના સૌથી મોટા ફ્રન્ટલાઇન જહાજો પૈકીનું એક છે. તે જહાજ વિશાળકાય અને શક્તિશાળી છે.

આ ઘટનાથી રાજદ્વારી તણાવ પેદા થયો છે અને બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને સમન્સ પાઠવ્યા હતા. ભારતે જણાવ્યું કે યુદ્ધજહાજ ઉત્તરી અરબી સમુદ્રમાં નિયમિત પેટ્રોલિંગ  મિશન પર હતું, ત્યારે જ પાકિસ્તાની જહાજે તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું. PNS હુનૈન પાકિસ્તાન નૌકાદળના સી સ્પાર્ક અભ્યાસ હેઠળ તે વિસ્તારમાં હાજર હતું.

ભારતીય જહાજે પાકિસ્તાની જહાજને ટક્કર મારી હોત ડૂબ્યું
સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાની જહાજ ઝડપથી આગળ વધી રહ્યું હતું, ત્યારે જ ખૂબ નજીકથી પસાર થવાના પ્રયાસમાં તે INS કોલકાતા સાથે અથડાઈ ગયું. અહેવાલો મુજબ, PNS હુનૈનમાં તિરાડ પડી ગઈ હતી. OSINT એકાઉન્ટ War and Gore એ દાવો કર્યો કે આ ઘટનામાં પાકિસ્તાનના ચાર લોકો ઘાયલ થયા છે. જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ઘટના પાકિસ્તાન માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકી હોત. જો INS કોલકાતાએ પોતાના ક્રૂની સુરક્ષા માટે વળીને પાકિસ્તાની જહાજને ટક્કર મારી દીધી હોત, તો તે પલટીને ડૂબી ગયું હોત. પાકિસ્તાને ખૂબ જ ખતરનાક દાવપેચ અજમાવ્યો હતો.

INS કોલકાતામાં લાગેલી છે અત્યાધુનિક સિસ્ટમ
બંને જહાજો વચ્ચેનો તફાવત માત્ર કદનો નથી, પરંતુ એ બાબતનો છે કે આ જહાજો કયા પ્રકારની લડાઈ માટે બનાવવામાં આવ્યા છે. INS કોલકાતામાં હથિયારો અને સેન્સરની એક અત્યાધુનિક  સિસ્ટમ લાગેલી છે, જેમાં બ્રહ્મોસ સુપરસોનિક જમીનથી જમીન પર પ્રહાર કરનારી મિસાઇલો સામેલ છે. આમાં લાંબા અંતર સુધી પ્રહાર કરતી જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો, 360-ડિગ્રી રડાર, 76-mm ગન અને AK-630 ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ પણ સજ્જ છે. દુશ્મનની સબમરીન સામે લડવા માટે, તેમાં ટોર્પિડો લોન્ચર, રોકેટ લોન્ચર અને આગળના ભાગમાં સોનાર સિસ્ટમ લગાવેલી છે. INS કોલકાતા બે હેલિકોપ્ટર (સામાન્ય રીતે સીકિંગ અને ચેતક) પણ ઓપરેટ કરી શકે છે.

કેમ મજબૂત ડિઝાઇન કરવામાં આવ્યું છે INS કોલકાતા
INS કોલકાતાને  વારંવારની અથડામણ છતાં લડાઈમાં ટકી શકે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની તાકાત અને ક્ષમતા 2021માં મુંબઈ સાથે ટકરાયેલા વાવાઝોડા 'તૌકતે'  દરમિયાન જોવા મળી હતી. વાવાઝોડા સમયે પવનની ગતિ 120 km/h સુધી પહોંચી ગઈ હતી અને મોજાં નવ મીટર સુધી ઊંચા ઊછળી રહ્યાં હતાં. તે સમયે ભારતીય નૌસેનાએ જે બે જહાજ મોકલ્યા હતા તે INS કોલકાતા અને INS કોચી હતા. આ કદના આ બે જ જહાજ એવા છે જે તોફાનની વચ્ચેથી પસાર થઈને લોકોને બચાવી શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો INS કોલકાતા તદ્દન અલગ પ્રકારનું જહાજ છે. જેમ કે X પર એક યુઝરે ખૂબ સાચી વાત કહી, તમે ડિસ્ટ્રોયરથી દૂર ભાગો છો, તેની તરફ દોડતા નથી! અન્ય એક યૂઝર્સે લખ્યું કેટલી મૂર્ખામી છે કે 2500 ટનનું જહાજ 7500 ટનના ડિસ્ટ્રોયર સાથે ટકરાવાનો નિર્ણય કરે છે.જોકે, કોઈ પાકિસ્તાની નૌસેનાના જહાજે આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવું દુઃસાહસ કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના નહોતી. 16 જૂન, 2011ના રોજ એડનની ખાડીમાં PNS બાબર ભારતીય યુદ્ધજહાજ INS ગોદાવરીની ખૂબ નજીકથી પસાર થયું હતું.