Tue Jul 28 2026

Logo

બે સિલ્વર-મેડલિસ્ટની સંઘર્ષની સફરઃ એક વેઇટલિફ્ટરે મજૂરી કરી હતી, બીજો ખેતમજૂરનો પુત્ર

glasgow   2026-07-28 18:24:59
Author: Ajay Motiwala
Article Image

ગ્લાસગોઃ કૉમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)માં આ વખતે વેઇટલિફ્ટિંગમાં એવા બે ભારતીય સ્પર્ધક સિલ્વર મેડલ જીત્યા છે જેમણે નાનપણથી પરિવારની ગરીબીને કારણે ખૂબ સંઘર્ષ કર્યો છે, માતા-પિતાને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ પણ કરી છે અને હવે વિશ્વના આ બીજા નંબરના સૌથી મોટા રમતોત્સવમાં રજતચંદ્રક જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

મણિપુરનો 28 વર્ષનો ઋષિકાંત સિંહ રવિવારે કૉમનવેલ્થનું મેડલ જીતનાર મણિપુરનો પ્રથમ પુરુષ વેઇટલિફ્ટર બન્યો હતો. તેણે 60 કિલો વજનની કૅટેગરીમાં કુલ 264 કિલો (સ્નૅચમાં 121 કિલો અને 143 કિલો ક્લીન ઍન્ડ જર્કમાં) વજન ઊંચકીને બીજું સ્થાન મેળવીને રજતચંદ્રક (Silver medal) મેળવ્યો હતો. મણિપુર રાજ્યએ દેશને મીરાંબાઈ ચાનુના રૂપમાં ટોચની વેઇટલિફ્ટર આપી છે. ચાનુએ બે દિવસ પહેલાં સતત ત્રીજી કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

છ સભ્યવાળા ગરીબ પરિવારના ઋષિકાંતે ભૂતકાળમાં વેઇટલિફ્ટિંગની સ્પર્ધાઓ માટેની તાલીમ વખતે વેકેશન દરમ્યાન પરિવારનું ગુજરાન ચલાવવા તેના મમ્મી સાથે ખેતરમાં કામ કર્યું હતું તેમ જ ઇમારતના બાંધકામના સ્થળે મજૂરી કરી હતી. જોકે પુત્રને વેઇટલિફ્ટિંગમાં કારકિર્દી બનાવવા તેના મમ્મીનો તેને ઘણો સપોર્ટ મળ્યો હતો. ઋષિકાંતના પિતા બસ ક્નડક્ટર અને ટ્રક ડ્રાઇવર છે. ઋષિકાંતનો મોટો ભાઈ પીટીઆઇને કહે છે, `ખેતીની મોસમ દરમ્યાન અમારી મમ્મી ખેતરમાં કામ કરીને રોજના 200થી 300 રૂપિયા કમાય છે.'

મમ્મી-પપ્પાએ પહેલી વખત ટીવી પર જોયો

હાલમાં ઋષિકાંતના મમ્મી-પપ્પા રાજસ્થાનમાં મોટા પુત્ર અમરજિતના ઘરે રહે છે. અમરજિત કહે છે, `અમે ઋષિકાંતને કૉમનવેલ્થમાં સિલ્વર મેડલ જીતતો ટીવી પર જોયો. અમારા મમ્મી-પપ્પાએ પહેલી જ વખત તેને ટીવી પર લાઇવ ટેલિકાસ્ટમાં હરીફાઈમાં ભાગ લેતો અને મેડલ જીતતો જોયો.'

બૉક્સર બનવું હતું, ગુજરાતમાં નૌકા દળનો સૈનિક છે

ઋષિકાંત સિંહ ભારતીય નૌકા દળમાં સૈનિક છે અને હાલમાં તેનું પોસ્ટિંગ ગુજરાતમાં છે. ઋષિકાંત વેઇટલિફ્ટર બન્યો એ પહેલાં તેને બૉક્સર બનવાની ખૂબ ઇચ્છા હતી. ખાસ કરીને તે ડિંગ્કો સિંહ અને મૅરી કૉમની સિદ્ધિઓથી ખૂબ પ્રભાવિત થયો હતો. જોકે નૅશનલ સ્પોર્ટ્સ ઍકેડેમી કે જેમાં તેણે વેઇટલિફ્ટિંગની તાલીમ લેવા માટે જ અરજી કરી હતી એમાં જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે તેને વેઇટલિફ્ટિંગની હરીફાઈ માટે જ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. ઋષિકાંતે બૉક્સિંગમાં તાલીમ આપવા વિનંતી કરી હતી, પણ અધિકારીએ કહ્યું કે `તેં વેઇટલિફ્ટિંગ માટે જ અરજી કરી છે એટલે હવે સ્પોર્ટમાં કોઈ ફેરફાર નહીં થાય.' ઋષિકાંતના મોટા ભાઈ અમરજિતે પીટીઆઇને કહ્યું, `પાંચ વર્ષ પહેલાં મને ઋષિકાંતે કહેલું કે તે મણિપુરનો સૌપ્રથમ કૉમનવેલ્થ મેડલિસ્ટ બનીને રહેશે.'

વેઇટલિફ્ટર રાજાના પિતા ખેતમજૂર

રવિવારે કૉમનવેલ્થમાં 65 કિલો વજનના વર્ગમાં સિલ્વર મેડલ જીતનાર તમિળનાડુનો રાજા મુથુપન્ડી ખેતમજૂરનો દીકરો છે. રાજાનો મોટો ભાઈ સુરેશ પણ રાષ્ટ્રીય સ્તરનો વેઇટલિફ્ટર હતો. રાજાના પિતા ખેતીમાં મજૂરી કરે છે અને તેમણે પુત્રને આંતરરાષ્ટ્રીય સ્તરનો વેઇટલિફ્ટર બનાવવા ઘણી રીતે બલિદાન આપ્યું છે. ખુદ રાજાએ છેલ્લા સાત વર્ષમાં ઘણા પ્રકારની ઈજાનો તેમ જ બીમારીઓનો સામનો કર્યો છે. જોકે એનો સામનો કરવા માટેના મનોબળ અને શક્તિ તેને સ્પોર્ટ્સ સાયન્સના અભ્યાસમાંથી મળી હતી.