Wed Sep 23 2026

Logo

કૉમનવેલ્થમાં 40મો મેડલ જીતવાની ભારતની અપેક્ષાને ઝટકો

Glasgow   2026-08-02 16:15:16
Author: Ajay Motiwala
કૉમનવેલ્થમાં 40મો મેડલ જીતવાની ભારતની અપેક્ષાને ઝટકો

ગ્લાસગોઃ કૉમનવેલ્થ ગેમ્સમાં એક તરફ રવિવારે સમાપન સમારોહનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે ભારતીય ઍથ્લીટોએ શનિવારના સુપર-ડુપર દિવસ બાદ રવિવારે નિરાશા જોવી પડી હતી જેમાં પુરુષોની જૂડો (Judo)માં અને સાઇક્લિંગમાં ભારતીય સ્પર્ધક બહાર થઈ ગયા બાદ મહિલાઓની જૂડોમાં પણ ભારતને એક આંચકો લાગ્યો હતો.

ઇશરુપ નારંગ (Ishroop Narang) નામની ભારતીય જૂડોકાનો 78 કિલો વર્ગમાં ઇંગ્લૅન્ડની એમ્મા રીડ સામે પરાજય થયો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં જ ઇશરુપની સફર પૂરી થઈ જતાં કુલ 40મો ચંદ્રક જીતવાની ભારતની આશા પર પાણી ફરી વળવાની શરૂઆત થઈ હતી. ભારતને આ મુકાબલા પહેલાં કુલ 39 ચંદ્રક મળ્યા હતા જેમાં 13 ગોલ્ડનો સમાવેશ હતો.

એ પહેલાં, મેન્સ જૂડોના 100 કિલો વર્ગમાં અવતાર સિંહનો મુકાબલો રાઉન્ડ ઑફ 16માં સાયપ્રસના એરિસ્ટન માઇકલ સામે હતો જેમાં અવતારનો પરાજય થયો હતો અને સૌની નજર +100 કિલો વર્ગમાં યશ ઘંઘસ પર હતી, પરંતુ તે પણ હારી ગયો હતો. તેનો વેલ્સના જોશુઆ વાઇટહાઉસ સામે 0-1થી પરાભવ થયો હતો.

સાઇક્લિંગમાં ભારતનો દિનેશ કુમાર 40 કિલોમીટર પૉઇન્ટ રેસના પ્રથમ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. એ સાથે, એ ઇવેન્ટમાં મેડલ જીતવાની ભારતની આશા પર પડદો પડી ગયો હતો. સાઇક્લિંગમાં જ ભારતનો હર્ષવીર સેખોંની પણ વહેલી એક્ઝિટ થઈ ગઈ હતી.